તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિનંદન પ્રસ્તાવ:રૂપાણી સરકારે કોરોનામાં કરેલી કામગીરીને ભાજપ બિરદાવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ કારોબારીની બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે
  • અમિત શાહની મુલાકાત બાદ ભાજપ સોમવારે કારોબારી સમિતિની બેઠક યોજી આગામી ચૂંટણીની તૈયારી શરૂ કરશે

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કોરોનાકાળમાં કરેલી કામગીરીને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તેમનું આખું સંગઠન બિરદાવશે. ભાજપે સોમવારે પ્રદેશ કારોબારીની બેઠક બોલાવી છે, જેમાં તેઓ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને રાજ્યમાં રૂપાણીની સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી અને કોરોનામાં લોકોને સારી સારવાર, રસીકરણનું કાર્ય કર્યું તે માટે સહ અભિનંદન વ્યક્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા મંગળવારે અમદાવાદમાં પાટીલને હાજર રાખી રૂપાણી સરકારે કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સરકારે અપેક્ષા મુજબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પાટીલે આ બેઠક બોલાવીને તેમાં આ પ્રસ્તાવ રજૂ કરવાનું નક્કી કર્યું છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અન્ય ઠરાવો પણ રજૂ કરવામાં આવશે, જેમાં પક્ષના તમામ લોકો કોરોના પીડિત તેમજ વાવાઝોડાંના અસરગ્રસ્ત લોકો માટે કામ કરશે તેવું નક્કી થશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને પણ કાર્યક્રમોની જાહેરાત આ બેઠકમાં થશે.

અગાઉ જ્યારે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં બેઠક અર્થે આવ્યા હતા ત્યારે તેમણે વિવિધ જિલ્લાઓના પ્રવાસનો પ્લાન બનાવ્યો હતો, જોકે પાટીલ પણ હવે આ બેઠકમાં આ મુલાકાતમાં સાથે જોડાશે. આ દરમિયાન પક્ષના તમામ પદાધિકારીઓને યાદવ અને પાટીલ સરકારે કરેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટેના આદેશો આપશે. જેથી 2022ની ચૂંટણી સુધીમાં ગુજરાત સરકારે કરેલી કામગીરીનો રિપોર્ટ દરેકે દરેક પદાધિકારીઓએ પોતાના મત વિસ્તારના લોકોને આપવાનો રહેશે.

પાટીલ, યાદવ વિવિધ જિલ્લાના પ્રવાસ કરશે
આગામી મહિને ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અલગ-અલગ જિલ્લાના પ્રવાસ માટે જશે. દરમિયાન તેઓ સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પક્ષને હાઇકમાન્ડ તરફથી આપેલા આદેશ અનુસાર રણનીતિ ઘડશે.

અન્ય સમાચારો પણ છે...