બંને હાથ અને બંને પગ ના હોય એવા કન્જનાઈટલ લીંબ ડેફિશિયન્સી સાથે લાખે એક બાળકનો જન્મ થતો હોય છે. બગોદરાની 11 વર્ષીય વિધાતા ગોસ્વામી સમજણી થઈ ત્યારથી જમીન ઉપર ઢસડાઈને એકથી બીજી જગ્યા ઉપર જતી હતી. ખાસ કરીને જાહેર શૌચાલયમાં જવું તેના માટે દુસવાર હતું.
મારે ચાલતા સ્કૂલે જવું છે : વિધાતા
ભણવામાં તેજસ્વી હોવાના કારણે વિધાતાને શાળામાં જવાનો ખૂબ શોખ છે, પરંતુ ખોડના કારણે તેનું ધ્યાન હંમેશા વિકલાંગતા ઉપર જતું હતું. સિવિલ હોસ્પિટલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો તેના માટે દેવદૂત સમાન બન્યા છે. ડૉક્ટરોએ વિધાતાને એવા યુનિક લીંબ (પગ) બનાવી આપ્યા છે જેના કારણે તે એક મહિનામાં જ પગે ચાલી શકશે. વિધાતાનું એક માત્ર મોટુ સપનું ચાલતા સ્કૂલે જવાનું છે.
ડૉક્ટરોએ પગ બનાવી વિધાતાનું સપનું સાકાર કર્યું
ડૉક્ટરોએ 23 એપ્રિલે વિધાતાને પગ બનાવીને આપ્યા છે ત્યારથી તે ચાલવા માટે ઉતાવળી બની છે. વિધાતા કહે છે કે, ચાલવાની મારી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ હું ચોટીલા ચામુંડા માંના પગે લાગવા હું ચાલીને જઈશ. આવતા જન્મમાં વિકલાંગતા ના આવે તે માટે મારે કથાકાર બનવું છે અને ભગવાન શિવની આરાધના કરવી છે.
ઘણું ચેલેન્જિંગ કામ હતુંઃ ડોક્ટર
સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના આસિ. પ્રોફેસર ડૉ. કુશલ ત્રિવેદી કહે છે કે, 11 વર્ષના મેડિકલ પ્રેક્ટિસમાં આવો પ્રથમ કેસ જોયો છે જેમાં દર્દીને જન્મજાત બંને હાથ અને બંને પગ વિકસ્યા જ નથી. બાળકીને ઊભી કરવી અને બેલેન્સ સાથે ચલાવવી ચેલેન્જિંગ હતું. ઉંમર પ્રમાણે નોર્મલ બાળકોની જેમ તેની ઉંચાઈ વધે તે પ્રકારે લીંબ તૈયાર કર્યા છે. ડૉક્ટરે કહ્યું કે, હાલ વિધાતાની ઉંચાઈ 1.5 ફૂટ છે અને 2.5 ફૂટના લીંબ પહેરાવ્યા બાદ તે ઊભી થશે ત્યારે તેની ઉંચાઈ 4 ફૂટ થશે. થોડા સમયબાદ આર્ટિફિશિયલ ની જોઈન્ટ અને ફૂટ ઉમેરવામાં આવશે.
સર્જરી વગર બાળકીને ચાલતી કરવી ચેલન્જ હતી
સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને સિવિલ ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકીએ કહ્યું કે, બાળકીની ઉંમર નાની હતી અને તેના પિતાએ સર્જરી કરવાની પરવાનગી આપી ન હતી. એવી સ્થિતિમાં બાળકીને ચાલતી કરવી ચેલેન્જિંગ હતું. બાળકીએ ચલાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સમયાંતરે લીંબની ઉંચાઈમાં ફેરફાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.