અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. કોરોના ફરી એકવાર વકરતા હવે લોકોને ફરી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના ટેસ્ટિંગના ડોમ પણ ફરી શરૂ કરવામાં આવશે. હાલમાં કોરોનાના કેસો વકર્યા છે. જો કે તે સામાન્ય લક્ષણોવાળા કેસો છે.
અન્ય રાજ્યમાંથી લોકો ફરીને આવતાં સંક્રમણ વધી શકે
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. બે દિવસમાં 40 જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધુ થાય તેની પર ભાર આપવામાં આવી રહ્યો છે. જે જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન અને લોકો વધુ લોકો ભેગા થાય છે. તેવા એસટી બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલમાં વેકેશન હોવાથી લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તેમજ અન્ય શહેરોમાં ફરીને આવ્યા હોય ત્યાંથી સંક્રમણ વધી શકે છે. જેથી તેઓએ ધ્યાન રાખવું જોઈએ.
શહેરમાં હાલ 1600 જેટલા કોરોનાના ટેસ્ટ કરાય છે
શહેરમાં હાલમાં 1600 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં વધારો કરવામાં આવશે. કોરોનાના કેસો વધતા કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલમાં માસ્ક પહેરવાની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થાય છે. શહેરમાં કોરોનાના 207 એક્ટિવ કેસ છે. જેમાં 3 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પણ લોકોએ પોતાનો પ્રિકોશન ડોઝ લેવાનો હોય છે તે ન લીધો હોય તો તેઓએ તાત્કાલિક ધોરણે પોતાનો પ્રિકોશન ડોઝ લઈ લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.