ખેતીની માટી બચાવવા 17 વર્ષનો બાળક કોલકતાથી સાઇકલ લઈને લોકોને જાગૃત કરવા ભારત યાત્રા કરવા નીકળ્યો છે. 10,000 કિમીનું અંતર તથા 10 રાજ્યો ફરીને બાળક અમદાવાદ પહોંચ્યો છે. જે વાત વિદ્વાન અને મોટા માણસો ના સમજી શક્યા તે વાત સમજીને આ બાળક લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરી રહ્યો છે. જો કે, હજુ આ બાળક 5 મહિના સાઇકલ પર કેટલાંક રાજ્યોમાં ફરશે. લોકો જાગૃત થાય તે જ આ બાળકનો ઉદ્દેશ છે.
જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે
આજે ખેતીલાયક જમીન અને માટી પર ખેડૂતો ઓર્ગેનિક નહિ પરંતુ રસાયણિક ખેતી કરે છે. જેનાથી આવનાર સમયમાં મનુષ્ય તથા પર્યાવરને ભારે નુકસાન થશે. જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે કારણ કે માટીને જે ખોરાક જોઈએ તે મળતો નથી અને તેની જગ્યાએ ખેડૂત રસાયણિક ખાતર અને દવાનો ભરપૂર ઉપયોગ કરે છે. ખેડૂત વધુ નફો કરવા તેને ઉપયોગ કરે છે જે લાંબાગાળે મોટું નુકસાન કરી શકે છે. જે બચાવવા સદગુરુએ મૂવમેન્ટ ચાલુ કરી હતી. જે મૂવમેન્ટ હવે 17 વર્ષના બાળકે ઉપાડી લીધી છે.
દીકરો દેશના લોકોને સમજાવવા નીકળી પડ્યો
મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતો સાહિલ ઝા 1 મેં 2022થી ઘરેથી કોઈને કીધા વિના સાઇકલ લઈને નીકળી પડ્યો હતો. ગત વર્ષે સદગુરુએ સેવ સોઈલ મૂવમેન્ટ ચલાવી હતી અને 30,000 કિમી બાઇક લઈને ફર્યા હતા. તેનાથી પ્રેરાઈને સાહિલ પણ ઘરેથી નીકળી પડ્યો છે. સાહિલના પરિવારને જ્યારે શરૂઆતમાં જાણ થઈ કે સાહિલ નીકળ્યો છે. ત્યારે પરિવાર માનવા તૈયાર નહતો અને જ્યારે પરિવારે હકીકત જાણી ત્યારે રડવા લાગ્યા કારણે 10મું ધોરણ પાસ કરનાર દીકરો દેશના લોકોને એકલો સમજાવવા નીકળી પડ્યો હતો.
છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં છું
સાહિલે જણાવ્યું હતું કે, હું 10 મહિના અને 22 દિવસથી બહાર ફરું છું. અત્યાર સુધી હું 10 રાજ્ય અને 10,0000 કિમીનું અંતર કાપી ચૂક્યો છું. મેં શરૂઆત પશ્ચિમ બંગાળથી કરી હતી. ત્યાંથી ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરાલા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને અત્યારે ગુજરાત પહોંચ્યો છું. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી છું હજુ એક અઠવાડિયું ગુજરાતમાં રોકાઈને ગામડે ગામડે લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરીશ.
ભવિષ્યમાં પાક જ નહીં ઊગે
લોકોએ સમજવું જરૂરી છે કે જમીન ખરાબ થઈ રહી છે જેના કારણે ભવિષ્યમાં પાક જ નહીં ઊગે તો ખાવાનું પણ નહીં મળે. જેમ કે બીમાર મા દીકરાને જન્મ આપે તો દીકરો બીમાર જ હોય એ રીતે ખરાબ માટી હશે તો પાક ખરાબ જ ઊગશે. ખાવામાં પોષણ જરાય નહીં હોય. લોકોના પેટ ભરાશે પરંતુ જે ન્યૂટ્રિશન જરૂરી છે એ મળશે જ નહીં. 100 વર્ષ અગાઉ જે પાક ઊગતા હતા અને અત્યારે ઊગે છે તેમાં ઘણો ફરક છે જે હજુ આગામી સમયમાં બદલાશે.
