ટેસ્ટ ઓફ ગુજરાતજાણો સિક્રેટ 'કિંગ ઓફ ભજિયા'નું:ના ચટણી કે ના કઢી, પાર્સલ સાથે થેલી પણ નહીં.. છતાં રાયપુરના ભજિયા માટે કેમ લાઈન લાગે છે? મોદી-શાહને પણ જેનો છે ચસકો!

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અસ્સલ અમદાવાદી તો ખરા જ... પરંતુ લગ્નસરા કે વાર-તહેવારે બહારગામથી ખરીદી કરવા અમદાવાદ આવનારા લોકો એસટી સ્ટેન્ડે ઊતરીને સૌથી પહેલી પેટપૂજા કરવા ક્યાં જાય? યસ.. તમે સમજી ગયા... આજે 'ટેસ્ટ ઓફ ગુજરાત' સિરીઝમાં આપણે વાત કરીશું લગભગ એક સદી જૂના અને અમદાવાદની શાન ગણાતા રાયપુર ભજિયા હાઉસની. વર્ષ 1933માં રાયપુર ભજિયા હાઉસની શરૂઆત થઈ હતી અને આજે 89 વર્ષે પણ તેનો સ્વાદ, તેની શાન અને તેની લહેજત અકબંધ છે.

મંત્રીઓ પણ રાયપુરના ભજિયાની લહેજત માણતા
અમિત શાહ હોય કે પ્રદીપસિંહ.. બધા રાયપુરના ભજિયાના શોખીન છે. અગાઉ અમિતભાઈ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત રાત્રિના સમયે તેઓ રાયપુરના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ પરમાર અને જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ સાથે રાયપુરના ભજિયાની લહેજત માણવા જતા હતા. તેઓ રાયપુર ભજિયા હાઉસના માલિક સુભાષભાઈ પટેલને કહીને સ્પેશિયલ કડક ભજિયાનો ઘાણ તળાવતા અને ત્યાં રાયપુર ચાર રસ્તાના મિની ખાણીપીણીના બજારમાં જ ટેબલ પાથરીને બેસતા ને ગરમાગરમ ભજિયા સ્વાદ ણતા.

ગરમાગરમ ખાય તેની દાઢે ના વળગે તો નવાઈ નહીં
રાયપુરના ભજિયાની આમ તો ઘણી ખાસિયતો છે પરંતુ તેની મહત્તા કેટલી છે તેની વાત કરીએ. મિત્રો.. તમને કહી દઈએ કે રાયપુરના ભજિયાની સાથે ના તો ચટણી મળે છે કે ના કઢી કે મરચાં. અરે.. બીજું તો ઠીક, ત્યાં દુકાન બહાર રોડ પર ઊભા ઊભા ભજિયા ખાનારા માટે પીવાના પાણી કે પાર્સલ ભજિયાનું પેકેટ લઈ જવા માટે કેરી બેગ પણ નથી અપાતી. આમ છતાં રોજ 100 કિલો અને તહેવારોમાં તો દિવસનો 150 કિલોથી વધુ ભજિયાનો માલ વેચાઈ જાય છે. આનું એક જ કારણ છે કે, એનો સ્વાદ જે એક વાર ગરમાગરમ ખાય તેની દાઢે ના વળગે તો નવાઈ નહીં.

સુરેશભાઈ ભટ્ટ 50 વર્ષથી રાયપુરના ભજિયાના નિયમિત ગ્રાહક
"હું પહેલાં અચાભાઈ મિલમાં નોકરી કરતો હતો ને એ વખતે રાયપુર ચકલામાં રહેતો. પહેલી પાળી હોય કે બીજી પાળી.. અમારું ખાતું છૂટે એટલે અમે ચાર દોસ્તારો સાઈકલ લઈને સીધા (રાયપુર) દરવાજે જ ભેગા થઈએ. અહીં 500 ગ્રામ ભજિયા લઈને ચારેય જણા પડીકામાં ખાઈએ ને પછી જ ઘરે જવાનું. ઘરે ખબર પડી તો ઘરના પણ પડીકાં મંગાવવા લાગ્યાં. છોકરા મોટા થયા ને સેટેલાઈટ રહેવા ગયા, છતાં અઠવાડિયે એક વાર અમે બે દોસ્તો (બે ગુજરી ગયા છે) અહીં ભેગા થઈએ જ.. 200 ગ્રામનું પડીકું લઈને એ દિવસોને યાદ કરતાં કરતાં ભજિયા ખાઈએ તો આંખમાંથી પાણી નીકળી જાય..." આ શબ્દો છે સુરેશભાઈ ભટ્ટના જેઓ છેલ્લાં 50 વર્ષથી રાયપુરના ભજિયાના નિયમિત ગ્રાહક છે.

