ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની પાછળ હોસ્ટેલ આવેલી છે. જે હોસ્ટેલ 50 વર્ષ જૂની તેમજ બિસમાર હાલતમાં છે. જેથી તેમાં રહેતા વિદ્યાર્થીઓને ભારે અગવડતા પડી રહી હતી. આ અંગે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રજૂઆત પણ કરી હતી. જેથી ગત શનિવારે મળેલી સેનેટ-સિન્ડિકેટની બેઠકમાં હોસ્ટેલના મુદ્દે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અત્યારની હોસ્ટેલને સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. આ નવનિર્માણ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની કેપેસિટી બમણી કરીને 500 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવશે.
હાલ હોસ્ટેલમાં માત્ર એક જ બ્લોક કાર્યરત
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલ 250 વિદ્યાર્થીઓની કેપેસિટી વાળી છે. આ હોસ્ટેલમાં માત્ર એક જ બ્લોક કાર્યરત છે. અન્ય બ્લોક જૂના, તૂટેલા અને ખંડેર હાલતમાં છે. જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જમવાની સુવિધા પણ હાલ મળતી નથી, તથા પાણી અને અન્ય જરૂરીયાતોની પણ સમસ્યા છે. વિદ્યાર્થીઓને કેટલાય સમયથી અગવડ પડતા આ અંગે યુનિવર્સિટીમાં રજૂઆત પણ કરી હતી.
એકઝ્યુક્યુટિવ કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો
ગુજરાત યુનિવર્સિટીમાં ગત શનિવારે સેનેટ-સિન્ડિકેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાની સાથે હોસ્ટેલના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જે ચર્ચા બાદ હોસ્ટેલના મુદ્દે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની અત્યારની હોસ્ટેલની સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. હોસ્ટેલના નવા 2 બ્લોક બનાવવામાં આવશે, જેમાં 250 વિદ્યાર્થીઓની કેપેસિટીની હોસ્ટેલ છે જે બમણી કરીને 500 વિદ્યાર્થીઓની ક્ષમતાની બનાવવામાં આવશે.
નવી હોસ્ટેલ અત્યાધુનિક હોસ્ટેલ હશે: હિમાંશુ પંડ્યા
આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, નવી હોસ્ટેલ અત્યાધુનિક હોસ્ટેલ હશે. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેવાની સાથે સાથે જીમ, સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટી કરી શકશે. વિદ્યાર્થીઓને જે જમવાનું આપવામાં આવશે, તેમાં ન્યુટ્રિશિયન કંટ્રોલ, ડાયટ, જરૂરી સપ્લીમેન્ટ્સ FSSI નક્કી કરેલા છે તે મુજબ આપવામાં આવશે.
વિદ્યાર્થીને તમામ સગવડ હોસ્ટેલમાં મળી રહેશે
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે અને તેમાંથી કેટલાક યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. જેથી અહીંના તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એમ બંનેને એક પ્લેટફોર્મ પર રાખીને વાતાવરણ ઉભું કરવામાં આવશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે મુલાકાતી આવે તેના માટે એક મિટિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીને તમામ સગવડ હોસ્ટેલમાં મળી રહે તે ધ્યાને રાખીને હોસ્ટેલ બનાવવામાં આવશે.
હોસ્ટેલમાં રહેવાના કેટલાક નિતિ-નિયમો
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવા માટે કેટલાક નિયમો છે. જેમાંથી હોસ્ટેલની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને જ રહેવા માટે સુવિધા તથા એડમિશન આપવામાં આવે છે. અમદાવાદના સ્થાનિક વિદ્યાર્થીને હોસ્ટેલમાં એડમિશન મળશે નહીં. અમદાવાદ બહારથી ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવેલ વિદ્યાર્થીને જ હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.