વિશ્લેષણ:ભાજપ 2022ના લક્ષ્ય તરફ તો કોંગ્રેસ નવા નેતાની શોધ તરફ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોએ આપેલો મેન્ડેટ એ કોંગ્રેસ સામે બહુમતીથી પસાર થયેલા અવિશ્વાસના પ્રસ્તાવ સમાન છે. સત્તા ટકાવવા ભાજપે જેટલી મહેનત કરી એના દસમા ભાગની મહેનત પણ કોંગ્રેસે સત્તા મેળવવા કરી હોત તો આવી દશા ન હોત. પેટ્રોલના ભાવ, મોંઘવારી જેવા અનેક મુદ્દા મતદારોને નડતા હતાં જ અને નડે જ છે. પરંતુ મતદારો પોતાના આ મુદ્દા ઉઠાવવા માટે કોંગ્રેસને લાયક ગણતાં નથી. બીજી તરફ ભાજપ પાસે રામમંદિર, લવજેહાદનો વિરોધ જેવા અનેક હિન્દુત્વને સ્પર્શતા મુદ્દા હતાં જે મતદારોની લાગણીઓ જગાવવામાં વધુ સફળ રહ્યાં.

ભાજપ-કોંગ્રેસની કાર્યપદ્ધતિનો તફાવત ઊડીને આંખે વળગે તેવો હતો. એક તરફ પાટીલ પેજપ્રમુખના પ્લાનને અમલમાં મૂકી રહ્યા હતા. ઉમેદવારોની વયમર્યાદા અને સગાંવાદને જાકારો જેવા નિયમોને આધારે આગળ વધ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પોતાના નેતાઓની રાજહઠ સાથે ઝૂકતી, તૂટતી અને લાચાર નજરે પડી હતી. ગુજરાતના મતદારો ક્યારેય નબળાનો સાથ દેતા નથી અને દેશે પણ નહીં.

આપ અને AIMIM જેવા પક્ષોની હાજરી છૂટક છે અને ખાસ કાંઇ પ્રોત્સાહક નથી. આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાવ જુદા જ માહોલમાં લડાશે. ભાજપના કાર્યકરો જોમથી ભરેલા હશે અને નેતાઓ આત્મવિશ્વાસથી ભરેલા હશે. બીજી તરફ કોંગ્રેસમાં આ લડાઇ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની અંતિમ લડાઇ હશે.

જો કોંગ્રેસ હંમેશની જેમ ચૂંટણી સમયે જાગીને બીજી ચૂંટણી સુધી સૂઇ જવાની વૃત્તિ દાખવશે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓ બાદ ફરી ઊઠી શકશે નહીં. બીજી તરફ પાટીલ એમની નવસર્જનની પ્રક્રિયા જોરશોરથી આગળ ધપાવશે. એમની પાસે મતદારોના વિશ્વાસની મૂડી છે અને કાર્યકરોની મહેનતનું વ્યાજ છે. જો કોંગ્રેસ આ પડકાર ઝીલી નહીં શકે તો ગુજરાતમાં એકપક્ષીય લોકશાહીના દિવસો દૂર નથી.

અન્ય સમાચારો પણ છે...