ઓનલાઇન ફ્રોડની એક ડઝન તરકીબ:તમારા પૈસા ક્યારે ઊપડી જશે એ ખબર પણ નહીં પણ પડે!, જાહેર સ્થળ પર મોબાઇલ ચાર્જ કરવા જતાં બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લોકોને ઠગવા ફિશિંગ લિંક, સ્ક્રીન શેરિંગ, QR કોડ સ્કેનિંગ, વિશિંગ કોલ્સ, જ્યૂશ જેકિંગ જેવી તરકીબો અજમાવાય છે
  • જાણો, સાયબર-માફિયા ઓનલાઇન છેતરપિંડી કરવા કેવી કેવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે

ડિજિટલ યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયા, ઓનલાઈન બેંકિગ સહિતની ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરતા થયા છે, પરંતુ મોબાઈલમાં જ બધી બેંક ડિટેઈલ્સ આવી જતી હોવાથી સાયબર-માફિયાઓ તમારા ફોનમાં અલગ અલગ રીતે પગપેસારો કરી ઓનલાઈન ફ્રોડ કરે છે. બીજી તરફ, સાયબર-માફિયાઓ લોકોને ઠગવા ફિશિંગ લિંક, સ્ક્રીન શેરિંગ, QR કોડ સ્કેનિંગ, વિશિંગ કોલ્સ, જ્યૂશ જેકિંગ જેવી તરકીબો પણ અજમાવે છે. કેવી કેવી રીતે સાયબર- માફિયા લોકોને પોતાની માયાજાળમાં ફસાવી પૈસા પડાવી લેતા હોય છે એ અંગે સાયબર એક્સપર્ટ અહીં કેટલીક મહત્ત્વની જાણકારી આપી રહ્યા છે, જેની મદદથી નાગરિકો ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું જોઈએ એ જાણી શકશે.

સેલિંગ પ્લેટફોર્મ મારફત
કંપની ધરાવતા વેપારીને તેમની પ્રોડકટ ખરીદવા માટે ખોટા ખરીદદાર બની ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ પર ચીટિંગ કરવામાં આવે છે. પૈસા આપવાને બદલે યુપીઆઈ એપ દ્વારા રિકવેસ્ટ મની ઓપ્શનનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ તેઓ આ રિકવેસ્ટ એપ્રૂવ કરવાનું કહીને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.
તકેદારીઃ ઓનલાઈન પ્રોડકટનું ટ્રાન્ઝેકશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. હંમેશાં યાદ રાખવુ કે કોઈપણ પૈસા મેળવવા માટે પિન પાસવર્ડ કે અન્ય વસ્તુની જરૂર હોતી નથી. જો તમે એમ કરશો તો તમે પૈસા મેળવશો નહીં, પરંતુ ગુમાવશો.

અજાણી એપથી ડેટા ચોરી
અજાણી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી સાયબર-માફિયા તમારા મોબાઇલ ડિવાઈસ, લેપટોપ, ડેસ્કટોપમાં પ્રવેશ મેળવી લે છે. આવી એપ્લિકેશન એસએમએસ સોશિયલ મીડિયા કે ઈનસ્ટંટ મેસેન્જર મારફત વહેતા કરી દેવામાં આવે છે. આવી લિંક ઓથેન્ટિક દેખાતા નામથી ફરતી કરવામાં આવે છે.
તકેદારીઃ કયારેય પણ અજાણી વેરિફાઈ કર્યા વિનાની કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ નહીં, કારણ કે આવી એપ્લિકેશન તમારા મોબાઈલમાંથી ડેટા મેળવી એને વેચીને કમાણી કરતી હોય છે.

સ્ક્રીન શેરિંગ દ્વારા ચીંટિગ
સાયબર-માફિયા તમને સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે ત્યાર બાદ તમારા મોબાઈલ કે લેપટોપ પર કન્ટ્રોલ કરીને તમારા આર્થિક વ્યવ્હારો કરવામાં એકસેસ મેળવી લે છે. ત્યાર બાદ ગઠિયાઓ તમારા ડેટાની મદદથી ઈન્ટરનેટ બેન્કિંગ કે પેમેન્ટ એપ દ્વારા પૈસા ઉપાડી તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.
તકેદારીઃ કોઈપણ અજાણી વ્યક્તિની સાથે સ્ક્રીન શેરિંગ એક્ટિવેટ કરવી જોઈએ નહીં. આ ઉપરાંત ઓનલાઈન ફ્રીમાં મળતી હોય એવી સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ નહીં.

