ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા તેથી ઘણાંને આશ્ચર્ય થયું છે કે એક સમયે આનંદીબેન પટેલ જૂથના ગણાતા નેતાને ગુજરાત સરકારના આ સર્વોચ્ચ પદ આપવા બાબતે અમિત શાહ કેવી રીતે સંમત થયા. પરંતુ ભૂપેન્દ્ર પટેલ એક એવા રાજકારણી છે કે જેમણે માત્ર બેન નહીં, અમિત શાહ સાથે પણ વિશ્વાસ અને ઘરોબો કેળવી રાખ્યો છે, અને તેનો જ શિરપાવ તેમને મળ્યો છે. આ પાટીદાર નેતા બેન અને શાહ કેમ્પની વચ્ચે બફરની જેમ બેલેન્સિંગ એક્ટનું વિકટ કામ કરતા આવ્યા છે.
21 જૂને અમિત શાહ જ્યારે બે દિવસના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને એક ખાસ બેઠક માટે બોલાવ્યા હતા અને તેમાં કેબિનેટના કે પ્રદેશના અન્ય કોઇ નેતા નહીં પરંતુ માત્ર ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. આ બેઠક દરમિયાન જ શાહે ગાંધીનગર મહાનગર પાલિકાની રાજકીય બાબતો માટે ભૂપેન્દ્ર પટેલને પ્રભારી પણ બનાવી દીધા હતા.
આ પૂર્વે જ્યારે અમદાવાદ પાલિકાની ચૂંટણી હતી તે સમયે ઘાટલોડિયા મતવિસ્તારમાં આવતા તમામ વોર્ડના નેતાઓ માટે ભૂપેન્દ્ર પટેલે પોતાનું ઘાટલોડિયાના અજંતા-ઇલોરા પાસેનું વિધાનસભા કાર્યાલય સોંપી દીધું હતું. શાહના ખાસ નજીકના અને હાલ અમદાવાદ મહાનગર પાલિકાના સ્થાયી સમિતીના અધ્યક્ષ હિતેષ બારોટ સતત ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રહીને કામ કરતા આવ્યા છે. પટેલ તેમના અને અન્ય ઉમેદવારોના પ્રચાર માટે ખાસ ફરતા રહેતા હતા. અર્થાત શાહ જૂથના તમામ નેતાઓને ભૂપેન્દ્ર પટેલે પોતાની પડખે રાખ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલની એક સૌથી મોટી સિદ્ધી એ છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખાં ગુજરાતમાં તમામ ઉમેદવારોમાં તેમને સૌથી વધુ એટલે કે 1,75,762 વોટ મળ્યા હતા. નજીકના હરિફના મતો વચ્ચેની લીડ પણ 1,17,750 મતોની રહી હતી. આ પૂર્વે તેઓ નગરપાલિકા અને કોર્પોરેશનમાં નગરસેવક ઉપરાંત ઔડાના ચેરમેન તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. 2017માં ઘાટલોડિયાની પેટાચૂંટણી લડી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.