આ ભજિયા સાથે નથી ચટણી મળતી કે નથી મળતી કઢી
તો નજીકની વિવેકાનંદ કોલેજમાં ભણતા સૌરભ ચૌધરીની યાદો જરાક અલગ પ્રકારની છે. એકલા ખૂણામાં ઊભાં ઊભાં 200 ગ્રામ ભજિયાનું પડીકું એક હાથમાં પકડીને સૌરભ બીજા હાથે ગરમાગરમ ભજિયાનો સ્વાદ માણતો હતો. તેણે કહ્યું, આ ભજિયાની તોલે કોઈ ના આવી શકે. અમારા જેવા બહારગામથી અહીં ભણવા આવતા સામાન્ય ઘરના છોકરાઓ તો ઘણી વાર 100-200 ગ્રામ ભજિયા ખાઈને એક ટંકનું જમવાનું કરી લે છે. આ ભજિયા સાથે નથી ચટણી મળતી કે નથી મળતી કઢી. એ તો ઠીક, પાર્સલ લઈ જવા પ્લાસ્ટિકની થેલી પણ નથી મળતી. આમ છતાં અહીં કાયમ ભીડ જ હોય.

આજે 89 વર્ષ બાદ પણ ભજિયા એ જ શૈલીમાં બને છે
રાયપુરના ભજિયા હાઉસના માલિક સુભાષભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાયપુર ભજિયાની શરૂઆત બ્રિટિશ સમયમાં મારા પિતા સોમભાઈ મોતીલાલ પટેલે 1933ની સાલમાં કરી હતી. અમદાવાદ શહેરની વસતિ તે સમયે ત્રણ લાખની હતી ત્યારે અંગ્રેજોના જમાનામાં આ ભજિયાની શરૂઆત કરી હતી. આજે 89 વર્ષ બાદ પણ ભજિયા એ જ શૈલીમાં બને છે અને એટલે જ તેના સ્વાદ અને ક્વોલિટીમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે પિઝા-બર્ગરનો જમાનો છે પરંતુ જે ગુજરાતી ફરસાણ કહેવાય છે ફાફડા, ગાંઠિયા અને ભજિયા... તે આજે પણ લોકોમાં પ્રખ્યાત છે.

તહેવારોમાં 150 કિલો સુધી ભજિયાનું વેચાણ
સુભાષભાઈએ ઉમેર્યું હતું કે, સવારે અને બપોરે બે ટાઈમ ભજિયાનો મસાલો બનાવવામાં આવે છે. અમારે ત્યાં મેથીનાં ભજિયા, બટાકાવડા અને બટાકાની ચિપ્સ એમ ત્રણ જ વેરાઇટીના ભજિયા ગરમાગરમ આપવામાં આવે છે. માત્ર શુદ્ધ સિંગતેલમાં જ ભજિયા તળવામાં આવે છે અને તે પણ કોલસાની ભઠ્ઠી પર જેથી તેનો દમ ભજિયાને લાગે. બટાકાવડામાં બારેમાસ કાજુ- દ્રાક્ષ, લીલી હળદર, આંબા હળદર, તાજા ધાણા, લાંબા મરચા અને ખાસ મસાલો નાંખવામાં આવે છે. મેથીનાં ભજીયામાં એકદમ તાજી મેથીની ભાજી અને લાંબા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં રોજના 100 કિલો અને ક્યારેક તહેવારોમાં 150 કિલો સુધી ભજિયાનું વેચાણ થાય છે.

દુકાન ભાડાપટ્ટે લીધી તો દુકાનના માલિકની વિચિત્ર શરત
રાયપુર ભજિયા હાઉસની સફરની શરૂઆત પણ રસપ્રદ છે. રાયપુરના ભજિયાના મૂળ માલિક સોમાભાઈ પટેલ એક વડના ઝાડ નીચે ખૂમચો લઈને ભજિયા ત્યાં જ તળીને વેચતા હતા. પછી તેમણે અત્યારે જે ભજિયા હાઉસની દુકાન છે તે ભાડાપટ્ટે લીધી હતી. સોમાભાઈએ ભાડું પૂછ્યું તો દુકાનના માલિકે વિચિત્ર શરત મૂકી. શરત એ હતી કે આ જગ્યા માટે દુકાનની પાછળ આવેલા ચબૂતરામાં દરરોજ એક મુઠ્ઠી ચણ નાખવાનું. બસ આ જ ભાડું અને આવી શરતે દુકાન ભાડે આપી હતી. એટલે કે આ દુકાનનું ભાડું એક મુઠ્ઠી ચણ નક્કી થયું હતું. વિશ્વાસ નહીં આવે પરંતુ આ જ ભાડા સાથે રાયપુર ભજિયા હાઉસની શરૂઆત થઈ હતી.

