તબીબોની હડતાળ:રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટર્સના સમર્થનમાં આવ્યું ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન, તબીબોને આપેલા વચન પાળવા જણાવ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટર્સની ફાઈલ તસવીર - Divya Bhaskar
હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટર્સની ફાઈલ તસવીર
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં તબીબોની 7 દિવસથી હડતાળ યથાવત
  • DSOએ સરકારની હોસ્ટેલ ખાલી કરવાની ધમકીને વખોડી

રાજ્યભરમાં જુનિયર ડોક્ટરોની વિવિધ માંગણીઓને લઈને 7 દિવસથી હડતાળ ચાલી રહી છે. ત્યારે ડોકટરોની સાથે હવે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશને પણ ડોક્ટરોની હડતાળને સમર્થન આપ્યું છે. DSOએ સરકારની હોસ્ટેલ ખાલી કરવાની ધમકીને પણ વખોડી છે અને ડોક્ટરને વોરિયર્સ ગણીને તેમને અગાઉ આપેલ વચન પાળવા જણાવ્યું છે.

ડોક્ટર્સને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનનું સમર્થન
ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશને હાલમાં ચાલી રહેલ જુનિયર ડોક્ટરોની હડતાળના મુદ્દાને સમર્થન આપ્યું છે. DSOએ કહ્યું, ડોક્ટરોની કોરોના મહામારીમાં અપાયેલ સેવાને વખાણી છે, સરકારે પણ તેમને કોરોના વોરિયર્સ જાહેર કર્યા હતા અને તે સમયે તેમની સેવા બદલ તેમની સાથે કેટલાક મુદ્દા નક્કી થયા હતા. જેના પરથી હવે સરકાર ફરી ગઈ છે. ડોક્ટર શાંતિ પૂર્ણ વિરોધ કરી રહ્યા છે, છતાં તેમને હોસ્ટેલ ખાલી કરાવવી સહિતની ધમકી આપવામાં આવી રહી છે તે યોગ્ય નથી. DSO જુનિયર ડોક્ટરની સાથે જ છે અને તેમને હડતાળને સમર્થન આપે છે.

વડોદરામાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સની ફાઈલ તસવીર
વડોદરામાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સની ફાઈલ તસવીર

હડતાળ પરના ડોક્ટરોએ સન્માન પત્રો પરત કર્યા
નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 2000 જેટલા રેસિડન્ટ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરની હડતાળના કારણે અનેક દર્દીઓને તકલીફ પડી રહી છે. ત્યારે ગઈકાલે ડોકટર્સ પોતાના સન્માન પત્ર પાછા આપવા PG ડિન પાસે પહોંચ્યા હતા. બીજી તરફ સરકાર પણ ડોકટરોની અમુક માંગ ગેરવ્યાજબી ગણાવી રહી છે પણ તે વ્યાજબી વાત કરવા તૈયાર હોવાના અણસાર આપી દીધા છે. આ સમગ્ર મામલો આવનારા એક બે દિવસમાં ઉકેલાય તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

બન્ને પક્ષે મધ્યસ્થી કરવા પણ પ્રયાસ
સિવિલ હોસ્પિટલમાં રેસિડન્સ ડૉક્ટરની હડતાળને કેટલાક સંગઠન સપોર્ટમાં આવી રહ્યા છે. રામ ધૂન અને પોતાની માંગ સાથે રાજ્યભરમાં ડોકટરો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આ હડતાળને લઈને ગઈકાલે કેટલાક ડોક્ટર પોતાના સન્માન પત્ર પરત કર્યા હતા. અગામી દિવસોમાં જો આ હડતાળ પુરી નહીં થાય તો અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

રાજકોટમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ
રાજકોટમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ

બોન્ડના સહિતના મુદ્દે વિવાદ થયો
કોવીડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા 6 દિવસથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.