એ પાંચ રાજા છે. હા, આજે પણ એ રાજા છે. ભલે ને રાજા તરીકેનું માન એક જ દિવસ પૂરતું હોય પણ એ પોતાના વિસ્તારમાં તો રાજા જ છે. એ પાંચ રાજા ડાંગ દરબારના રાજાઓ છે. વર્ષમાં એક વખત જિલ્લાના મુખ્યમથકમાં તેમની સવારી નીકળે છે. જાણે રાજા પોતાના રાજ્યની મુલાકાતે નીકળ્યા હોય એમ. ખુદ રાજ્યપાલ અને સરકારના મંત્રીઓ ત્યાં જઇ રાજાઓનું સન્માન કરે છે.
આઝાદી પછી દેશના તમામ રાજાઓના સાલિયાણા બંધ કરાયા પણ કદાચ દેશમાં માત્ર ડાંગના આ રાજાઓ જ હશે જેમને પોલિટિકલ પેન્શન એટલે કે સાલિયાણું સરકાર તરફથી ચુકવાય છે, એ પણ માનભેર. સાલિયાણાની રકમ ભલે ને ઓછી હોય પણ એ રકમ સરકાર સામે ચાલીને તેમને આપવા જાય છે. સાલિયાણાની રકમ તરીકે મહિને 14થી 16 હજારની રકમ જ થાય છે એટલે આજે આ રાજાઓ પોતાના જીવન નિર્વાહ માટે નાના-મોટા કામ કરે છે.
ડાંગ દરબારનો પ્રારંભ
માત્ર આ પાંચ રાજાઓ જ નહીં પણ ડાંગના નાયકો અને ભાઉબંધોને પણ સાલિયાણું ચુકવાય છે. સરકાર પણ તેમના નામ આગળ રાજવીશ્રી ઉમેરે છે. 2005, 2012 અને 2017માં પોલિટિકલ પેન્શનમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાંચ રાજાઓને ડાંગના મુખ્યમથક આહવામાં ઘર બનાવવવા પ્લોટની પણ ફાળવણી પણ કરવામાં આવી હતી.
150થી પણ વધુ વર્ષથી દર વર્ષે ડાંગ દરબારમાં ઉજવાય
1800ની આસપાસ અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક રાજાઓએ અંગ્રેજોને મચક નહોતી આપી. અંતે 1842માં અંગ્રેજ શાસને ડાંગના આદિવાસી રાજાઓ સાથે સંધિક કરી હતી. એ જીતની યાદમાં ડાંગ દરબારની ઉજવણી કરાય છે. માહિતી મુજબ, 1870 આસપાસથી દરબાર ભરાય છે. 1876માં ધુલીયામાં ડાંગ દરબારની ભવ્ય ઉજવણી કરાઇ હતી. એ પછી સતત દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે. 1954થી ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.
કોને કેટલું સાલિયાણું ચુકવાય છે?
રાજવીનું નામ | રાજ | પોલિટિકલ પેન્શન |
કિરણસિંગ યશવંતરાવ પવાર | ગઢવી રાજ | 232650 |
છત્રસિંગ ભવરસિંગ | આમાલારાજ | 175666 |
ધનરાજ ચંદ્રસિંગ સૂર્યવંશી | વાસુર્ણારાજ | 147553 |
તપનરાવ આવંદરાવ પવાર | દહેર રાજ | 158386 |
ત્રિકમરાવ સાહેબરાવ પવાર | પીંપરીરાજ | 191246 |
452 નાયક અને ભાઉબંધો | - | 6334073 |
કુલ | 7239574 | |
(પોલિટિકલ પેન્શનની રકમ વાર્ષિક છે જે દર વર્ષે ડાંગ દરબારમાં ચુકવાય છે.) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.