• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The 10th Vibrant Summit Will Be Inaugurated By Prime Minister Modi On January 10. Significant MOU Will Be Signed Every Monday From Today.

ગુજરાતમાં 'બિગ ઇવેન્ટ':10મી વાઇબ્રન્ટ સમિટનું 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થશે, આજથી દર સોમવારે મહત્ત્વના MOU કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે, દેશ-વિદેશોમાં રોડ શો યોજાશે?
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
  • CM ભૂપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઇ-અબુધાબી ખાતે રોડ શોમાં ઉપસ્થિત રહેશે

આજે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 24,185 કરોડના 20 MOU પર હસ્તાક્ષર થયા છે, જેના પરિણામે 37 હજાર જેટલી નવી પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે. બીજી તરફ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા જણાવતાં કહ્યું હતું કે આગામી 10 જાન્યુઆરીએ દેશના વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. 11 જાન્યુઆરીએ વડાપ્રધાનની વિઝનરી યોજના 'ગતિશક્તિ યોજના' હેઠળ ગુજરાતને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરલ તેમજ ઇન્વેસ્ટમેન્ટ દૃષ્ટિકોણથી વધુ ને વધુ લાભ મળે એની કાર્યરીતિ ઘડાશે.

રાજ્યમાં 10 વિવિધ ક્ષેત્રના પ્રી-ઇવેન્ટ કાર્યક્રમો યોજાશે
રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલા આગામી 10થી 12 જાન્યુઆરી-2022 દરમિયાન યોજાશે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેમજ ગ્લોબલ ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ યોજાશે. ત્રિદિવસીય સમિટમાં વિવિધ ક્ષેત્રો સંદર્ભે વિવિધ સેમિનારો યોજાશે. વાઇબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્યભરમાં 10 જેટલાં વિવિધ ક્ષેત્રોના પ્રી-ઇવેન્ટ કાર્યક્રમો પણ યોજાશે તેમજ આ 10મી વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે.

દેશમાં પ્રોડક્શન યોજનાઓ અંગે વિશદ ચર્ચા હાથ ધરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપરાંત પ્રોડક્શન લિંકડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ અંતર્ગત વિવિધ સેક્ટરમાં જાહેર કરાયેલી યોજનાઓ થકી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ ધપાવવા નક્કર કદમ ભરાશે અને દેશમાં પ્રોડક્શન અંગેની તૈયાર કરાયેલી યોજનાઓ અંગે પણ વિશદ ચર્ચા હાથ ધરવામાં આવશે. જ્યારે 12 જાન્યુઆરીએ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ, વધુ ને વધુ રોજગારી તેમજ ટેકનોલોજી થકી વેલ્યુ એડિશન થાય એ સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે અને ત્યાર બાદ વાઇબ્રન્ટ સમિટનું સમાપન કરવામાં આવશે.

6 રાજ્યનાં મેટ્રોપોલિટન શહેરમાં રોડ શોનું આયોજન
તેમણે ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવઓ રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે, જ્યારે દેશભરનાં વિવિધ 6 જેટલાં રાજ્યોનાં મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 નવેમ્બરના રોજ દિલ્હી ખાતેના રોડ શોમાં સહભાગી થશે. એ ઉપરાંત મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલુરુ ખાતે યોજાનારા રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજથી વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. જે એમઓયુ પ્રોજેક્ટમાં પરિવર્તિત થાય એવા જ એમઓયુ કરવામાં આવશે.આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એ માટે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેન્કર્સ મીટિંગ પણ કરાઇ છે, જે મહત્ત્વની પુરવાર થશે. તેમણે કહ્યું હતું કે એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે 10 જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...