32 વર્ષ પાકિસ્તાનની જેલમાં સબડીને કુલદીપ અમદાવાદ પહોંચ્યા:કહ્યું, 'એ રાત્રે મને આંખો પર પટ્ટી બાંધી, હથકડી પહેરાવી લઈ ગયા ને પછી શરૂ થયો યાતનાઓનો સિલસિલો'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર

હું રિપોર્ટર સારથી એમ. સાગર. મને આગળના દિવસે જ ખબર પડી કે કુલદીપ યાદવ જેલમાંથી છૂટીને તેમના ઘરે આવી ગયા છે અને હું તેમને મળી શકું એમ છું, એટલે બીજા દિવસે સવારે જ હું તેમના ઘરે જવા નીકળ્યો. એક વ્યક્તિ બહાર મને લેવા આવી. પહેલા હું અસમંજસમાં હતો કે આ જ કુલદીપ યાદવ છે? પરંતુ જેવા અમે બંને ઘરમાં દાખલ થયા કે સોફા પર સફેદ પઠાણી પહેરેલી એક વ્યક્તિ દેખાઈ. માથામાં અને મૂછોમાં કાળા-ધોળા વાળ હતા. પાતળો અને લંબગોળ ચહેરો, એકવડો બાંધો. તેમણે ઊભા થઈને મને કહ્યું, 'મારું નામ કુલદીપ યાદવ'. ત્યારે મને જાણ થઈ કે હું તેમને મળવા આવ્યો છું.

એ પઠાણી પહેરીને ઊભા હતા. આ પાકિસ્તાનમાં તેમનો પોશાક હતો. એ ભારત પરત આવી ગયા છે, પરંતુ તેમની પાસે બીજા કોઈ કપડાં નહોતાં. ઉપરાંત વાતચીત દરમિયાન 32 વર્ષ પાકિસ્તાનમાં (28 વર્ષ જેલમાં) રહેવાને કારણે તેમની ભાષામાં થોડી ઉર્દૂની છાંટ પણ વર્તાઇ આવતી હતી. મેં તેમને પૂછ્યું કે તમે ગુજરાતીમાં બોલી શકશો? તેમણે કહ્યું- 'હા, પરંતુ મને હિન્દીમાં બોલવાનું વધારે ફાવશે.' કુલદીપ જ્યારે ભારત આવ્યા ત્યારે લેવા માટે તેમના નાના ભાઇ દિલીપ સાથે બે ડ્રાઈવર અને ASI પણ હતા. કુલદીપકુમાર ભાઈને પહેલા ઓળખી ના શક્યા, પરંતુ જેવા દિલીપકુમાર તેમની તરફ આગળ વધ્યા કે તેમને ખ્યાલ આવી ગયો કે આજ મારો ભાઈ છે. સામાન્ય વાતચીત બાદ મેં ઇન્ટરવ્યુ શરૂ કર્યો હતો. આગળની વાત વાંચો તેમના જ શબ્દોમાં....

કુલદીપ યાદવનાં બહેન રેખા યાદવે ભાઈને છોડાવવા અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી.
કુલદીપ યાદવનાં બહેન રેખા યાદવે ભાઈને છોડાવવા અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી.

મારું નામ કુલદીપ કુમાર યાદવ છે. પિતાનું નામ નાનકચંદ યાદવ છે અને માતાનું નામ માયાદેવી છે. હું અમદાવાદ, ગુજરાતનો નાગરિક છું. મારો જન્મ દેહરાદૂનમાં થયો હતો, પરંતુ પિતા ONGCમાં હતા, એટલે 1972માં પરિવાર અમદાવાદમાં શિફ્ટ થયો. 1થી 7 ધોરણ સુધી હું દેહરાદૂનમાં ભણ્યો હતો. એ પછી 12મા ધોરણ સુધી અમદાવાદની જ્ઞાનદીપ હિન્દી હાઇસ્કૂલમાં અને એ પછી સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભણ્યો. પછી LLBનું ભણવાનું શરૂ કર્યું, પરંતુ પૂરું ના કરી શક્યો. એ દરમિયાન નોકરી માટે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો, એક્ઝામ આપી, પરંતુ કમનસીબે હું ક્યાંય સિલેકટ ના થયો. ટ્યૂશન કરાવતો હતો. પછી પાનની દુકાન હતી, ગેરેજ પણ શરૂ કર્યું, પણ એમાં કંઈ થયું નહીં. કોઈ આવક થતી નહોતી. એ પછી કેટલાક એવા લોકો મળ્યા અને કોન્ટેક્ટ બન્યા કે તેમને લીધે સરકાર (દેશ) માટે કામ કરવાનો અવસર મળ્યો. ત્યારે થયું કે ચલો યાર, દેશ માટે મારું પણ કંઈક યોગદાન હશે.

