તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજની રિપોર્ટર:અમદાવાદીઓએ નહેરાને પાછા યાદ કર્યાં, પાછા લાવવા લાગણી બતાવી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગયાં વર્ષે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આક્રમક વલણ અપનાવી દર્દીઓને સારવાર મળે તે માટે પ્રયત્નો કર્યાં. પરંતુ રાજકારણની આંટીઘૂંટીમાં અટવાયેલા નહેરાને તેમના આ આક્રમક વલણની શિક્ષા મળી અને ગ્રામ વિકાસ વિભાગની સાવ બિનમહત્ત્વની કામગીરીમાં ફેંકાઇ ગયા. હવે જ્યારે ફરી કોરોના બેકાબૂ થયોે છે ત્યારે અમદાવાદીઓએ સોશિયલ મીડિયા મારફતે નહેરાને યાદ કર્યા અને ફરી તેમને પાછા લાવવા જોઇએ તેવી લાગણી પણ વ્યક્ત કરી. વર્તમાન કમિશનર મુકેશ કુમાર પ્રયત્નો તો કરે છે, પરંતુ અમદાવાદના લોકોને તેમના પ્રયત્નો પૂરતા લાગતાં નથી. હાલ તો સચિવાલયમાં એવી જ ચર્ચા છે, કે કોરોના સંક્રમણ ઓછું થતાં જ્યારે બદલીઓ થશે ત્યારે મુકેશ કુમાર તો નહીં બદલાય પણ નહેરાને સારી જગ્યાએ લાવવામાં આવશે.

કોરોનામાં લોકોને બચાવવાના કામમાં કેકે ક્યાં ખોવાયા? કદાચ HCની સુનાવણીમાં સરકારને બચાવવામાં પડ્યા છે
થોડાં સમય પહેલાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથને અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને કોરોનાના વધતાં કેસ અંગે સમીક્ષા કરી હતી. આગોતરા આયોજનના ભાગરૂપે ઓપીડી બંધ કરાવીને સંપૂર્ણતયા ધ્યાન ફરી પાછું કોરોનાના કેસ પર રાખવા માટે તેમણે અધિકારીઓ તથા તબીબોને સૂચના પણ આપી હતી. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી રાજ્યમાં પથારીઓ, ઓક્સિજન, રેમડેસિવિર વગેરેની ખેંચ છે, છતાં તેમાં ગુજરાત સરકારના સંકટમોચન ગણાતાં કે કૈલાસનાથનની ભૂમિકા સાવ અદૃશ્ય થઇ ગઇ છે. જો કે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના સંદર્ભે કૈલાશનાથન પૂરતું ધ્યાન આપીને સરકાર પોતાનો મજબૂત પક્ષ કઇ રીતે રાખી શકે તે માટે સારી એવી મહેનત કરી રહ્યા હોવાનું જણાય છે.

મુખ્યસચિવનો આદેશ, ગામડાંઓમાં પણ ભીડ ઓછી થાય એવું કરો
મુખ્ય સચિવ અનિલ મુકીમ આમ તો શાંત અને સરળ સ્વભાવના અધિકારી છે અને ભાગ્યે જ રાતાપીળા થાય છે, પરંતુ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ગંભીર સંક્રમણને જોઇને તેમનો આત્મા કકળી ઉઠ્યો. તેમણે તે પણ અનુભવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ભીડ ભેગી થાય છે અને તેને અટકાવવા પ્રયત્નો કરવા જ પડશે. તેમણે દરેક જિલ્લાના ઇન્ચાર્જ સચિવ અને અધિકારીઓને આદેશ આપ્યાં હોવાનું જાણવા મળે છે કે ગમે તે કરીને ગામડાંમાં ભીડ બંધ કરાવો. લગ્ન કે અન્ય પ્રસંગોએ ગાઇડલાઇન્સનું સખ્ત પાલન કરાવો અને જરૂર પડ્યે પોલિસની મદદ લઇને પણ કોરોના સંક્રમણ ન થાય તે માટે પૂરતાં પગલાં લો.

સીએમ પોતાના ખાસ ગણાતા એક અધિકારી પર જ ખફા?
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજકાલ તેમના વિશ્વાસપાત્ર એક અધિકારી પર થોડા ખફા છે. રૂપાણીની નજીકના એવા આ અધિકારી તેમના વિભાગની કામગીરી કરવામાં થોડા કાચા પડ્યા છે તેવું રૂપાણીને અંદરથી તો લાગતું જ હતું પણ અમુક લોકોએ પણ તેમને આ અંગે વાત કરી હોવાનું સચિવાલયના સૂત્રો કહે છે. આ કારણસર રૂપાણીને પણ આ અધિકારી પર થોડી નારાજગી છે. જો કે આ અધિકારીની નિષ્ઠા પર રૂપાણીને કોઇ સવાલ નહીં હોવાથી તેમને કોઇ આંચ આવે તેમ નથી. તો સચિવાલયના કેટલાંક અધિકારી એમ પણ કહે છે કે આ અધિકારી હાલ રૂપાણીના વિશ્વાસપાત્ર આઇએએસ પૈકીના એક હોવાથી અમુક લોકોએ દ્વેષને કારણે પણ મુખ્યમંત્રીની કાનભંભેરણી કરી હોઇ શકે, પરંતુ મુખ્યમંત્રી નીરક્ષીર વિવેકના પાક્કા હોવાથી આ અધિકારીને કોઇ નુક્સાન થશે નહીં.

બનાસકાંઠા કલેક્ટરનો લગ્ન પર નજર રાખવાનો અનોખો કીમિયો
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે પોતાના જિલ્લામાં લગ્ન પ્રસંગો પર 50થી વધુ માત્રામાં લોકો એકઠાં ન થાય તે માટે અનોખો કીમિયો અપનાવ્યો છે. તેમણે પોતાના વિસ્તારના તમામ પ્રિન્ટિંગ પ્રેસને કહ્યું છે, કે તમે તમારે ત્યાં છપાયેલી કંકોત્રીઓ અને આવેલાં ઓર્ડરની ડિટેઇલનું રજિસ્ટર નિયમિત કલેક્ટર કચેરીના હવાલે મૂકો. આ ઉપરથી તેમને લગ્નની યજમાની કરનારાં લોકોની માહિતી આસાનીથી મળી રહેશે અને તેઓ પોલિસને તે વિસ્તારોમાં સર્વેલન્સ તેજ કરવાની કામગીરી આપી શકશે. આ કીમિયાના સચિવાલયમાં પણ વખાણ થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો