વાત કરીએ કાઠું કાઢનારા ગુજરાતી યુવાનોની!:અમદાવાદના આ યુવાનનો આઇડિયા ટેસ્લાના એલોન મસ્કને ગમ્યો, જેણે વ્હોટ્સએપમાં 'EMOji' બનાવી, UNમાં ભારતની વાત કરી

ટીમ ભાસ્કર. અમદાવાદ24 દિવસ પહેલા

નોર્મલી ભારત અને ખાસકરીને ગુજરાતના યુવાનોને બિઝનેસ માઈન્ડેડ કહેવામાં આવે છે. પરંતુ જો તમને કહીએ કે ગુજરાતના એવા પણ યુવાનો છે કે જેમણે વ્હોટ્સએપ, મેટા, ટેસ્લા જેવી વર્લ્ડની ટોપ કંપનીઓમાં જ નહીં પરંતુ છેક યુ.એન.માં ડંકો વગાડ્યો છે તો! ચાલો, આજે આપની મુલાકાત કરાવીએ કેટલાક વિચક્ષણ પ્રતિભા ધરાવતા ગુજરાતી યૂથની.. આમાંથી એક યુવાને વોટ્સએપમાં આવેલ મેસેજ પર ઇમોજી રિએક્શન ટૂલ બનાવ્યું છે, તો બીજો એલોન મસ્કની ટેસ્લા કંપનીમાં ક્વોલિટી એન્જિનિયર છે. જ્યારે એક ગુજ્જુ યુવાને યુનાઇટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

વિદિત મણિયાર...
વાડજથી પે-પાલ ને હવે METAમાં એન્જિનિયર!

વ્હોટ્સએપના ઇમોજી રિએક્શન ટૂલથી તો તમે બધા વાકેફ હશો જેનો છેલ્લા આઠેક મહિનાથી બધા ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, આ ટૂલ ક્રિએટ કરવામાં એક અમદાવાદી યુવાનનું યોગદાન છે. આ યુવાનનું નામ છે વિદિત મણિયાર. અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતો વિદિત હાયર એજ્યુકેશન માટે અમેરિકા ભણવા ગયો. સ્ટડી કમ્પલીટ કર્યા બાદ વિદિતે 5 વર્ષ પે-પાલ કંપનીમાં જોબ કરી. વર્ષ 2021માં વિદિત મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જિનયર તરીકે જોડાયો હતો. શરૂઆતમાં નાના મોટા પ્રોજેકટ કર્યા બાદ વોટસએપમાં રિએક્શન લાવવાનો પ્લાન બનાવ્યો હતો. રિએક્શન ટૂલમાં 6 મહિના જેટલા લાંબા સમયની મહેનત કરીને પ્રોજેકટ પૂરો કર્યો હતો. અત્યારે કરોડો લોકો વૉટસએપમાં રિએક્શન ઇમોજીનો ઉપયોગ કરી રહ્યા છે તે રિએક્શન ભારતના જ યુવાને બનાવ્યું છે.

અમદાવાદમાં ફિઝિક્સ ટીચર તરીકે જોબ પણ કરી
વિદિતે 9 થી 12 ધોરણ સુધી એચબી કાપડિયા સ્કૂલમાં ભણતો હતો. વિદિતે 12 સાયન્સ કરીને ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કર્યું હતું. એચબી કાપડિયા સ્કૂલમાં જ વિદિતને પહેલી નોકરી મળી હતી. જેમાં તે શિક્ષક તરીકે ફિઝિક્સ ભણાવતો હતો. ત્યારબાદ વિદેશ જવાની તક મળતા હાયર એજ્યુકેશન માટે અમેરિકા ગયો હતો.અત્યારે વિદિતની પત્ની પણ તેની સાથે અમેરિકામાં રહે છે અને સેમસંગ કંપનીમાં જોબ કરે છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં વિદિતે જણાવ્યું હતું કે વોટ્સએપ ઈમોજી એ તેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જેનો ગોલ સબસ્ક્રાઇબર્સ સરળતાથી યુઝ કરી શકે તેનો હતો. આ ટૂલ બનવાથી લોકો એકબીજા સાથે ઈમોજી દ્વારા કોમ્યુનેટ કરી શકે છે અને ઓછો ડેટા તથા સ્ટોરેજ સ્પેસ પણ રોકાય છે. અબજો લોકોના જીવનમાં વોટ્સએપથી પરિવર્તન આવ્યું છે. મને ગર્વ છે કે મેં રિએક્શન ટૂલ બનાવવાની ટીમમાં કામ કર્યું છે.

