AMCમાં અધિકારીઓ જ સર્વસત્તાધીશો:રેવન્યુ કમિટીના ચેરમેને ઓનલાઈન સિસ્ટમના કૌભાંડની તપાસ માટે ત્રણ વખત પત્ર લખ્યો છતાં જવાબ ન મળ્યો

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 18 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ અધિકારીઓ જ સર્વસત્તાધીશો છે અને તેમના મુજબ જ કોર્પોરેશન ચાલે છે. ભાજપના સત્તાધીશોનું અધિકારીઓ પણ સાંભળતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમમાં છેડછાડ કરી કૌભાંડ કરવામાં આવ્યું હતું. જે કૌભાંડ ભાજપના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. આ મામલે તેઓએ કોર્પોરેશનમાં કૌભાંડ કરનાર સામે વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી હતી. જોકે, રેવન્યુ કમિટીના ચેરમેન છેલ્લા 8 મહિનાથી આ વિજિલન્સ તપાસ માટે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે વિજિલન્સ તપાસનો રિપોર્ટ માંગી રહ્યા છે છતાં પણ અધિકારીઓ આપી રહ્યા નથી. આ મામલે ત્રણ વખત તેઓએ પત્ર લખ્યા હોવા છતાં પણ તેઓને જવાબ મળતો નથી. ભાજપના કમિટિના ચેરમેન ખુદ ત્રણ વખત પત્ર લખે છતાં જો અધિકારીઓ જવાબ નથી આપતા તો સત્તાધીશો પર હવે અધિકારીઓ જ હાવી બની ગયા છે.

કમિશનરને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ
ગત એપ્રિલ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ વિભાગની ઓનલાઈન સિસ્ટમમાં 200થી વધુ લોકોના ટેક્સમાં રકમમાં ઓનલાઇન છેડછાડ કરી અને તેમનો ટેક્સ માફ અથવા તો અન્યના ટેક્સની રકમમાં વધારો ઘટાડો કરવાનું કૌભાંડ ભાજપના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. ટેક્સ વિભાગનું કદાચ સૌથી મોટું કૌભાંડ આ હોઈ શકે તેવી શક્યતાને પગલે તેઓએ આ મામલે જે પણ ઝોનમાં આ રીતે થયું હોય તેની તપાસ માંગી હતી અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જૈનિક વકીલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહ અને કમિશનરને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગણી કરી હતી.

સત્તાધીશોને અધિકારીઓ ગણકારતા જ નથી
વિજિલન્સ તપાસની માંગણી કર્યાને આઠ મહિના થઈ ગયા હોવા છતાં પણ જો કમિટીના ચેરમેનને જ અધિકારીઓ ગાંઠતા નથી અને તેઓને જવાબ નથી આપતા તેના પરથી સ્પષ્ટ જણાય છે કે અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે કોઈ જ સંકલન નથી. ભાજપના સત્તાધીશોને અધિકારીઓ ગણકારતા જ નથી. એક બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત રેવન્યુ કમિટીના ચેરમેનને જો આવી વિજિલન્સ તપાસમાં શું સ્ટેટસ છે તે માટે અધિકારીઓને પત્ર લખવાની જરૂર પડે તો પછી સામાન્ય વ્યક્તિને કઈ રીતે કોર્પોરેશનમાં અધિકારીઓ જવાબ આપતા હશે.

અન્ય સમાચારો પણ છે...