રજૂઆત:બાર એસોસિએશને ફિઝિકલ કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટને પત્ર લખ્યો, ‘લગ્નો, મોલ, ઓફિસ ચાલુ છે તો કોર્ટ કાર્યવાહી ઓનલાઇન કરાઈ’

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ક્રિમિનલ કોર્ટ સહિત 27 બાર એસો.ની રજૂઆત

કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે તમામ અદાલતોમાં ફિઝિકલ કોર્ટ કાર્યવાહી બંધ કરી વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિરોધ પક્ષના સભ્યોએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને તમામ અદાલતો બંધ કરેલ નિણર્યને ફેર વિચારણા કરવા માંગ કરી છે. તેમજ રાજ્યના સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન સહિત ૨૭ બારે કોર્ટને ફિઝિકલ રીતે શરૂ કરવા માટે પત્રો લખ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિરોધ પક્ષના ગુલાબખાન પઠાણ અને રણજિતસિંહ રાઠોડે ચીફ જસ્ટિસને લેખિતમાં રજૂઆત કરી છે કે, કોરોના અને ઓમિક્રોનના પ્રભાવ વચ્ચે તમામ અદાલતોમાં વર્ચ્યુઅલકરવાનાનો જે નિર્ણય કર્યો છે, તેમાં ફેર વિચારણા કરી ફિઝિકલ કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.

રાજ્યમાં 276 કોર્ટમાં અંદાજે 90 હજાર વકીલો પ્રેક્ટિસ કરે છે. જેમાં 200 કોર્ટમાં વકીલો, પક્ષકારો અને સ્ટાફ થઇ 300થી વધુ લોકો એકત્ર થતાં નથી. લગ્ન, ધાર્મિક અને રાજકીય મેળાવડા સહિત વિવિધ ઓફિસ, મોલ તેમજ બજારો ચાલુ છે, તો પછી કોર્ટ જ કેમ વર્ચ્યુઅલકરવામાં આવી તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ ભરત શાહ સહિત કુલ 27 બારના પ્રમુખે ફિઝિકલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા માગ કરી છે. ગુરુવારે નીચલી કોર્ટ શરૂ કરવા માટે બાર કાઉન્સિલની સાધારણ સભા બોલાવવામાં આવી છે. એસ.ઓ.પી.ના ચુસ્ત નિયમોનું પાલન કરી જે જગ્યાએ કોર્ટો શરૂ થઈ શકે ત્યાં અરજન્ટ કામો અને કાચા કામના કેદીઓની મેટરો જલ્દી ચાલે. નિયંત્રણો હળવા કરવા માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...