• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Board Of 'Karnavati' Was Felt For The First Time In Bhadrakali Temple; BJP 'Karnavati Mahanagar' Is Written 'Ahmedabad' On AMC's Site Today!

નામના વિવાદમાં વધુ એક ઉમેરો:ભદ્રકાળી મંદિરે પ્રથમ વખત જ ‘કર્ણાવતી’નું બોર્ડ લાગ્યું; ભાજપ ‘કર્ણાવતી મહાનગર’ તો AMCની સાઈટ પર આજેય ‘અમદાવાદ’ લખાય છે!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ભદ્રકાળી મંદિરના બોર્ડ પર કર્ણાવતી લખવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે - Divya Bhaskar
ભદ્રકાળી મંદિરના બોર્ડ પર કર્ણાવતી લખવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે
  • ટ્રસ્ટીએ કહ્યું, મંદિરની સ્થાપના કર્ણદેવના સમય દરમિયાન થઈ હોવાથી ‘કર્ણાવતીનગર’નો ઉલ્લેખ

નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે પ્રથમ વખત જ બોર્ડ લગાવાયું છે. બોર્ડ પર ‘કર્ણાવતીનગર’ નામનો ઉલ્લેખ છે. આ સાથે શહેરનું નામ ‘અમદાવાદ’ કે ‘કર્ણાવતીનગર’ એ અંગે લાંબા સમયથી ચાલતા વિવાદમાં વધુ એક ઉમેરો થયો છે. મંદિર સત્તાવાળાનું કહેવું છે કે, જૂના મંદિરની આસપાસ બાંધકામને કારણે મંદિર સીધું નજરે ચડતું ન હોવાથી બોર્ડ લગાવાયું છે. બોર્ડમાં ‘કર્ણાવતીનગર’ નામ પછી કૌંસમાં અમદાવાદનો ઉલ્લેખ છે.

મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ કહ્યું કે, મંદિરની સ્થાપના કર્ણદેવના સમય દરમિયાન થઈ હોવાથી ‘કર્ણાવતીનગર’ નામ લખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકો મંદિર સામે ઊભા હોય તો પણ મંદિર ક્યાં આવ્યું તેમ પૂછતાં હોવાથી બોર્ડ લગાડવામાં આવ્યું છે.

ભાજપ કર્ણાવતી મહાનગર લખે છે
ભાજપ કર્ણાવતી મહાનગર લખે છે

નવા નામની દરખાસ્ત નથી પણ વિવાદ ચાલુ રખાય છે
અમદાવાદના નામનો વિવાદ 1998થી ચાલી રહ્યો છે. જે તે સમયે લોક અધિકાર સંઘ વતી પિટિશન થઈ હતી ત્યારે કેન્દ્રએ હાઈકોર્ટમાં આવી રજૂઆત ન હોવાનું કહ્યું હતું. ત્યારબાદ મ્યુનિ.માં ભાજપના સત્તા આવતા નામનો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો. છેલ્લે 2018ની વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સવાલો પૂછાયો ત્યારે સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા 5 વર્ષથી નામ બદલવાની દરખાસ્ત કેન્દ્રમાં થઈ નથી.

AMCની વેબસાઇટમાં અમદાવાદનો સ્પેલિંગ સ્ટેશનના સ્પેલિંગ કરતાં અલગ લખવામાં આવે છે
AMCની વેબસાઇટમાં અમદાવાદનો સ્પેલિંગ સ્ટેશનના સ્પેલિંગ કરતાં અલગ લખવામાં આવે છે

પરંપરા મુજબ કર્ણાવતી મહાનગર લખીએ છીએ
શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે, પક્ષની પરંપરાને કારણે અમે અમદાવાદના સ્થાને કર્ણાવતીના નામનો ઉલ્લેખ કરીએ છીએ. ભાજપના લેટર પેડ પર પણ કર્ણાવતી મહાનગર નામનો ઉલ્લેખ છે.

