• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Accused Ordered 100 Kg Of Drugs In 2 Years And Sold Them For Rs 10 Crore; Confession Of Having A Drug Party In An Expensive Hotel pub In Mumbai, Delhi

બોપલ ડ્રગ્સ કેસ:આરોપીએ 2 વર્ષમાં 100 કિલો ડ્રગ્સ મગાવી 10 કરોડમાં વેચ્યું; મુંબઈ, દિલ્હીની મોંઘી હોટેલ-પબમાં ડ્રગ્સ પાર્ટી કરતો હોવાની કબૂલાત

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડ્રગ્સ કેસના આરોપી વંદિત અને વિપુલ વિદેશમાં અભ્યાસ કરી આવ્યા હોવાથી ત્યાંના મિત્રો મારફતે 300 જેટલા કન્સાઇનમેન્ટ મગાવ્યાં હતાં
  • વિદેશ ઉપરાંત મુંબઈ, હિમાચલ પ્રદેશથી પણ ડ્રગ્સ મગાવ્યું હતું

બોપલના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી વંદિત પટેલે અમેરિકા અને કેનેડાના ડ્રગ ડિલરો પાસેથી 2 વર્ષમાં 300 કન્સાઇનમેન્ટથી 100 કિલો ડ્રગ્સ મગાવીને 10 કરોડમાં વેચ્યંુ હોવાની કબૂલાત કરી હતી. અત્યાર સુધીમાં પકડાયેલા વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપલ ગોસ્વામી અને જીલ પરાતૈ પૈકી વંદિતે 2017 થી 2018માં સિંગાપુરમાં હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. જ્યારે વિપલે 2014થી 2016 સુધીમાં લંડનમાં રહીને એમબીએ કર્યું હતું. આથી વંદિત અને વિપલ કાર્ડ વેબ અને ઇન્ટરનેટ દ્વારા અમેરિકા, કેનેડા, લંડન અને ચીનથી વિદેશી મિત્રો મારફતે ડ્રગ્સ અમદાવાદ મગાવતા હતા.

અમદાવાદ જિલ્લા ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતંુ કે, વેદાંત વિદેશથી એર કાર્ગો મારફતે હાઈબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ, શેટર, મેજિક મશરુમ સહિતના નશીલા પદાર્થ મગાવી યુવાનોને વેચતો હતો. જ્યારે પકડાયેલા આરોપીઓના લેપટોપ, મોબાઇલ કબજે કરાયાં છે, જેની તપાસમાં બીજા ઘણા ઘટસ્ફોટ થવાની શક્યતા પોલીસે નકારી નથી. વિદેશમાં રહીને વૈભવી જીવનશૈલી જીવવા માટે ટેવાયેલા વંદિત અને વિપલ અમદાવાદમાં પણ વૈભવી મકાનમાં રહીને, મોંઘાં કપડાં, મોંઘી કારમાં ફરતા હતા તેમ જ તેમણે ડ્રગ્સના પૈસામાંથી કેટલાક પૈસા ફ્લેટ, સોના અને કાર ખરીદવા માટે વાપર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જ્યારે વંદિત ડ્રગ્સ વિદેશમાંથી તેમ જ મુંબઈ અને હિમાચલ પ્રદેશમાંથી પણ મગાવતો હતો. ઉપરાંત વંદિત મુંબઈ અને દિલ્હીમાં મોંઘી હોટેલો અને પબમાં ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતો હતો.

કોકેઈન, એમડી જેવા મોંઘા ડ્રગ્સ પણ 2 કિલો જેટલા મગાવ્યાં હતાં
વેદાંતે અમેરિકા, કેનેડાથી કોકેઈન, એમડી, એમએ જેવા અત્યંત મોંઘા ડ્રગ્સ પણ 2 કિલો જેટલી માત્રામાં મગાવીને વેચી દીધા હોવાનું કબૂલ્યું હતું.

27 જેટલા પાર્સલ કાર્ગોમાં પડ્યાં હતાં
વંદિતે વિદેશમાંથી મગાવેલા ડ્રગ્સના 27 પાર્સલ કાર્ગોમાં આવીને પડ્યા હોવાનું વંદિતે પોલીસને જણાવ્યું હતું, જેના આધારે જિલ્લા પોલીસે કાર્ગોના અધિકારીઓને લેખિત જાણ કરી તે પાર્સલો કબજે કરવા તજવીજ શરૂ કરી છે. આ પાર્સલો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે.

ક્રિપ્ટોમાં 4 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું
વંદિત વિદેશમાં રહેતા ડ્રગ ડીલરોને બીટકોઇન, લાઇટ કોઇન, ઈથરિયમ જેવી જુદી જુદી ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ ચૂકવતો હતો, જેમાંથી તેણે અત્યાર સુધીમાં 4 કરોડનું પેમેન્ટ ચૂકવ્યંુ હોવાના પુરાવા મળ્યા છે. જ્યારે એક ડ્રગ ડીલરને ક્રિપ્ટો કરન્સીમાં પૈસા ચૂકવ્યા હતા.

બંધ ઘરના સરનામે ડ્રગ્સ મગાવતા
વંદિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે ડ્રગ્સની ડિલિવરી તેના ઘરે કે કોઇ પરિચિતના ત્યાં મગાવતો ન હતો, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં લાંબા સમયથી બંધ રહેલા 50 મકાન તેણે ટાર્ગેટ કર્યાં હતાં. તે 50 મકાનના સરનામા પર જ તે ડ્રગ્સની ડિલિવરી મગાવતો હતો.