ફી ક્યારે પાછી આપશો?:ધોરણ 10 અને 12ના 13 લાખથી વધુ વિદ્યાર્થી પાસેથી વસૂલેલી કરોડોની પરીક્ષા ફી બોર્ડ પાછી નહીં આપે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડનો તર્ક છે કે માસ પ્રમોશન પહેલાં જવાબ પેપરની ખરીદીથી માંડી તમામ તૈયારી થઈ ચૂકી હોવાથી પરીક્ષા ફી મજરે ન આપી શકાય
  • બોર્ડની આવકનો મુખ્ય સ્રોત પરીક્ષા ફી હોવા ઉપરાંત અધિકારીઓનો પગાર પણ તેમાંથી નીકળતો હોવાની દલીલ

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા મોકૂફ રહ્યા બાદ વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજસહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે કે પરીક્ષાની તમામ પ્રક્રિયા પૂરી થઈ હતી અને બોર્ડમાં થતા ખર્ચનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરાશે નહીં.

કોરોના મહામારીને કારણે ધો.10 અને 12નો પરીક્ષા કાર્યક્રમ જાહેર થયાના બીજા જ દિવસે બોર્ડની પરીક્ષા મોકૂફ રાખીને નક્કી કરેલી ફોર્મ્યુલા પર પરિણામ તૈયાર કરાયા હતા. જેથી વિદ્યાર્થીઓએ ભરેલી પરીક્ષા ફી પરત કરવા માગ કરાઇ હતી. પરંતુ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત ન કરવાનો નિર્ણય લેવોયો છે. કારણ કે બોર્ડના અધિકારીઓનો પગાર, ફેસેલિટી અને તમામ પ્રક્રિયાની આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી છે. તેથી તે પરત કરી શકાય નહીં.

આ ઉપરાંત પરીક્ષાની તમામ તૈયારી માટે જવાબ પેપરની ખરીદીથી લઇને પ્રશ્નપત્રની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી. ધો.10માં 8.57 લાખ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી દીઠ રૂ.355 પરીક્ષા ફી લેવાઈ હતી તે રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.07 લાખ વિદ્યાર્થી પાસેથી 605 લેખે જ્યારે સામાન્ય પ્રવાહના 4 લાખ વિદ્યાર્થી પાસેથી 490 પરીક્ષા ફી લેવાઈ હતી.

ધો.10-12માં આટલા વિદ્યાર્થી નોંધાયા હતા

ધોરણવિદ્યાર્થીની સંખ્યા
ધો.108.57 લાખ
ધો.12 (સા.પ્ર)4 લાખ
ધો.12 (વિ.પ્ર)1.07 લાખ

(પરીક્ષા ફી નિયમિત વિદ્યાર્થીઓની છે)

વ્યાજ સહિત ફી પાછી મળવી જોઈએ
હજુ સુધી સ્કૂલોની ફી નક્કી થઈ નથી. જેથી વાલીઓએ સ્કૂલોની ફી પણ વધારે ભરવી પડે છે. માસ પ્રમોશનને કારણે બોર્ડે પરીક્ષા ફી વ્યાજ સહિત પાછી આપવી જોઈએ. - પ્રકાશ કાપડિયા, વાલી મંડળના આગેવાન