રેલવે સ્ટેશન પર અમદાવાદનો સ્પેલિંગ અલગ લખાયેલો છે
રેલવે સ્ટેશન પર અમદાવાદનો સ્પેલિંગ અલગ લખાયેલો છે

મ્યુનિ.ની સાઈટ, રેલવે સ્ટેશન પર જુદા-જુદા સ્પેલિંગ છે
મ્યુનિ.ની વેબસાઈટ પર અંગ્રેજીમાં અમદાવાદ નામ છે. જ્યારે કાલુપુર સ્ટેશને એહમેડાબાદ નામનો ઉલ્લેખ છે. આ અંગે મેયર કિરીટ પરમારને પૂછતાં તેમણે કહ્યું, આ વિશાળ સબજેક્ટ છે, તમારે રૂબરૂ મળવા આવવું.

કર્ણાવતીનો ઇતિહાસઃ
આશાપલ્લી અને કર્ણાવતીના સ્વતંત્ર ઉલ્લેખો ઇતિહાસમાં લાંબા સમયથી છે. કર્ણાવતીની સ્થાપના વિશે બે મત છે. ઇતિહાસકારોમાં આ બે સમય આપવામાં આવ્યા છે. પ્રબંધ ચિંતામણીમાં કર્ણાવતીની સ્થાપના વિશે જણાવ્યું છે કે, સિદ્ધરાજ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે એનો રાજ્યાભિષેક કરી કર્ણ દક્ષિણ બાજુ કોઇ સુયોગ્ય સ્થાને જઇને રહેવા નીકળ્યા અને આશાપલ્લી નજીક આવતા તેણે આશા ભીલને હરાવીને ત્યાં કર્ણાવતી વસાવ્યંુ.કર્ણાવતીની સ્થાપના સં.1120ના ચૈત્ર સુદ સાતમથી સં.1150 પોષ વદ બીજ દરમિયાન થઇ હતી. આ સાથે જ ‘પ્રબંધ ચિંતામણી’ આધારે કર્ણાવતીના ઇતિહાસની વધુ ઉંડાણથી તપાસ કરીએ તો જાણવા મળે છે કે આશા ભીલ પર આક્રમણ કરવા આવેલા કર્ણદેવને ચીબરીનું અપશુકન થતા ત્યાં કોછરબા દેવીનું મંદિર બંધાવ્યું, આશા ભીલ પર વિજય મેળવીને વિજય સ્થળ પર જયંતી દેવીનું પણ મંદિર બંધાવ્યું. ત્યારબાદ કર્ણેશ્વર મહાદેવનું મંદિર અને કર્ણસાગર તળાવ બનાવડાવીને કર્ણદેવ રહ્યા હતા.

અમદાવાદનો ઇતિહાસઃ
સાબરમતીના પૂર્વ તટ પરના નાના ગામોને સમાવીને અહમદશાહ બાદશાહે ઇ.સ 1411માં અમદાવાદની સ્થાપના કરી હતી. અણહિલવાડ પાટણના વિસ્તારને ભાંગીને તેણે અમદાવાદ વસાવ્યું હતું. 1411માં અહેમદશાહ બાદશાહને મધ્યમાં કોઇ સ્થાનની જરૂર હતી. અમદાવાદની જગ્યા મધ્યમાં આવતી હોવાથી આ સ્થળે રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદની સ્થાપનામાં જૂના કર્ણાવતી શહેરના અવશેષો અને એ સમયે હયાત પાટણના અવશેષોનો ઉપયોગ થયો હતો. એટલે કે અમદાવાદની રચના એ સમયના જીવતા પાટણ અને નષ્ટ થયેલા કર્ણાવતીના હાડપિંજરમાંથી તૈયાર થઇ હતી. અમદાવાદની રચના ભારતીય વાસ્તુકલા પ્રમાણે તૈયાર કરવામાં આવી હતી.
(ભોજે વિદ્યાભવનના નિવૃત નિયામક ડો. આર.ટી સાવલિયા સાથેની વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...