કોરોના ઇફેક્ટ:રાજ્યમાં ચાર માસ સુધી ચાલે એટલું અનાજ, 5 લાખ 40 હજાર ફૂડ પેકેટસનું વિતરણ, CM રાહત ફંડમાં રૂ.25 કરોડ જમા થયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
  • મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાએ મળી રહે તેવું આયોજન સુનિશ્ચિત કર્યુ.
  • વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા મુખ્યમંત્રી શ્રીએ રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

અમદાવાદઃ મુખ્યમંત્રીશ્રીએ જેલના કેદીઓ અંગેના આ નિર્ણય સાથે રાજ્યમાં નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી છે. તેમણે કોરોના વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટેના દિશાનિર્દેશો અનુસાર રાજ્યની જેલોમાં રહેલા 1200 જેટલા કેદીઓને બે માસ માટે મુકત કરવાની નિયમાનુસાર થતી જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને સૂચનાઓ આપી છે. જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે.કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે, તેમજ જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણના લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરી દેવાશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયોની જાણકારી તેમના સચિવે આપી હતી અને કોરોના વાયરસ સામેના ફંડ તરીકે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની મુખ્યમંત્રીની અપિલને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને આવકાર્યો હતો. અત્યાર સુધીમાં 5500 જેટલા લોકોએ કુલ રૂ. 25 કરોડનું દાન ભંડોળ આ નિધિમાં આપેલું છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ક્રેડાઇએ 5-5 કરોડ નું દાન આપ્યુ હતુ.

5 લાખ 40 હજાર ફૂડ પેકેટસનું વિતરણ કરાયુ
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.રાજ્યમાં રવિવારે સવારે ર૦પ.૮૯ લાખ લીટર દૂધની આવક અને ૪૪.૮૮ લાખ લીટર દૂધ પાઉચનું વિતરણ થયું છે. રાજ્યની શાક બજારોમાં રવિવારે ૯૦૦૮૬ કવીન્ટલ શાકભાજી અને ૧૧ હજાર કવીન્ટલ ફળોની આવક રહી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધો તથા નિરાધાર વ્યકિતઓને લોકડાઉનની સ્થિતીમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ભોજન આપવાની ટહેલ નાખી છે. તેને પગલે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 5 લાખ 40 હજાર ફૂડ પેકેટસનું જિલ્લા તંત્રવાહકોએ સેવા સંગઠનોના સહયોગથી વિતરણ કર્યુ છે.

રાજ્યમાં ચાર માસ સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો છે
શનિવારના એક જ દિવસમાં આઠ મહાનગરોમાં ૮ર૧ર૩ ફૂડપેકેટસ, ૧ર૬ જેટલી સંસ્થાઓના સક્રિય સહકારથી વિતરણ થયા છે.રાજ્ય સરકારે શરૂ કરેલા સ્ટેટ કંટ્રોલરૂમના હેલ્પલાઇન ૧૦૭૦ નંબર ઉપર અત્યાર સુધીમાં હજારો  કોલ્સ આવ્યા છે.લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકોને ઘઉં-ચોખા જેવી વસ્તુઓનો પુરવઠો વિના વિઘ્ને મળી રહે તે માટે ૬ લાખ ૪પ હજાર મે.ટન અનાજ એફ.સી.આઇ.ના ગોડાઉનમાં છે તેની વિગતો અન્ન-નાગરિક પુરવઠા સચિવે આપી હતી. રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં વધારાનો ૧ લાખ મે.ટન અનાજનો જથ્થો પણ ઉપલબ્ધ છે.તેમજ રાજ્યમાં અનાજનો જથ્થો પણ એપ્રિલ માસની જરૂરિયાત મુજબ વિતરણ માટે પુરતા પ્રમાણમાં છે. હાલની સ્થિતીએ અનાજનો જથ્થો જોતાં રાજ્યમાં ચાર માસ સુધી કોઇ રૂકાવટ આવે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...