સિમ સ્વેપ અને કલોનિંગ
મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલા હોય છે. સાયબર-માફિયા ડુપ્લિકેટ સિમ લઈને તમારા બેંક એકાઉન્ટની વિગતો જાણી ડિજિટલ ટ્રાન્ઝેકશનનો ઉપયોગ કરી ઓટીપી મેળવી બેંકમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે. મોબાઈલ નેટવર્કમાંથી બોલતા હોવાનું કહીને કનેકશન અપગ્રેડ કરવાના બહાને નવું સિમ આપવાના બહાને વિગતો જાણી ડુપ્લિકેટ સિમ મેળવી લેવાય છે.
તકેદારીઃ સિમકાર્ડને લગતી વિગતો કોઈની પણ સાથે શેર કરવી જોઈએ નહીં, જ્યારે પણ તમારો ફોન લાંબા સમય સુધી બંધ થઈ જાય ત્યારે તરત નેટવર્ક કંપનીને ફોન કરી ડુપ્લિકેટ સિમ ઈસ્યુ કરવાની રિકવેસ્ટને સ્ટોપ કરી દેવાની સૂચના આપવાથી આવા ફ્રોડથી બચી શકાય છે.

સર્ચ એન્જિન દ્વારા છેતરપિંડી
મોટે ભાગે કોઈપણ માહિતી મેળવવા માટે સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે અજાણ્યા ફોન કરનારી વ્યક્તિ સાથે પોતાની વિગતો શેર કરે છે. આમ કરવાથી સાયબર-માફિયા તમારી પાસે વેરિફિકેશનની વિગતો માગી ફ્રોડ કરે છે. માત્ર એક રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી વિશ્વાસ કેળવ્યા બાદ તમારા એકાઉન્ટને હેક કરીને પૈસા ઉપાડી ઠગાઈ કરતા હોય છે.
તકેદારીઃ કસ્ટમકેર કે અન્ય બાબત માટે બને ત્યાં સુધી સર્ચ એન્જિનનો ઉપયોગ ટાળવો. બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને કોન્ટેકટ નંબર મેળવી ખરાઈ કરવી કોઈની પણ સાથે ખાનગી માહિતી શેર કે ટ્રાન્ઝેકશન કરતાં પહેલાં સાવચેતી રાખવી.

સોશિયલ મીડિયાથી છેતરપિંડી
સાયબર-માફિયા જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોટો મૂકી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે. ત્યાર બાદ ગાઢ મિત્રતા કેળવી તેમને મેડિકલ હેલ્પ માટે અરજન્ટ પૈસાની જરૂર છે એમ કહીને પૈસા પડાવી ઠગાઈ કરતા હોય છે. સાબર-ગઠિયાઓ ઘણી વખત પ્રાઈવેટ ફોટો મગાવી અથવા વીડિયો-કોલ કરીને બ્લેકમેઈલ કરીને પણ પૈસા પડાવતા
હોય છે.
તકેદારીઃ કોઈપણ અજાણી વ્યક્તિ સાથે પૈસાનો વ્યવ્હાર કરવો જોઈએ નહીં. કોઈપણ સોશિયલ મીડિયા પર પોતાની ખાનગી બાબતો શેર કરવી જોઈએ નહીં. કોઈપણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી જોઈએ નહીં અને તેના ફોન રિસીવ કરવા નહીં અથવા તેની સાથે મુલાકાત કરવી જોઈએ નહીં.

QR કોડથી છેતરપિંડી
ગ્રાહકોને ફોન કરી વાતોમાં ભોળવી પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સાયબર-માફિયા QR કોડ સ્કેન કરવાનું કહેતા હોય છે. જો તમે તેની વાતમાં આવીને QR કોડ સ્કેન કરશો તો તમારા એકાઉન્ટમાંથી પૈસા ઊપડી જશે.
તકેદારીઃ કોઈપણ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. અજાણ્યા લોકો જો સ્કેનની રિક્વેસ્ટ કરે તો તેના પર વિશ્વાસ ન કરવો અને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ટાળવા જોઈએ.

લોટરી ફ્રોડ
​​​​​​​સાયબર-માફિયા ફોન કરીને તમને મોટી રકમની લોટરી લાગી છે એમ કહી લાલચ આપી વિગતો મેળવે છે. ઘણી વખત શિપિંગ ચાર્જ ભરવો પડશે, પ્રોસેસિંગ ફી ભરવી પડશે એમ કહીને પૈસા પડાવે છે.
તકેદારીઃ લોટરી કે ઈનામના ફોન કે ઈ-મેલ મળે તો તેમની સાથે બેંક એકાઉન્ટની માહિતી શેર ન કરવી.

