ઉજવણી:કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 192મો અંતર્ધાનદિન ઉજવાયો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારતી તસવીર - Divya Bhaskar
શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારતી તસવીર
  • સ્વામિનારાયણ ભગવાન 192 વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા

સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ પાલડી ખાતે જેઠ સુદ - દશમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના 192મા અંતર્ધાન દિન નિમિત્તે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં કીર્તનભક્તિ - જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ - સત્સંગ સભા યોજવામાં આવી હતી. કુમકુમ મંદિર મણિનગર ખાતે આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. ગુજરાતની ભૂમિ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પૂર્વે માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને વિચરણ કર્યું હતું. તે દર્શનની સ્મૃતિ સૌને થાય એ માટે એ લીલા ભગવાનના વાઘાના અંદર કંડારવામાં આવી હતી.

પાલડી મંદિર ખાતે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. દેશ-વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે આ કાર્યક્રમનું સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામે સંવત્‌ 1837 ના ચૈત્ર સુદ - નોમના રોજ થયું હતું 11 વર્ષની વયે જ ભારતનાં તીર્થોમાં તેમણે વિચરણ કર્યું હતું. લગભગ 2562 દિવસના આ વિચરણમાં 7 દેશ અને ભારતના 14 રાજ્યો અને 170થી વધુ ગામડાંઓ અને અનેક શહેરોને પણ પાવન કર્યાં છે.

રામાનંદસ્વામી પાસે તેમણે તા. 28-10-1800 ના શુભદિને દીક્ષા ગ્રહણ કરી. સહજાનંદ સ્વામીના નામથી ત્યારબાદ તેઓ પ્રસિદ્ધ થયા. ત્યારબાદ માત્ર 28 વર્ષના ગાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની ભૂમિ ઉપર જે કાર્ય કર્યું છે તે તો અદ્ભૂત અને અકલ્પનીય છે. તેમણે સંસ્કારોનું સદાય સિંચન થાય અને સાચા સંતોનો સમાગમ મુમુક્ષુઓને અહોનિશ મળી રહે તે માટે અનેક સંતો બનાવ્યા, મંદિરો સ્થાપ્યા અને અનેક શાસ્ત્રોની રચના કરી. ગુજરાતના ગામડે-ગામડે તેમણે વિચરણ કરીને અનેકના જીવન સદાચારમય બનાવ્યા છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન 192 વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા. પરંતુ આજે તેઓ પ્રતિમા રુપે, શાસ્ત્રોરુપે અને સંતોના હૃદયમાં પ્રગટ રહ્યાં છે, તો આપણે આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારવો જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.

અન્ય સમાચારો પણ છે...