• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Age Limit For Competitive Examination For Government Recruitment Has Been Increased By One Year, 36 For Non reserved And 41 For Reserved.

બેરોજગારોને ફાયદો:સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, બિન અનામત માટે 36 જ્યારે અનામત માટે 41 વર્ષ

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે

કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. પરિણામ નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. આ નિર્ણય આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા 40 વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને 41 વર્ષ કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે. મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અનામત મહિલા ઉમેદવારોની વયમર્યાદામાં એક વર્ષનો વધારો
બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું. એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે. એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે.

આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 45 વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.રાજય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી/એસ.ટી/એસ.ઈ.બી.સી./ (આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધે નહીં તે રીતે નકકી રવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કારકીર્દિ ઘડી શકે તે માટે રાજ્ય સરકારે ટેટના વિદ્યાર્થીઓની પરીક્ષાની વેલીડીટી નવી શિક્ષણ નીતી નક્કી ન થાય ત્યાં સુધી વધારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે 3300 જેટલા યુવાનોને રોજગારી મળશે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત અલગ અલગ જે નવા ફેરફારો થવાના છે એ પૈકીની એક છે શિૅક્ષકોની ભરતીમાં સુધાર લાવવો. એમાં ટેટ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન કરીને અત્યારે જે મલ્ટીપલ ચોઇસ પ્રશ્નનું એક માત્ર જે પેપર છે એના બદલે એમાં ત્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિ અમલી છે. જેમાં પહેલા એલ્મીનેશન રાઉન્ડ હોય પછી સબ્જેક્ટીવ એક્ઝામ હોય, ક્લાસરૂમ ડેમોની આ ત્રિસ્તરીય પદ્ધતિ માટેની નવી શિક્ષણ નીતિની જે ભલામણો છે એની અમલવારી ટૂંક સમયમાં ગુજરાતમાં પણ થશે અને એ અમલવારી ન થાય ત્યાં સુધી આ એક્સેસ્પશન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...