LRD ઉમેદવારો ધ્યાન આપજો:પોલીસ ભરતીમાં અત્યાર સુધી 7 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા, ભરતી બોર્ડે ઉમેદવારોની મૂંઝવણ માટે 3 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પ લાઈનં નંબર પર સવારે 10:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરી શકાશે
  • બે કોલલેટર મળ્યા હોય તેવા ઉમેદવારે પહેલા કોલલેટરે દોડવાનું રહેશે અને બીજો કોલલેટર રદ કરવા બોર્ડને અરજી કરવાની રહેશે

ગુજરાત પોલીસની PSI અને LRD ભરતીના ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર OJAS વેબસાઈટ પર ગઈકાલે રાત્રે મૂકવામાં આવ્યા છે. સવારથી ઉમેદવારો જે રીતે કોલલેટરની રાહ જોતા હતા તેનો આખરે રાતે 8.50 વાગ્યે અંત આવ્યો હતો. શનિવારે બપોર સુધીમાં જ OJAS વેબસાઈટ પરથી 7 લાખ જેટલા કોલ લેટર ડાઉનલોડ થયા છે. ઉમેદવારો 29મી જાન્યુઆરી સુધી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. જોકે કોલલેટર આવતા સાથે ઉમેદવારોના મનમાં અનેક પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. જેને લઈને ભરતી બોર્ડ દ્વારા 3 હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોની મૂંઝવણો દૂર કરી શકાય. ઉપરાંત જો કોઈ ઉમેદવારને કોલ લેટર ન મળ્યો હોય તો તેણે ભરતી બોર્ડની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું મળશે માર્ગદર્શન
લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. કોલ લેટર અંગેના પ્રશ્નો માટે આ હેલ્પ લાઈન નંબર 2 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે જેનો સમય સવારે 10.30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેના પર ફોન કરીને ઉમેદવારો કોઈપણ મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. આ સાથે હસમુખ પટેલે ઉમેદવારોને ફોન કરતા સમયે હેલ્પલાઈન નંબર સતત એન્ગેજ મળવાના કિસ્સામાં થોડી ધીરજ રાખવા જણાવ્યું છે. ઉપરાંત જે ઉમેદવારોને બે કોલલેટર મળ્યા હોય તેમણે પહેલા કોલલેટરે દોડવાનું રહેશે અને બીજો કોલલેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે.

LRD હેલ્પલાઈન નંબર

  • 9104654216
  • 8401154217
  • 7041454218

હસમુખ પટેલે ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, જો ઉમેદવારે PSI અને લોકરક્ષકમાં જુદી-જુદી કેટેગરી દર્શાવેલ હોય તો જે અરજીમાં જે કેટેગરી દર્શાવેલ હોય તે ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી વખતે કેટેગરીના સમર્થનમાં દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. ઇરાદાપૂર્વક ખોટી માહિતી પગલાંને પાત્ર છે.

રાજ્યમાં LRD ઉમેદવારોને પ્રેક્ટિસ માટે વધુ જિલ્લામાં મેદાનો ફાળવાયાં
ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે.

મહિલા ઉમેદવારોની ફાઈલ તસવીર
મહિલા ઉમેદવારોની ફાઈલ તસવીર

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

LRD ઉમેદવારો માટેની સૂચના
LRD ઉમેદવારો માટેની સૂચના