સબ જુનિયર નેશનલ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈમ્ફાલ જનારી ટીમમાં શહેરની 8 છોકરીઓ સામેલ છે. જો કે, વિમલા થાપા અને રિટા યાદવ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી રે ઓફ લાઈટ સંસ્થા ચલાવતા અને કોચ માઈકલ પોલે પોતે અને મિત્રો સાથે મળી બંને માટે ટ્રેનની ટિકિટ, પોકેટમની માટે રૂ.2 હજાર અને કિટ માટે 7-7 હજારની વ્યવસ્થા કરી છે.
રીટા યાદવના પિતા રામસાગર યાદવ માળી છે જ્યારે વિમલા થાપાના પિતા ગુપ્ત બહાદુર સિક્યુરિટી ગાર્ડ છે. કોચના ઉમદા કાર્યથી હવે બંને હોકી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.
ઈજા થાય તો પણ ખર્ચ ન પોષાય
હું પ્રથમવાર નેશનલ લેવલે રમવા જઈશ. હું 2018થી હોકી રમી રહી છું. હું તો માત્ર ટ્રાયલ ખાતર રમવા ગઈ હતી. મને રમવાનો શોખ નહોતો, પરંતુ એકવાર રમી એટલે રમતમાં રસ પડ્યો અને પછી સતત રમતી રહી. જોકે મારે રમતા સમયે ઘણું ધ્યાન રાખવું પડે છે. કારણ કે, ઈજા થાય તો પણ પરિવારને ખર્ચ પોષાય એમ નથી. > વિમલા થાપા, ખેલાડી
અગાઉ ફ્રીમાં કોચિંગ મળતું ન હતું
મને વર્ષોથી રમતમાં ભાગ લેવાની ઈચ્છા હતી. જોકે મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. પૈસા ખર્ચીને કોચિંગ પરવડે તેમ નથી. અગાઉ ફ્રીમાં કોચિંગ મળતું ન હોવાથી મુશ્કેલી પડતી હતી. > રિટા યાદવ, ખેલાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.