રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા. ગત 18 ડિસેમ્બરે રાજ્યમાં 68 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 ડિસેમ્બરે 394 કેસ આવ્યા છે, સાથે જ ઓમિક્રોનના પણ નવા 5 કેસ સાથે કુલ કેસની સંખ્યા 78 થઈ છે. રાજ્યમાં 14 જૂન પછી કોરોનાના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. ગત 14 જૂને રાજ્યમાં 405 નવા કેસ નોંધાયા હતા. છેલ્લે, 15 જૂને દૈનિક કેસનો આંક 300ને પાર થયો હતો. એ દિવસે 352 કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે એનાથી વધુ એટલે કે 394 નવા કેસ થયા છે.
મંગળવારે 59 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સત્તાવાર સંખ્યા 8,18,422 થઈ છે. મંગળવારે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાથી મૃત્યુનો સત્તાવાર આંક 10,115 છે. મંગળવારે જે નવા કેસો નોંધાયા છે એમાં અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ છે, જ્યારે સુરતમાં 52, રાજકોટમાં 35 અને વડોદરામાં 34 નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.20 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં રસીના કુલ 8.88 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.
ક્વૉરેન્ટીન ભંગ કરનારાઓ પર પોલીસ વૉચ રાખશે
કન્ટેન્મેન્ટમાં પોલીસ સતત વિઝિટ કરશે
રાજ્ય સરકારે મંગળવારે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અંગે મહત્ત્વની નિર્ણયો કર્યા હતા. હવે ક્વોરન્ટીનના નિયમોનો ભંગ કરનારાઓ પર પોલીસ નજર રાખશે. પોલીસને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લેતા રહેવાની સૂચનાઓ અપાઈ છે.
10 જાન્યુ.થી ફ્રન્ટલાઇનવર્કર્સ, વૃદ્ધોને બૂસ્ટર ડોઝ
60 વર્ષથી વધુ વયનાને પ્રિકોશન ડોઝ
આગામી 10 જાન્યુઆરીથી 6 લાખ જેટલા હેલ્થ અને ફ્રન્ટલાઇનવર્કર તથા 13 લાખ કોમોર્બિડ સિનિયર સિટિઝનને 10મીથી રસીનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. બીજા ડોઝને 39 સપ્તાહ પૂર્ણ થયા હોય એવા વૃદ્ધો ત્રીજો ડોઝ લઈ શકશે.
ઓમિક્રોનના નવા 5 કેસમાં 4 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં
અમદાવાદમાં ઓમિક્રોનના નવા 2 કેસ
રાજ્યમાં મંગળવારે ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાયા હતા. નવા 5માંથી 4 દર્દી કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી, એટલે કે તેઓ બીજાના સંક્રમણના કારણે ઓમિક્રોનગ્રસ્ત થયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે.
6 મહિના પછી ફરી ધન્વંતરિ-સંજીવની રથ શરૂ થશે
કોરોનાએ ફરી માથું ઊંચકતાં સરકારે ધન્વંતરિ રથ અને સંજીવની રથ પણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે. જ્યાં રસીકરણ ઓછું છે અથવા જે લોકોનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યાં રસીકરણની કામગીરી ઘનિષ્ઠ બનાવવા કેમ્પ યોજાશે.
કોરોનાની વધુ 2 વેક્સિનને મંજૂરી, પહેલીવાર એન્ટિવાઇરલ દવાને પણ લીલી ઝંડી અપાઈ
કોવોવેક્સ અને કોર્બેવેક્સને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી અપાઈ
કોરોનાવિરોધી વધુ બે રસીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન (CDSCO) એ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવેક્સિન અને બાયોલોજિકલ E કંપનીના કોર્બેવેક્સ રસીને શરતોને આધીન મંજૂરી આપી છે. આ સાથે કોરોનાની એન્ટી-વાઈરલ દવા મોલનુપિરાવિરને પણ ઇમર્જન્સી વપરાશ માટે મંજરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. સોમવારે એસ.ઈ.સી દ્વારા રસી અને દવા બંનેની મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.