લોકોને જાગ્રત કરવા હું નીકળ્યો છું
માટી મરી રહી છે. લોકોને જાગૃત કરવા હું નીકળ્યો છું. લોકોને કહું છું કે માટીને જે ખોરાક જોઈએ તે આપો જેમ કે કુદરતી ખાતર, કચરો, શાકભાજી અને ફળનો વેસ્ટ, જ્યારે દવા અને રાસાયણિક ખાતરથી વધુ નફો મેળવવા ખેતી કરાઈ રહી છે. માટી નહિ તો કંઈ નહિ હોય. મેં જ્યારે સદગુરુને 65 વર્ષની ઉંમરે 30,000 કિમી બાઇક ચલાવવાનું જાણ્યું તો મને મારા પર શરમ આવી જેથી હું સાઇકલ લઈને નીકળી પડ્યો છું.
સાઇકલ પર ભારત ભ્રમણ કરવાનું નક્કી કર્યું
હું ઘરેથી પરિવારની નહિ મારી પોતાની પરમિશન લઈને નીકળ્યો હતો. સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવાનું નક્કી કર્યું હતું. ઘરવાળાને ખબર પડતાં ફોન પર રોકવાનો પ્રયત્ન કર્યો અને રડ્યા પણ ખરા. મેં તેમને સમજાવ્યા બાદમાં તે મને મળવા મુંબઈ આવ્યા હતા. મને અત્યારે રોજ ફોન કરે છે. મારી એક્ટિવટી જાણે છે. મારે પૈસાની જરૂર હોય તો પૈસાની મદદ પણ કરે છે. હું 11 મહિનાથી પરિવારથી દૂર રહ્યો. હજુ સમય લાગશે એટલે દોઢ વર્ષ જેટલો સમય દૂર રહીને લોકોને જાગૃત કરી રહ્યો છું.
સમાજના લોકો સુધી મારો મેસેજ પહોંચશે
હું 10,000 કિમી કાપીને આવ્યો આ દરમિયાન મેં રસ્તામાં 200થી વધુ સ્કૂલ કોલેજમાં લોકોની જાગૃતતા માટે કાર્યક્રમ કર્યા છે. વિદ્યાર્થીઓને સમજાવ્યા છે જેથી તે સમાજના લોકો સુધી મારો મેસેજ પહોંચાડશે. આ ઉપરાંત મને કેટલાક રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, મંત્રી સહિત અનેક આગેવાનો પણ મળ્યા છે અને મને સપોર્ટ પણ કર્યો છે. મારે રસ્તામાં જ્યાં રોકાવું હોય ત્યાં બધા ખાવા-પીવા તથા રોકાવા માટે મદદ કરે છે. ઈશા ફાઉન્ડેશન, પર્યાવરણ પ્રેમી અને NGOવાળા મારી મદદ કરી રહ્યા છે.
હું આગળ પર્યાવરણ પર અભ્યાસ કરીશ
મેં ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને પરિણામ અવતા જ મેં સોઈલ સેવની મૂવમેન્ટ ચાલુ કરી દીધી હતી. 15 ઓગસ્ટ સુધીમાં મારે હજુ ગુજરાતથી રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહાર થઈને પશ્ચિમ બંગાળ પરત જવાનું છે. 15 ઓગસ્ટે હું ઘરે પહોંચીશ. ત્યારે મારી મૂવમેન્ટ પૂરી થશે. ત્યારબાદ હું મારા આગળનો સ્કૂલનો અભ્યાસક્રમ પૂરો કરીને પર્યાવરણ પર અભ્યાસ કરીશ. અત્યારે અમદાવાદમાં 3 દિવસ છું. ત્યારે રોજ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યો છું. લોકોની વચ્ચે જઉં છું. લોકો મને સ્વીકારે છે અને મારો મેસેજ સમજે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.