કોરોના હજુ પણ થથરાવે છે:સર્જરી માટે હોસ્પિ.માં દાખલ થતાં દર્દીઓનું વર્તન બદલાયું, સાઇકિયાટ્રિસ્ટની હાજરી જરૂરી, આંતરડામાંથી વાઇરસ નહીં ફેલાઈને?

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી

પાછલા બે વર્ષ દરમિયાન કોરોનાએ વ્યક્તિના જીવનમાં ધરમૂળથી મોટા ફેરફાર લાવી દીધા છે. મહામારીની લોકોની માનસિક સ્થિતિ પર પણ વિપરીત અસરો થઈ છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે સારવારની પધ્ધતિમાં પણ કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે મોટા ઓપરેશન કે સર્જરી સમયે દર્દીને કાઉન્સેલિંગની ભાગ્યે જ જરૂર પડતી હોય છે. પરંતુ કોરોના બાદ મોટી સર્જરી કે ઓપરેશન માટે હવે મોટાભાગના કિસ્સામાં સાઇકિયાટ્રિસ્ટ દ્વારા કાઉન્સેલિંગ કરવાની ફરજ પડી રહી છે.

કોવિડ પછી દર્દીઓના વર્તનમાં ફેરફાર આવ્યાઃ ડો.મનીષ ખૈતાન
ડોક્ટર મનીષ ખૈતાને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, કોવિડ પછી ઘણા દર્દીઓના વર્તનમાં ફેરફાર આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી સવાલ પૂછે છે કે, લેપ્રોસ્ક્રોપી કરશો તો આંતરડામાંથી વાઇરસ હવામાં તો નહીં ફેલાઈને?

શેલ્બી હોસ્પિટલના સર્જન વિક્રમ શાહે જણાવ્યું કે, 'દાખલ થતા દર્દીઓ વધુ પડતી ચિંતામાં જોવા મળી રહ્યા છે. તેમનું વર્તન પણ અલગ પ્રકારનું છે. હોસ્પિટલમાં સાયકોથેરાપિસ્ટનો ભાગ મહત્વનો બની ગયો છે.

માનસિક રીતે સહેલાઇથી ઓપરેશન માટે તૈયાર થતા નથીઃ ડો.તુષાર પટેલ
જ્યારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને પલ્મોનોલોજિસ્ટ તુષાર પટેલનું કહેવું છે કે, અગાઉના સમયમાં એટલે કે કોરોના પહેલા ઓપરેશન કે સર્જરી માટે દર્દીઓને સરળતાથી કન્વિન્સ કરી શકાતા હતા. પરંતુ હવે દર્દીઓની મૂંઝવણ વધી છે. તેઓ માનસિક રીતે સહેલાઇથી ઓપરેશન કે સર્જરી માટે તૈયાર થતા નથી. જેથી તેમને સમજાવવા પડે છે, કારણ કે કોરોના દરમિયાન લોકોએ હોસ્પિટલમાં કપરી પરિસ્થિતિ અનુભવી હતી. જેથી તેઓ હવે મોટી સારવાર કે ઓપરેશન કરાવતા પહેલા વિચારી રહ્યા છે.

સાયકોલોજિસ્ટને સાથે રાખી ઓપરેશન કરવું પડે છેઃ ડો.કલરવ મિસ્ત્રી
શેલ્બી હોસ્પિટલ અને હેલ્ધી માઇન્ડ હોસ્પિટલના સાઇકિયાટ્રિક વિભાગ ડોક્ટર કલરવ મિસ્ત્રીએ જણાવ્યું કે, 'અગાઉના સમયમાં ઓપરેશન અથવા તો સર્જરી વખતે સાયકોલોજિકલ એસેસમેન્ટ કરવાની ફરજ પડતી ન હતી. પરંતું હવે તે મોટાભાગના કિસ્સામાં જરૂરી બન્યું છે. હવે તેમા મોટો ફેરફાર થયો છે. અગાઉ જે તે રોગના નિષ્ણાંત અને એનેસ્થેટિસ્ટ કિસ્સામાં હાજર રહેતા હતા. પરંતુ હવે આ બંને સાથે સાયકોલોજિસ્ટને સાથે રાખી તેને સમજાવીને ઓપરેશન કરવું પડે છે. ટૂંકમાં હવે મલ્ટી ડિસિપ્લનરી ઍપ્રોચ દ્વારા દર્દી સાથે ડિલ કરવાની ફરજ પડી છે.

​​​​​​​બે વર્ષમાં મોત નજીકથી જોયું હોવાથી મનોસ્થિતિ બગડીઃ ડો.હિમાંશુ દેસાઈ
આ બાબતે સિનિયર સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટર હિમાંશુ દેસાઈએ જણાવ્યું કે, અલગ અલગ પ્રકારની મનોસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની વાત આવે છે, ત્યારે હજુ પણ તેમના દિમાગમાં કોરોનાની યાદ તાજી થાય છે. બે વર્ષ દરમિયાન મોતને ખૂબ નજીકથી જોયું છે, અથવા તો મોતને હાથ તાળી આપી છે. સારવાર લઇ રહ્યા હતા, ત્યારે તેમની સામે અનેક દર્દી મોતને ભેટ્યા હોય એવા પણ કિસ્સા બન્યા છે. જેમાં થોડી મિનિટો પહેલા જે દર્દી સાથે વાત કરી હોય અને ગણતરીની મિનિટોમાં તે દર્દીના મોતના સમાચાર સાંભળવા મળ્યા હોય. હોસ્પિટલમાં દાખલ થાય તો સારવારનો કેટલો ખર્ચ થશે, તેની પણ દર્દી કે તેના પરિવારજનોને ચિંતા સતાવે છે.

અન્ય સમાચારો પણ છે...