કુલદીપ યાદવની પહેલાંની અને અત્યારની તસવીર.
કુલદીપ યાદવની પહેલાંની અને અત્યારની તસવીર.

પાકિસ્તાન ક્યારે ગયા અને કેવી રીતે પકડાયા?
તેમના માધ્યમથી વર્ષ 1992માં મારે પાકિસ્તાન જવાનું થયું. એ વખતે જૂન,1994માં હું પકડાઈ ગયો. તમામ ઇન્ટરોગેશન પાકિસ્તાન આર્મીએ કર્યું. પછી કોર્ટમાર્શલ થયું. ઇન્ટરોગેશન બાદ 1996માં મને લાઇફ ઇમ્પ્રિમેન્ટની સજા મળી, એટલે સિવિલ જેલ- સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર ખાતે મોકલવામાં આવ્યો.

મને બરોબર યાદ છે કે એ 22 જૂન 1994નો દિવસ હતો. રાતના 8થી 8.30 વાગ્યાનો સમય હતો. ત્યારે હું ભારત પરત ફરવા બોર્ડર ક્રોસ કરવાની તૈયારીમાં હતો, ત્યાંના લોકોને મારા પર શંકા ગઈ અને પછી ત્યાંની એજન્સીને આ વાતની ખબર પડી. તેમણે મને પકડી લીધો. પકડ્યા બાદ રૂટિન પ્રમાણે મારી આંખો પર પટ્ટી અને હાથમાં હથકડી પહેરાવવામાં આવી. એ પછી મને ક્યાં લઈ ગયા, એ ખબર નથી, પરંતુ એટલું ખબર છે કે હું આર્મીની કસ્ટડીમાં હતો. ત્યાંથી ઇન્ટરોગેશન શરૂ થયું. તમને ખબર જ છે કે જ્યારે કોઈ પકડાઈ જાય છે તો તેની સાથે ટોર્ચરિંગ તો થાય જ છે. પછી એ ભલે દુનિયાનો કોઈપણ દેશ હોય. આપણા જ દેશમાં પણ કોઈ ગિરફતાર થાય છે તો મારપીટ તો લાજમી વાત છે. લગભગ 2.5 વર્ષ સુધી મારું ઇન્ટરોગેશન ચાલ્યું.

અમદાવાદ આવી પહોંચેલા કુલદીપ યાદવનું પરિવારે આરતી ઉતારી સ્વાગત કર્યું હતું.
અમદાવાદ આવી પહોંચેલા કુલદીપ યાદવનું પરિવારે આરતી ઉતારી સ્વાગત કર્યું હતું.

સરબજિતસિંહ વિશે કદાચ તમે સાંભળ્યું હશે?
હું 1996માં જેલમાં ગયો હતો અને 1997માં તેને પહેલી વાર મળ્યો હતો. સરબજિત અને મારી ઘણી સારી ફ્રેન્ડશિપ હતી. દર 15 દિવસે જેલવાળા અમારી મુલાકાત કરાવતા હતા. 15 દિવસનો રૂટિન પિરિયડ હતો. એ પછી જ મળી શકાય, એટલે 15 દિવસ બાદ એ (સરબજિત) નામ મોકલતો હતો. જેના જેના નામ મોકલે એ લોકો તેને મળી શકતા હતા. એ ઘણો જ સારો હતો. તેણે પણ દેશ માટે જ કામ કર્યું અને દેશ માટે જ જાન પણ ગુમાવી. સ્વભાવે તે ખૂબ જ સારો હતો. જેટલા પણ લોકો હતા એ બધા સાથે તેને સારું બનતું હતું. પ્યાર-મહોબ્બત હતા, પણ જ્યાં સારું છે ત્યાં ખરાબ પણ હોય છે. ક્યાં શું થયું, અંદરોઅંદર શેનો ઝઘડો થયો કે તેની હત્યા કરવામાં આવી. તેનું ઘણું દુઃખ છે કે છેલ્લે હું તેને મળી ન શક્યો. મને એ વિશે જાણ થઈ તો બહુ દુઃખ થયું, કારણ કે અમારો સાથી દોસ્ત આમ જતો રહે તો નેચરલી ઘણું દુઃખ લાગે. દર્દ થાય અને એવું પણ ક્યાંક દિલમાં આવે કે આવું ક્યાંક આપણી સાથે ન થઈ જાય.

એ પછી ઘણા બદલાવ આવ્યા હતા. પહેલા પાકિસ્તાની કેદી અને અમારી બેરેક અલગ રહેતી, પરંતુ અમે મળી શકતા હતા, પરંતુ સરબજિતની હત્યા પછી અમને બિલકુલ સેપરેટ કરી નાખ્યા. કોઈ પાકિસ્તાની અમને ના મળી શકે અને અમે તેમને ના મળી શકીએ. તથા સિક્યોરિટી એક્ટ અંતર્ગત મોટો બદલાવ હતો. એ પહેલાં અમારી હાલત ઘણી જ નાજુક હતી, પરંતુ એ પછી ત્યાંની સરકારે સગવડો ઘણી વધારી દીધી અને પહેલાં જમવાનું પણ સારું નહોતું, પરંતુ પછી એ ઘણું સારું કર્યું છે. મેડિકલ ચેકઅપની સુવિધા સારી કરી છે. ત્યાંના ડૉક્ટર પણ અમારું સારું ધ્યાન રાખતા હતા.

કુલદીપ યાદવને જોતાં જ બહેન રડી પડ્યાં હતાં.
કુલદીપ યાદવને જોતાં જ બહેન રડી પડ્યાં હતાં.

જેલમાં મોતીકામ પણ કર્યું
મોસમ પ્રમાણે સવારે 5 વાગ્યે અમે જાગી જતા. 5થી 6 વાગ્યામાં લોકઅપ ખૂલી જતાં. એ પછી ચા- નાસ્તો આવી જતો. એ ખાઈ લેતા. પછી બપોરનું જમવાનું. પછી સાંજે જમવાનું. શરીરની ફિટનેસ જાળવવા માટે દિવસે થોડું ઘણું કામ કરી લેતા. એ સિવાય ત્યાં મોતીકામ પણ કરી લેતો. ઉપરાંત બંગડી, હાર, પછી પંજાબીમાં પ્રાનદા કહેવાય એ ચોટી બનાવતા, જેનાથી ટાઇમ પાસ થઈ જતો ઉપરાંત ખર્ચો પણ નીકળી જતો.

જેલમાં ખાવાનું શું હતું?
ત્યાં સવારે ચા, સબ્જી અને એક રોટી આપતા અને બપોરે રોટી, દાલ, મરઘી અને અલગ અલગ શાક આપતા હતા એવું જ કંઈક રાતનું જમવાનું રહેતું.

પાકિસ્તાની કેદીઓનો વ્યવહાર
પાકિસ્તાની કેદીઓ સાથે ઘણા સારા સંબંધો હતા. અમે ઈન્ડિયાથી હોવા છતાં એ તો અમને ચાહત બતાવતા,. કેમ કે નીચલા લેવલ પર પબ્લિક એકબીજાને ઘણા ચાહે છે. જ્યારે જેલસ્ટાફના વર્તન વિશે પૂછતાં તેમણે કહ્યું કે હાથની બે બાજુ છે. એક બાજુનો રંગ અલગ છે, બીજી તરફ અલગ છે. એમ ઘણા બધા સોફ્ટ ઑફિસર અને કર્મચારી આવતા. જેમનું વર્તન અમારી સાથે ઘણું સારું હતું. 80 ટકા સારા જ આવતા. ક્યારેક ઘણા કડક ઑફિસર પણ આવતા, પરંતુ કડક ઑફિસરોની સંખ્યા 20 ટકા જેવી કહી શકાય.

અમદાવાદના ચાંદખેડામાં આવેલું કુલદીપ યાદવનું ઘર.
અમદાવાદના ચાંદખેડામાં આવેલું કુલદીપ યાદવનું ઘર.

કેવી રીતે છૂટ્યા?
મારી સજા 26 ઓકટોબર 2021ના રોજ પૂરી થઈ ગઈ. એ પછી 2-3 વખત મને સમાચાર મળ્યા કે મારી રિહાઈ થઈ જવાની છે પણ એવું કંઈ થતું નહોતું. એ પછી 24 જૂન, 2022ના રોજ મને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેમણે મને 15 દિવસની અંદર રિલીઝ કરવાનો ઓર્ડર કર્યો, એટલે એ સરકાર અને આપણી સરકારની મહેરબાનીથી આજે હું તમારી સામે છું.

32 વર્ષ પછી પરિવારને પહેલી વાર મળ્યા ત્યારે
પરિવારને પહેલી વખત મળ્યો એ ક્ષણ હું તમને કેવી રીતે કહું કે શું ફિલિંગ્સ હતી? એવું જ સમજી લો મને નવો જન્મ મળી ગયો. મારી ફેમિલીમાં મારાં ભાઈ-બહેન છે, તેમના ચહેરા પર જે ખુશી આવી છે. તેમની ખુશી જોઈને મારી કેટલીય મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે.

પરિવારજનો સાથે કુલદીપ યાદવ.
પરિવારજનો સાથે કુલદીપ યાદવ.

હવે શું?
હું મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકારને અપીલ કરવા માગું છું કે પુનર્વાસ માટે મારી મદદ કરે અને પૈસા વગર મદદ થાય નહીં. મને પૈસાની ખૂબ જરૂર છે, કેમ કે હું 32 વર્ષ બાદ ત્યાંથી આવું છું. હું અત્યારે ઝીરો બટ્ટા ઝીરો છું. મારી ઉંમર અત્યારે 59 છે. હું પાકિસ્તાન ગયો ત્યારે 27 વર્ષનો હતો. તો હવે મારા માટે કહેવું મુશ્કેલ છે કે હું શું કરીશ. કારણ કે મારી પાસે કોઈ અનુભવ નથી.અત્યારે તો ભાઈ-બહેન પર આધારિત છું. જો સરકાર, મીડિયા કે દેશની જનતા મને આર્થિક રીતે મદદ કરે તો એ મારા માટે ખુશીની વાત હશે. સરકારે હજુ સુધી તો કોઈ વળતર આપ્યું નથી.

પરિવાર પર શું વીત્યું?
(તેમના ચહેરા પર ભાવ દેખાઈ આવતા હતા.) હું એ મહેસૂસ કરી શકું છું, પણ મારી પાસે કોઈ શબ્દો નથી કે પરિવારે કેટલું સ્ટ્રગલ કર્યું? કેટલું દુઃખ સહન કર્યું, એ વિશે તો પરિવાર જ જાણે છે.

અમદાવાદના ચાંદખેડામાં આવેલું કુલદીપ યાદવનું ઘર.
અમદાવાદના ચાંદખેડામાં આવેલું કુલદીપ યાદવનું ઘર.

પરિવારને ક્યારે ખબર પડી કે કુલદીપ પાકિસ્તાનમાં છે?
સાલ 1996માં મને જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો પછી 1997માં મેં લેટર લખીને પરિવારને જાણ કરી. ત્યારથી અમારી વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ જ રહ્યો, પરંતુ સરબજિતની હત્યા બાદ એ પણ બંધ થઈ ગયું. અમદાવાદમાં પરિવાર સાથે છેલ્લો દિવસ કેવો હતો એ પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું, હવે એ બધું તો મને યાદ પણ નથી. ઘરેથી બસ એટલું જ કહીને નીકળ્યો હતો, ’મેં જોબ પર જા રહા હું.’

પરંતુ સેન્ટ્રલ જેલ કોટ લખપત લાહોરમાં જેલમાં સાથે કોણ હતું?
પૂરા પાકિસ્તાનમાં આપણા કેટલા ભારતીયો છે એ કહેવું મુશ્કેલ છે. જેલમાં રહેતા બધાનું નામ આપવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા લોકો આવ્યા અને ઘણા બધા છૂટી પણ ગયા છે. અમે 30 લોકો હતા, જેમાંથી છેલ્લે 27-28 લોકો અત્યારે છે. એ બધાનાં નામ પણ મને યાદ નથી. મોસ્ટલી બધાની સજા પૂરી થઈ ચૂકી છે. એમાંથી ઘણાબધા એબનોર્મલ થઈ ગયા છે. જે પોતાના વિશે કંઈપણ કહી શકવા માટે અસમર્થ છે, પરંતુ એ બધા ભારતીયો છે, આથી સરકારને મારી અપીલ છે કે પ્લીઝ, ત્યાં આપણા જે ભારતીય કેદીઓ છે અને જેમની સજા પૂરી થઈ છે એ નોર્મલ હોય કે એબનોર્મલ, તેમને ત્યાંથી રિલીઝ કરાવો અને માનવતાના આધારે જે પાકિસ્તાની અહીં છે તેમને પણ અહીંથી રિલીઝ કરો, કેમ કે અહીંથી રિલીઝ કરશો તો ત્યાંથી પણ રિલીઝ કરશે.

ઘરની અંદરની તસવીરો.
ઘરની અંદરની તસવીરો.

ભારત કેટલું બદલાયું?
બદલાવ તો જમીન આસમાનથી પણ વધારે થઈ ગયું છે. અહીં તો એટલું ડેવલપમેન્ટ છે કે કંઈપણ ઓળખવું મુશ્કેલ થઈ જાય. (હસતાં હસતાં)બધું જ બદલાઈ ગયું છે હું એટલું જ કહીશ. મારા ઘરનો વિસ્તાર પણ ઓળખવો મુશ્કેલ છે. કદાચ હું એકલો આવ્યો હોત તો મારા ઘરે પહોંચી પણ ન શકત.

નરેન્દ્ર મોદી બેસ્ટ પ્રધાનમંત્રી
આપણા પ્રધાનમંત્રી દુનિયાના બેસ્ટ પ્રધાનમંત્રી છે. તેમણે જે કામ કર્યા છે એની માટે તેમને સેલ્યૂટ છે. જે રીતે તેમણે દેશ માટે કામ કર્યું છે. હું તેમના રાજ્યથી છું, મેં પણ દેશ માટે કામ કર્યું છે. તો મને પણ સપોર્ટ કરે. મને દરેક વસ્તુની જરૂર છે. અજિત ડોવાલ પણ ઘણા સારા માણસ છે, જે દેશ માટે કામ કરે છે એ વખાણવાલાયક છે અને સલામીને પાત્ર છે.

કુલદીપ અત્યારે ચાંદખેડામાં પરિવાર સાથે રહે છે. 22 ઓગસ્ટે વાઘા બોર્ડર પરથી તેમની સાથે જમ્મુના શંભુનાથ નામની વ્યક્તિને પાકિસ્તાને છોડ્યા હતા. કુલદીપે અમૃતસર પહોંચ્યા બાદ રાત્રે 11 વાગ્યે ઘરે ફોન કર્યો તો તેમના બહેનને પહેલા તો ભાઇનો અવાજ સાંભળી વિશ્વાસ જ નહોતો આવ્યો, પછી પરિવારને જાણ કરી. આખો પરિવાર એ રાત્રે જાગ્યો હતો અને ઘરનાં બાળકો અને નાના ભાઈએ તો 2 દિવસ રજા જ રાખી લીધી હતી. 25 ઓગસ્ટે કુલદીપ અમદાવાદ પહોંચ્યા ત્યારે ઘરમાં ઉત્સાહનો માહોલ હતો.

કુલદીપ હાલમાં હાર્ટ, કાન, ટીબી અને અન્ય કેટલીક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અને હાલમાં તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ છે. એમની મદદ કરવા માટે આ એમની બેન્કની માહિતી છે.

નામ: યાદવ સંજયકુમાર નાનકચંદ SBI બેન્ક ​​એકાઉન્ટ નંબર -30866589304 IFSC-SBIN0005743, બ્રાન્ચ કોડ: 5743

અન્ય સમાચારો પણ છે...