અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)સંચાલિત તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો, 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હવે મોટાભાગના પ્રાથમિક ટેસ્ટ થઈ શકશે. દર્દીના બ્લડ ટેસ્ટ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને ડાયરીયા સહિતના ટેસ્ટ મફતમાં કરાવી શકાશે. રૂ. 2 કરોડથી વધુના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર મશીનો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર સોનોગ્રાફી મશીન પણ મૂકી દેવામાં આવ્યા છે, જેથી હવે દર્દીઓને ક્યાંય બહાર સોનોગ્રાફી કરાવવાની જરૂર પડશે નહીં.
વિવિધ ટેસ્ટના મશીનો મંગાવાયા
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વિવિધ ટેસ્ટ માટેના મશીનો મૂકવા જોઈએ. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરતાં દરેક ટેસ્ટ માટેના મશીનો મંગાવવામાં આવ્યા હતા. જેના માટે હવે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચિકનગુનિયા સહિતના ટેસ્ટ માટેના મશીનો કાર્યરત થઇ ગયા છે. દર્દીઓને હવે પ્રાથમિક જે પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે. હવે મફતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર કરી આપવામાં આવશે.
CBC મશીન 1.5 કરોડના ખર્ચે મૂકાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રેડ બ્લડ સેલ માપવા માટેના CBC મશીન રૂપિયા 1.5 કરોડના ખર્ચે મૂકવામાં આવ્યા છે. તાવ આવે ત્યારે રેડ બ્લડ સેલ માપવા માટે ઉપયોગમાં લેવાય છે. તમામ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર ડેન્ગ્યુ અને ચીકનગુનિયા માટે પણ રૂપિયા 30 લાખના ખર્ચે મશીન મૂકવામાં આવ્યા છે. ડાયરીયા અને ટાઈફોઇડના ટેસ્ટ માટે ઇલેક્ટ્રોલ મશીનની જરૂર પડે છે. જે રૂપિયા 30 લાખના ખર્ચે તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનોગ્રાફી મશીન અને ડાયાબિટીસ માટેના પણ મશીનને ખરીદી કુલ 10 પ્રકારના રૂ. 2.5 કરોડના ખર્ચે આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.
10 ઓગસ્ટ બાદ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ કરાશે
ચોમાસા દરમિયાન સામાન્ય રીતે રોગચાળો વધતો હોય છે. વિવિધ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીઓમાં બીમારીનું પ્રમાણ વધતું હોય છે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ચાલુ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 20 જેટલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. 10 ઓગસ્ટ બાદ આ મેગા મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવશે. એક મેડિકલ કેમ્પ પાછળ મંડપ, લાઈટ, ચા પાણી અને પ્રચાર-પ્રસાર મળી કુલ રૂ. 5 લાખનો ખર્ચ કરવામાં આવશે. મેડિકલ કેમ્પમાં આવનાર દર્દીઓને મફતમાં દવા અને સારવાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.