તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The BJP President, Who Won The Local Body And By elections, Will Also Adopt The Page Of The President Committee Formula In The Assembly Elections.

‘પાટીલ'નો સફળતા મંત્ર:ભાજપ-પ્રમુખ સ્થાનિક સ્વરાજ અને પેટાચૂંટણીમાં સફળ થયેલી પેજ-પ્રમુખ અને પેજ સમિતિની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં પણ અપનાવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોને પેજ-પ્રમુખની કામગીરી બે મહિનામાં જ પૂરી કરવા આદેશ
  • પ્રદેશ-પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિને કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પક્ષની પેજ પ્રમુખની ફોર્મ્યુલાને ફેલાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ બેઠકો મેળવવા પાટીલે પેજ-પ્રમુખ ફોર્મ્યુલા ધારાસભ્યો સુધી પહોંચાડી પેજ-પ્રમુખ અને પેજ સમિતિ બનાવવાના આદેશો કર્યા હતા. એની સાથે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ પાટીલની ફોર્મ્યુલાની ચર્ચા કરી એને આગળ વધારવા કેટલાંક સૂચનો અને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેજ સમિતિનું કામ પૂર્ણ કરવાના આદેશ અપાયા
ગુજરાત ભાજપમાં સફળ નીવડેલી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા આગામી વિધાનસભાની ચૂંટણીમાં અપનાવી જીત મેળવવાનો સી.આર.પાટીલનો આ સૌથી મોટો ચૂંટણીદાવ હશે, જેને લઈને ભાજપના ધારાસભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં પેજ સમિતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ ગુજરાતભરમાં ભાજપમાં 80 ટકા પેજ સમિતિનું કામ થયું છે, જે આગામી બે મહિનામાં એ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે ( ફાઈલ ફોટો)
મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે ( ફાઈલ ફોટો)

આ વખતે ભાજપની કોંગ્રેસ અને ‘આપ’ સાથે ટક્કર
આ ઉપરાંત પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત પાછળ પણ પાટીલની પેજ-પ્રમુખથી માંડીને પેજ સમિતિ સુધીની ફોર્મ્યુલા જ કારગત નીવડી હોવાની ચર્ચા થઈ હતી. પ્રમુખ પાટીલે પણ પેજ સમિતિ સુધીની સંગઠનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા પ્રદેશના નેતાઓ પણ કામે લાગી જાય એવું નક્કી કર્યું હતું. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટીના ઉમેદવારો સાથે ભાજપના ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની હોવાથી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા પર પ્રદેશ-પ્રમુખ આગળ વધી રહ્યા છે, જેઓ મતદારોને બૂથ પર લઇ જઇને કાર્યકરો ભાજપની તરફેણમાં મતદાન કરાવશે.

પેજ સમિતિને કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે પેજ- પ્રમુખ અને પેજ સમિતિઓનો દાવ ખેલ્યો હતો. પ્રદેશ-પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિને કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે, જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ-પ્રમુખ અને પેજ સમિતિનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી હતી, જેથી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ-પ્રમુખની ગણતરી નેતાઓની બેઠકો, પ્રચાર સભાઓ કરતાં પેજ-પ્રમુખો પર વધુ ધ્યાન આપી ગ્રાસ રૂટ લેવલનું નેટવર્ક તૈયાર કરવાની છે.

19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખને પત્ર લખ્યો હતો.
19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખને પત્ર લખ્યો હતો.

ગુજરાતની 15 લાખ પેજ સમિતિને સંબોધીને પત્ર
રાજ્યમાં ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિત પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન જબરદસ્ત ચૂંટણીપ્રચાર જામ્યો હતો. જોકે આ પ્રચાર જંગ વચ્ચે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખને પત્ર લખ્યો હતો. આમ, તેમણે એ સમયે પત્રના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં પેજ-પ્રમુખોને સંબોધોની લખ્યું હતું કે પેજ-પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે, જેના દ્વારા ઘર ઘરના સભ્યો, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં પ્રદેશ-પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં વકીલોને કેસરિયો ખેસ પહેરાવાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં પ્રદેશ-પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં વકીલોને કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

પેજ-પ્રમુખ એટલે શું?
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી, જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે. એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો. મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...