કાર્યવાહી:પેરોલ પર છૂટીને સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી પીરાણાથી પકડાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 કિલો ચરસના કેસમાં અનવર બેગને 20 વર્ષની સજા થઈ હતી
  • 2018માં પેરોલ પર છૂટ્યા પછી વડોદરામાં સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યા બાદ કાશ્મીરમાં નામ બદલી રહેતો હતો

ચરસના ગુનામાં 20 વર્ષની સજા ભોગવી રહેલા આરોપી અનવર બેગે 2018ના વર્ષમાં પેરોલ પર છૂટીને વડોદરાની સગીરાને બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ છેલ્લાં ત્રણ વર્ષથી અનવર બેગ નાસતો ફરતો હતો. દરમિયાનમાં એટીએસની ટીમે પીરાણા ખાતેના કચરાના ઢગલા પાસેથી અનવર બેગને ઝડપી લીધો હતો. પોલીસથી બચવા માટે અનવર બેગ કાશ્મીર ભાગી ગયો હતો અને ત્યાં નામ બદલીને રહેતો હતો.

ત્રણ દરવાજા પાસે પથ્થરકુવાની પટવા શેરીમાં રહેતા અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ અમીર બેગ મીરઝાની એનસીબીની ટીમે બાલાસિનોર ખાતેથી 40 કિલો ચરસ સાથે ધરપકડ કરી હતી. તે ગુનામાં કોર્ટે અનવર બેગને ફાંસીની સજા ફટકારી હતી. જોકે ત્યાર બાદ તેની સજા ઘટાડીને 20 વર્ષની કરવામાં આવી હતી. દરમિયાનમાં 2018માં અનવર બેગ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે તેણે વડોદરામાં એક સગીરાને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ગુનામાં પણ અનવર બેગ ફરાર હતો. દરમિયાનમાં એટીએસની ટીમને બાતમી મળી હતી કે, અનવર બેગ પોલીસથી બચવા માટે બિલાલ નામ ધારણ કરીને જમ્મુ-કાશ્મીરમાં રહે છે, જેના આધારે એટીએસની એક ટીમ તેને પકડવા માટે કાશ્મીર પહોંચી હતી. દરમિયાનમાં અનવર બેગ અમદાવાદ આવી ગયો હોવાની બાતમી મળતા એટીએસની ટીમે નારોલમાં પીરાણા ખાતેના કચરાના ઢગલા પાસેથી અનવર બેગને ઝડપી લીધો હતો.

મહેસાણા, કાશ્મીર અને અજમેર એમ 3 જગ્યાએ એટીએસની ટીમો પહોંચી હતી
અનવર બેગ કાશ્મીરમાં છુપાયો હોવાની માહિતીના આધારે એટીએસની એક ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ તે ત્યાંથી નીકળીને અજમેર દરગાહ ખાતે ગયો હોવાની માહિતી મળી હતી, જેના આધારે એક ટીમ અજમેર પહોંચી હતી. ત્યાંથી અનવર બેગ અવારનવાર મહેસાણા ઉનાવા મીરાં દાતાર દરગાહ ખાતે આવતો જતો હોવાનું જાણવા મળતા એટીએસની એક ટીમ ત્યાં પણ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...