તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી દુર્ઘટના ટળી:બેંગ્લુરુ-અમદાવાદ ફ્લાઇટને બર્ડહિટ, 150 પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ગો એરની ફ્લાઇટ લેન્ડ થતી હતી ત્યારે જ અચાનક ધડાકા સાથે અવાજ સંભળાયો

ચોમાસું શરૂ થાય એ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની પહેલી ઘટના શુક્રવારે નોંધાઈ હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી ગો એરની ફ્લાઈટ જી8 801 સાથે લેન્ડિંગ સમયે બર્ડહિટની ઘટના બની હતી. પાયલોટે તત્કાલ એટીસીને જાણ કરી ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતાં 150 જેટલા પેસેન્જરોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ, આ ઘટના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ્સનું સંચાલન યથાવત્ રહ્યું હતું.

એરપોર્ટ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગો એરની ફ્લાઈટ જી8 801 બેંગલુરુથી સવારે 5.50 વાગે 150 જેટલા પેસેન્જરો સાથે રવાના થઈ હતી. આ ફ્લાઈટ સવારે લગભગ 7.50 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી ત્યારે અચાનક ધડાકા સાથે અવાજ સંભળાતાં ફ્લાઈટ સાથે બર્ડહિટ થયું હોવાની માહિતી પાયલોટે પેસેન્જરોને આપી હતી. એની સાથે જ આ ઘટના વિશે એટીસી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ, એરપોર્ટ પર ચક્કર માર્યા બાદ એટીસીની મંજૂરી મળતાં પાયલોટે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઈટ લેન્ડ થયા બાદ એરલાઈન્સના એન્જિનિયરોએ સંપૂર્ણ એરક્રાફ્ટનું નિરીક્ષણ કર્યું હતું. જો એન્જિનને વધુ નુકસાન ન થયું હોવાનું જણાતાં તેમણે ફ્લાઈટ ઓપરેશનની મંજૂરી આપી હતી, જેને પગલે અમદાવાદથી લગભગ 1 કલાક વિલંબથી સવારે 8.45 વાગે જી8 720 ફ્લાઈટ 100થી વધુ પેસેન્જરો સાથે અમદાવાદથી દિલ્હી માટે રવાના થયું હતું. આ સમય દરમિયાન દિલ્હી જતી વખતે ફ્લાઈટમાં સમસ્યા જણાતાં દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું.

પાંચ વિમાનને નુકસાન થતાં એરલાઈન્સને કરોડોનો ફટકો
અમદાવાદમાં બુધવારે સાંજે પડેલા ધોધમાર વરસાદની સાથે ભારે પવનને કારણે અમદાવાદ એરપોર્ટ પર પાર્ક થયેલાં 7 જેટલાં એરક્રાફ્ટ એની જગ્યાએથી ખસી જતાં એમાંનાં 5 એરક્રાફ્ટને નુકસાન થતાં તમામને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.

ભારે પવનને કારણે એરક્રાફ્ટને થયેલા નુકસાનને કારણે એરલાઈન્સોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજુ, આ એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થયા બાદ એરલાઈન્સોએ તેમના રિઝર્વ એરક્રાફ્ટ મગાવતાં તેમનું સંચાલન ખોરવાયું નહોતું.