ફિશિંગ લિંક
ગઠિયાઓ બેંક કે કંપની જેવી જ નકલી વેબસાઈટ બનાવી એની લિંક ફરતી કરે છે. ઓરિજિનલ જેવી જ દેખાતી હોવાથી ગ્રાહકો તેના પર ક્લિક કરી ટ્રાન્ઝેક્શન કરતાં જ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે.
તકેદારીઃ અજાણી લિંક એસએમએસ, ઈ-મેલ પર ક્લિક ન કરવું. આર્થિક વ્યવ્હાર વેબસાઈટની ડિટેઈલ ચેક કર્યા બાદ જ કરવો.

વિશિંગ કોલ્સ
​​​​​​​
બેંકર, કંપની કર્મચારી, ઈન્શ્યોરન્સ એજન્ટ, સરકારી કર્મચારીના નામે કોલ કરી ગ્રાહકની જન્મતારીખ, ઓટીપી, સીવીવી નંબર મેળવી છેતરપિંડી કરાય છે.
તકેદારીઃ કોઈપણ બેંક અધિકારી ક્યારેય ગ્રાહકોની પાસે યુઝર નેમ પાસવર્ડ, કાર્ડની વિગતો, સીવીવી, ઓટીપી વગેરે માગતા નથી.

જ્યુશ જેકિંગ​​​​​​​
અજાણ્યા ચાર્જિંગ પોઈન્ટ પર ફોન ચાર્જ કરવા મૂકો ત્યારે અજાણી એપ્લિકેશન એમાં ફિટ કરેલી હોય છે, જે તમારા મોબાઈલ ફોનના કોન્ટેક્ટ, ડેટા,ઈ-મેલ, એસએમએસ અને પાસવર્ડ મેળવી તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
તકેદારીઃ ગમે ત્યાં જાહેર સ્થળે અથવા અજાણ્યા સ્થળે મોબાઈલ ફોન ચાર્જિંગમાં ન મૂકવો જોઈએ. એનાથી જ્યૂશ જેકિંગનો ખતરો રહે છે.

ATM કાર્ડ સ્કિમિંગ
​​​​​​​સાયબર-માફિયા એટીએમ મશીનમાં સ્કિમિંગ ડિવાઈસ ઈન્સ્ટોલ કરીને તમારા એટીએમ કાર્ડનો ડેટા ચોરી કરી લેતા હોય છે. એના આધારે તેઓ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરતા હોય છે.
તકેદારીઃ એટીએમમાં ધ્યાન રાખો કે કાર્ડ ઈન્સર્ટેશન કે કીપેઈડની સાથે કોઈ એકસ્ટ્રા ડિવાઈસ જોડાયેલું નથીને. પિન નંબર નાખતી વખતે કીપેડ હાથથી કવર કરવું જોઈએ.

દુનિયામાં દર 11 સેકન્ડે એક રેનસેમવેર અટેક થાય છે
હાલના આંકડા મુજબ દર 11 સેકન્ડે એક રેનસેમવેર અટેક થઈ રહ્યો છે. સૌથી પહેલા તો પાસવર્ડ સ્ટ્રોંગ હોવો જોઈએ. તમારે ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ તેમજ ફ્રી વાઈ-ફાઈની લાલચમાં ન આવવું અને એનો ઉપયોગ પણ ટાળ‌વો જોઈએ. તમારા દરેક સોશિયલ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ હોવા જોઈએ. સાયબર દુનિયામાં દરેક યુઝરે ફ્રી અને લોભામણી લાલચમાં ન આવવું જોઈએ. અજાણ્યા ઈ-મેલ્સના એટેચમેન્ટ ડાઉનલોડ ન કરવા જોઈએ. અજાણ્યા મેસેજમાં મળતી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. બાળકો કોઈ ડિવાઈસનો ઉપયોગ કરતા હોય તો પેરન્ટ્સની જવાબદારી છે કે એ ડિવાઈસમાં રહેલી હિસ્ટ્રી સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ તેમજ ડિવાઈસનો પાસવર્ડ પેરન્ટસ પાસે ફરજિયાત હોવો જોઈએ અને સાથે એમાં પેરન્ટાઈલ કંટ્રોલ હોવો જોઈએ. - લકીરાજ સિંહ ઝાલા, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...