સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી:લિવરનો જેટલો ભાગ દાન કરવામાં આવે તો થોડા સમયમાં તેટલો આપોઆપ ફરી બની જતો હોવાનું જાણી લઈ 22 વર્ષની દીકરીએ પિતાને લિવરનું દાન કર્યું

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીકરીએ પિતાને પોતાનું લિવર આપવાનો આગ્રહ રાખ્યો હતો. - Divya Bhaskar
દીકરીએ પિતાને પોતાનું લિવર આપવાનો આગ્રહ રાખ્યો હતો.
  • 60 વર્ષના પિતાનું લિવર ફેઈલ થઈ ગયું હતું અને કેન્સરની ગાંઠ હોવાથી જીવનું જોખમ હતું

‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ નિભાવવો મારો પણ અધિકાર છે’ આ ભાવ સાથે 23 વર્ષીય તરૂણીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન આપી આયુષ્ય વધારી આપ્યું છે. મૂળ ગાંધીધામની વતની કોમલ રાજોરિયા પોતાની આંખો સમક્ષ બે વર્ષથી લિવરની બીમારીથી પીડાતા પિતાની વેદના જોઈ શકતી નહોતી. નાની ઉંમર હોવાથી પરિવારે વારંવાર સમજાવવા છતાં કોમલ પોતાના વચન સાથે અટલ રહી હતી. 15 નવેમ્બર સોમવારે દીકરીનું અડધું લિવર પિતામાં પ્રત્યારોપિત કરાયું હતું. સર્જરીને 72 કલાક બાદ પિતાનો ચહેરો જોઈ દીકરીની તમામ પીડા દૂર થઈ ગઈ હતી.

શરીરમાં લિવર એક માત્ર ઓટો જનરેટ અવયવ છે. જો લિવરનું દાન કરાય તો તે ચોક્કસ સમયની અંદર મૂળ સાઈઝમાં આપોઆપ ડેવલપ થાય છે. આ બાબતની જાણકારી મેળવી કોમલે ડૉક્ટરોને પોતાનું જ લિવર પિતાને પ્રત્યારોપણ કરવા આગ્રહ કર્યો હતો. પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા ગણેશભાઈને લિવર ફેલ્યોરની સાથેસાથે હર્નિયાની પણ તકલીફ થઈ હતી. બે વર્ષથી લિવરની સારવાર ચાલી રહી હતી, પણ જ્યાં સુધી લિવર પ્રત્યારોપિત ના થાય ત્યાં સુધી પીડામાંથી બહાર નીકળવું અશક્ય હતું. પરિવારે કેડવર માટે પણ કિડની ઈન્સ્ટિટ્યૂટમાં નામ નોંધાવ્યું હતું તેમ છતાં તેમના બ્લડ ગ્રૂપને મેચિંગ લિવર મળ્યું નહોતું. લિવર પાસે કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ કારણે તેમનો જીવ બચાવવા તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવારના સમજાવવા છતાં વેસ્ટર્ન ડાંસમાં માહેર કોમલે પિતાને લિવર આપવાનો આગ્રહ છોડ્યો નહોતો.

ખૂબ ઓછા કિસ્સામાં દીકરી લિવર આપે છે
લિવર સર્જન ડૉ. પ્રાંજલ મોદીએ કહ્યું, જે લિવર ડોનેટ કરે તેનું લિવર 7થી 30 દિવસમાં 90થી 110 ટકા સુધી મૂળ સાઈઝમાં આવી જાય છે. પત્ની અથવા માતા લિવર આપતા હોય છે, પણ ખૂબ ઓછા કિસ્સામાં અપરિણીત દીકરી પિતાને લિવર આપતી હોય છે. આવો જવલ્લે જ જોવા મળતો કિસ્સો છે.

18 બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 62ને નવજીવન
સિવિલ હોસ્પિટલને 15 ડિસેમ્બર, 2020ના રોજ રિટ્રાઈવલ સેન્ટર તરીકેની માન્યતા મળી હતી ત્યારબાદ 15 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 18 બ્રેનડેડ દર્દી તરફથી 62 અંગોનું દાન મળ્યું હતું. આ અંગોને જુદાજુદા જરૂરિયાતમંદ દર્દીઓમાં જુદીજુદી હોસ્પિટલમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં 9 બ્રેનડેડ દર્દીઓના ઓર્ગન ડોનેટ થયા હતાં.

60 વર્ષના ‘દાદા’એ ઓર્ગન ડોનેશન માટે રથ બનાવ્યો
દાદાના નામે જાણીતા દિલીપ દેશમુખ હવે લિવરની સારવાર માટે આવતા દર્દીને પોતાનું ઉદાહરણ આપી હૂંફ આપવાનું કામ કરી રહ્યાં છે. કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળવા જાય છે. 16 મહિના પહેલા તેમના લિવરની સર્જરી થઈ હતી અને આજે કોઈ તકલીફ નથી તેમ કહી દર્દીને હિંમત આપે છે. તેમણે ઓર્ગન ડોનેશન રથ બનાવ્યો છે. આ રથને રાજ્યમાં પહોંચાડી અંગદાનની જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ ઘડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...