ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે રોજ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ સંપર્ક રાઉન્ડ માટે નીકળ્યા હતા. નિકોલ વિધાનસભા અંતર્ગત આવતા ગોમતીપુર બોર્ડમાં તેઓ જન સંપર્ક રાઉન્ડમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉમેદવાર જગદીશ પંચાલે પટેલ મીલ પાસે આવેલી શરાફની ચાલીની નજીક વર્ષો જૂની ચાની કીટલી પર પહોંચ્યા હતા. જગદીશ પંચાલે જાતે કીટલી પર ચા બનાવી અને રેલીમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓને ચા પીવડાવી હતી.
ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ પ્રજાની વચ્ચે જવાનું શરૂ કરે છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘર ઘર સુધી મત માંગવા માટે પહોંચે છે ત્યારે આજે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો અનોખો અંદાજ સામે આવ્યો હતો. ગોમતીપુર બોર્ડમાં પોતાના પ્રચાર દરમિયાન પટેલ મીલ પાસે તેઓ જન સંપર્ક કરતા કરતા પહોંચ્યા હતા ત્યારે શરાફની ચાલી પાસે આવેલી વર્ષો જૂની કેટલી પાસે તેઓ પહોંચ્યા હતા. ચાની કીટલી જોઈ અને તેઓ ત્યાં રોકાઈ ગયા હતા અને ચા ના કીતની પાસે પહોંચી અને જાતે જ ચા બનાવવાની શરૂ કરી હતી ચાને ઉકાળી અને તેઓએ પવાલીમાં ભરી હતી અને ત્યારબાદ કેટલીમાંથી તેઓએ કપમાં ચા ભરી અને કાર્યકર્તાઓને પીવડાવી હતી.
ચાની કીટલી પર 10 થી 15 મિનિટ સુધી તેઓ રોકાયા હતા અને ચા બનાવી કાર્યકર્તાઓને પીવડાવતા કાર્યકર્તાઓમાં પણ અચંબામાં પડી ગયા હતા. નિકોલ વિધાનસભાના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ પોતાની વિધાનસભામાં સમાવિષ્ટ ગોમતીપુર વોર્ડમાંથી આજે સવારે પ્રચારની શરૂઆત કરી હતી જેમાં ગોમતીપુર રખિયાલ ચાર રસ્તા પટેલ મીલ ગોમતીપુર ફાયર બ્રિગેડ થઈ અને બળીયાકાકા ચાર રસ્તા સુધી તેઓ ગયા હતા. જન સંપર્ક રાઉન્ડમાં તેમની સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
કોણ છે જગદીશ પંચાલ?
જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ નિકોલ વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના અમદાવાદમાં થયો હતો. એસ.વાય.બી.એ.નો અભ્યાસ કર્યો છે. જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો.
જગદીશ પંચાલની રાજકિય સફર
જગદીશ પટેલ શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં ફરી નિકોલમાંથી ધારાસભ્ય બન્યા. જગદીશ પંચાલે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમને વન અને પર્યાવરણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નિકોલમાં જ્ઞાતિ સમીકરણો
અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. આ બેઠક પર પટેલ-ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે. છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે. નિકોલ બેઠકમાં અંદાજે પટેલ મતદારો 16.7 ટકા, ક્ષત્રિય 10.3 ટકા, મુસ્લિમ 17.7 ટકા, પરપ્રાંતીય 9.8 ટકા, ઓબીસી 8.3 ટકા અને દલિત 3.9 મતદારો છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજ પર પોતાની સારી પકડ ધરાવે છે અને તેથી તેને આ બેઠક પરથી ઓબીસી મતદારોનો સાથ સરળતાથી મળી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.