રાયપુરના ભજિયાની શરૂઆત સોમાભાઈ પટેલની કરી
અમદાવાદમાં કોઈ પણ ખૂણે રહેતો વ્યક્તિ તક મળે એટલે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે રાયપુરના ભજિયા ખાવા ચોક્કસ આવે છે. રવિવાર હોય કે પછી સોમવાર હોય, ભજિયા ખાવા માટે અહીં મોટાભાગે લાઈન જોવા મળે છે. રાયપુરના ભજિયાની સોમાભાઈ પટેલની શરૂઆત કરી હતી અને તેમની ત્રીજી પેઢીએ પણ ભજિયાની ગુણવતાથી લઈ તમામ બાબત જાળવી રાખી છે. કોઈ પણ સિઝન હોય, બટાકાવડામાં બારેમાસ લીલી હળદર, આંબા હળદર અને કાજુદ્રાક્ષ નાખવાના એટલે નાંખવાના જ. હંમેશાં પોતાના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા મોટા બટાકાના જ કોથળા ભરીને લાવવાના.

મેથીના ભજિયા માટે નાસિકથી તેઓ મેથી મંગાવે છે
ખાડિયાના રહેવાસી અને સ્થાનિક કોર્પોરેટર પંકજ ભટ્ટ નાનપણથી રાયપુરના ભજિયાના ચાહક છે. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાયપુર ભજિયા હાઉસ એ ખાડિયા અને અમદાવાદનું ગૌરવ છે. આજે 50 વર્ષથી હું અહીંના ભજિયાનો સ્વાદ માણતો આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મંત્રી સ્વ. અશોક ભટ્ટ સહિતના નેતાઓ આ ભજિયાના ચાહક છે. રાયપુર ભજિયા હાઉસની અનેક ખાસિયતો છે જેની વાત કરીએ તો તેઓ જે બટાકાની ચિપ્સ અને બટાકાવડા બનાવે છે તેના બટાકા તેઓ પોતે જાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે. મેથીના ભજિયા માટે નાસિકથી તેઓ મેથી મંગાવે છે. આ ભજિયાની સાથે ચટણી આપવામાં આવતી નથી તેનું પણ એક કારણ એવું છે કે જ્યારે ભજિયાને ચટણી સાથે ખાવામાં આવે તો સાચો સ્વાદ ભજિયાનો ચટણીમાં જતો રહે છે, ભજિયાનો અસલ સ્વાદ ચટણી વગર જ આવે છે.

ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નહીં
કોઈપણ ફરસાણની દુકાનમાં જાઓ ત્યારે છાપાના કાગળમાં જ ભજિયા કે કોઈપણ ફરસાણનું પેકેટ બનાવીને આપે છે. પરંતુ રાયપુર ભજિયા હાઉસમાં વ્હાઇટ કોરા પેપરમાં જ ભજિયા પેક કરીને આપવામાં આવે છે. તેની પાછળનું એક કારણ એવું છે કે છાપાના કાગળના પ્રિન્ટિંગમાં કેમિકલ વાપરવામાં આવે છે. જેથી કોઈપણ છાપાના કાગળનો ઉપયોગ કરવાની જગ્યાએ તેઓ વ્હાઇટ કોરા પેપરમાં જ ભજિયા આપે છે. તેઓ ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ કરતા નથી. શુદ્ધ સિંગતેલમાં અને ખૂબ જ સ્વચ્છતા સાથે ભજિયા બનાવવામાં આવે છે.

બે ભાઈઓ ભેગા મળી વારાફરતી ભજિયા હાઉસ ચલાવે છે
રાયપુર ભજિયાની શરૂઆત કરનારા મોતીભાઈના બે દીકરા સુભાષભાઈ અને મહેન્દ્રભાઈ અત્યારે વારાફરતી ભજિયા હાઉસ ચલાવે છે. બે ભાઈઓ ભેગા મળી દુકાન ચલાવી શકે તેના માટે આ બંને ભાઈઓના 6 - 6 મહિનાના ભાગ પાડેલા છે. 6 મહિના સુભાષભાઈ અને 6 મહિના મહેન્દ્રભાઈ એવી રીતે બંને દુકાન ચલાવે છે. ધંધા બાબતે કોઈ મતભેદ ન રહે અને પિતાનો આ ધંધો જળવાઈ રહે તેના માટે બંને ભાઈઓના 6 - 6 મહિનાના ભાગ પાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...