સુવિધા:અમદાવાદના 48 પોલીસ સ્ટેશનોને કોર્પોરેટ લૂક અપાશે, પોલીસ તમને એવું પણ પૂછશે કે, ‘અમારી કામગીરી કેવી લાગી?’

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કામ માટે આવતા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વાગત કક્ષમાંથી માહિતી મળશે

કોર્પોરેટ ઓફિસોમાં જે રીતે રિસેપ્શન કાઉન્ટર બનાવવામાં આવે છે, તેવી જ રીતે શહેરના 48 પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કામ માટે આવતા લોકોને સ્વાગત કક્ષમાંથી જ કયા રૂમમાં કયા કામ માટે જવું તેની માહિતી મળી જશે. આટલું જ નહીં કામ પૂરું કરીને બહાર નીકળતા પહેલા લોકોએ સ્વાગત કક્ષમાં ફીડકેબ ફોર્મ પણ ભરીને પોલીસની કામગીરી કેવી લાગી તેનો અભિપ્રાય પણ આપવો પડશે.

જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવા, પાસપોર્ટ વેરિફિકેશન માટે, પીસીસી - પીવીસી સર્ટિફિકેટ, લગ્ન સહિતના કાર્યક્રમોની મંજૂરી સહિતના કામો માટે લોકો જતા હોય છે. પરંતુ કયા કામ માટે કોને મળવું અને કઇ ઓફિસમાં જવું તે વિશે લોકો જાણતા હોતા નથી. જ્યારે પીએસઓ ટેબલ ઉપર લોકો પૂછે તો પીએસઓ બીજા કામમાં વ્યસ્ત હોવાથી તેમને સરખો જવાબ આપી શકતા નથી.

લોકોને જુદી જુદી ઓફિસમાં ફરવું પડે છે. જેથી આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ લાવવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ(રિસેપ્શન કાઉન્ટર) બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી પોલીસ સ્ટેશનમાં કામ માટે આવતા લોકોને સ્વાગત કક્ષ પરથી જ તેમને જે કામ માટે જે રૂમમાં જવાનું હશે તેની માહિતી અને તે કામ માટે કોને મળવું તેની વિગત મળી જશે. આટલું જ નહીં દરેક પોલીસ સ્ટેશનના સ્વાગત કક્ષમાં ફીડબેક ફોર્મ આપવામાં આવશે. જેથી પોલીસ સ્ટેશનની બહાર નીકળી રહેલા લોકોએ તે ફોર્મ ભરીને પોલીસની સેવા કેવી લાગી તેનો અભિપ્રાય પણ આપવો પડશે.

સ્વાગત કક્ષ માટે 100 પોલીસ કર્મચારીને સોમવારથી ટ્રેનિંગ
પ્રાયોગિક ધોરણે શહેરના 48 પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે સ્વાગત કક્ષમાં નોકરી કરવા માગતા 100 મહિલા - પુરુષ પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરાઈ છે. તેમને સોમવારે સવારે શાહીબાગ પોલીસ હેડ કવાટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે.

લોકોના ફીડબેક DCP ચેક કરશે
સ્વાગત કક્ષમાં ફીડબેક ફોર્મ ભરવાથી રોજે રોજ કયા - કયા કામ માટે કેટલા લોકો પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા તેનો રેકોર્ડ રહેશે. તેમજ પોલીસ પ્રત્યે લોકોનું વાણી - વર્તન કેવું છે તેનો સાચો અભિપ્રાય ઉપરી અધિકારીને પણ મળશે. જ્યારે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ભરાતા ફીડબેક ફોર્મની ચકાસણી ડીસીપી દ્વારા કરવામાં આવશે.

ડિસેમ્બરમાં સ્વાગત કક્ષ શરૂ કરી દેવાશે
દરેક પોલીસ સ્ટેશનમાં સ્વાગત કક્ષ માટે હેલ્પ ડેસ્ક બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. સ્વાગત કક્ષમાં શિફટમાં નોકરી કરવા માગતા મહિલા - પુરુષ પોલીસ કર્મચારીઓની યાદી પણ તૈયાર કરાઈ છે અને ડિસેમ્બર સુધીમાં સ્વાગત કક્ષ શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...