ડ્રગ્સની હેરાફેરી:જખૌથી ઝડપાયેલા 77 કિલો હેરોઇનની ડિલિવરી પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા શખસોને કરવાની હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ATSના અધિકારીને બાતમી મળતાં જ દરિયામાં પેટ્રોલિંગ ચાલુ કરી દેવાયું હતું

કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ઈસમોને હરિ-1 અને હરિ-2 નામના કોડવર્ડથી સંપર્ક કરીને મોકલવાનું હતું. ATSના અધિકારીઓએ હાલ તો ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આમાં અન્ય કોણ સંડોવાયેલા છે એની વિગતો મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

ડ્રગ્સ જખૌના દરિયાથી પંજાબ મોકલવાનું હતું
ATSના નાયબ પોલીસ અધીક્ષક ભાવેશ રોજિયાને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઈનનો જથ્થો કરાંચી પોર્ટથી ભારત પાકિસ્તાન IMBL નજીક જખૌથી આશરે 35 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ‘અલ હુસૈની’માં આવવાનો છે, જે પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ઈસમોને હરિ-1 અને હરિ-2 નામના કોડવર્ડથી સંપર્ક કરીને મોકલવામાં આવવાનો હતો. આ બાતમીને આધારે ATSની ટીમ જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળીને સંયુક્ત ટીમ બનાવી હતી. બાદમાં કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટ બોટમાં બેસી રવાના થઈ બાતમીવાળી જગ્યાએ પેટ્રોલિંગ કર્યું હતું, જ્યાં ગત મોડી રાત્રે બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘અલ હુસૈની’ દેખાઈ હતી. પોલીસ અધિકારીઓએ આ બોટને આંતરીને બોટમાં રહેલા પાંચ પાકિસ્તાની ઈસમો તથા તેમના કબજામાં રહેલા 385 કરોડના 77 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરીને કોસ્ટગાર્ડ સ્ટેશને આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ કરાંચી મેઈન બંદરથી ડ્રગ્સ લઈને નીકળ્યા હતા.
આરોપીઓ કરાંચી મેઈન બંદરથી ડ્રગ્સ લઈને નીકળ્યા હતા.

ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવા માટે ભાગીદારીથી ફિશિંગ બોટ મેળવી
પોલીસ અધિકારીઓએ પકડેલા ઈસમોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ડ્રગમાફિયા હાજી હાસન તથા હાજી હાસમે મોહમ્મદ ઈમરાનને ડ્રગ્સની ડિલિવરી કરવા માટે એક બોટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેણે સહ આરોપી સાગર મારફત કરાંચીના શેબાઝ અલી નામની વ્યક્તિની બોટ ફિશિંગ માટે ભાગીદારીથી મેળવીને કરાંચી મેઈન બંદરથી રવાના થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે કરાંચી બંદરથી આશરે 6 નોટિકલ માઈલ દૂર આવી હાજી હાસમ તથા હાજી હસનનો સંપર્ક કરતાં તેમણે હાજી હાસમના ભાણા મામુ તથા બે ઈસમ મારફત એક ફાઇબર બોટમાં પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો મીણિયાની થેલીઓમાં મોકલ્યો હતો. આ જથ્થો ભારતીય જળસીમામાં ગુજરાતના જખૌથી આશરે 35 નોટિકલ માઈલ દૂર રહી VHF ચેનલ નંબર 71 ઉપર હરિ-1 અને હરિ-2 નામના કોડવર્ડથી સંપર્ક કરીને ડિલિવરી કરવાની તજવીજ કરતાં આરોપીઓ પકડાઈ ગયા હતા.

ડ્રગ્સમાફિયાઓ માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ‘ગેટવે ઓફ ગુજરાત’
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપી સેન્ટર ગણાવી શકાય તેમ છે, કારણ કે દેશમાં આતંકવાદી હુમલાઓ તથા ચરસ-ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયાકિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને એની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાવવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે.

ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું
ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું

ATS અને કોસ્ટગાર્ડના અધિકારીઓએ ઝડપેલા પાકિસ્તાની ઈસમો

  1. મોહમ્મદ ઈમરાન વાઘેર
  2. ઈસ્માઈલ બડાલા
  3. મોહમ્મદ સાજિદ વાઘેર
  4. સાગર વાઘેર
  5. મોહમ્મદ દાનિશ વાઘેર
  6. અશ્ફાક વાઘેર
અન્ય સમાચારો પણ છે...