વિદિતની પ્રસંશા થતાં અમને ગર્વ થાય છેઃ પિતા
વિદિતના પિતા નયનભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મને ગર્વ છે મારો દીકરો અમદાવાદથી ભણીને વિદેશ ગયો અને વિદેશ જઈને આટલી મોટી કંપનીમાં નોકરી કરે છે. તે શરૂઆતથી ભણવામાં હોશિયાર હતો. હજુ તેને પીએચડી કરવું છે, અને આજે તેની પ્રશંસા સાંભળીને પણ અમને આનંદ થાય છે. વિદિતના માતા નયનાબેને જણાવ્યું હતું કે, અમારા દીકરાએ અમારું જ નહીં પરંતુ દેશનું નામ રોશન કર્યું છે. અમે એકમાત્ર તેની પાછળ મહેનત નથી કરી તેના સ્કૂલના ટીચર, પ્રિન્સિપલ, મિત્રો આમ તમામ લોકોએ મહેનત કરી છે. આજે દીકરો જે કામ કરી રહ્યો છે તેનો તમામ લોકોને ફાયદો મળી રહ્યો છે તેનો અમને ગર્વ છે.

અનંત કાલકર
ટેસ્લામાં જ ઈન્ટર્નશીપ ને હવે એન્જિનિયર

આવી જ રીતે અમદાવાદના અનંત કાલકરની સફર પણ રોચક છે. અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ અનંતે સિટીઝન કંપનીની ટેકનિકલ ટીમમાં દોઢ વર્ષ કામ કર્યું હતું. ત્યારબાદ 2020માં માસ્ટરડિગ્રી કરવા અનંત અમેરિકા ગયો. યુએસની યુનિવર્સિટીમાં ભણવાની સાથે સાથે અનંત ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશીપ પણ કરતો હતો. આ ઇન્ટર્નશીપમાં અનંતે ડોર સપ્લાયર માટેનું કામ કર્યું હતું તેના કામની ટેસ્લા કંપની નોંધ લીધી હતી. ટેસ્લાએ અનંતને ક્વોલિટી સપ્લાય એન્જિનિયર તરીકે કંપનીમાં જવાબદારી આપી હતી. અનંતના પિતા કુમાર કાલકર ટોરેન્ટ પાવરમાં એન્જિનિયર છે, જ્યારે અનંતની માતા યોગીની કાલકર ઇન્ડિયન ઓઇલ કંપનીમાં નોકરી કરે છે. અત્યારે અનંત ટેસ્લા કંપનીમાં ડોર માટેની ટેકનોલોજીનું કામ કરી રહ્યો છે.

ભારતીય તરીકે વિશ્વની મોટી કંપનીમાં હોવાનો ગર્વ
અનંતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મને શરૂઆતથી જ મિકેનિકલ એન્જિનિયરિંગમાં રસ હતો જેથી મેં અભ્યાસ કરીને ફરીથી ટેસ્લા કંપનીમાં છે કામ કરવાનું શરૂ કર્યું. મારે ઘણી મહત્વની જવાબદારી નિભાવવાની છે. ભવિષ્યમાં મિકેનિકલ ફિલ્ડમાં જ આગળ વધવું છે. હું ઇન્ડિયા હતો ત્યારે સ્કૂલ, કોલેજ અને મિત્રો તરફથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું જેના કારણે આજે હું આ મુકામ પર પહોંચ્યો છું. મને ગર્વ છે કે હું એક ભારતીય તરીકે વિશ્વની મોટી કંપનીમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યો છું.

મારો દીકરો ટેસ્લામાં હોવાનો ખૂબ આનંદ છેઃ માતા
અનંતના માતા યોગીની બહેને જણાવ્યું હતું કે મારો દીકરો યુ.એસ.માં છે તેનો નહીં પણ તે ટેસ્લા જેવી ટોચની કંપનીમાં મહત્વની જવાબદારી નિભાવે છે તેનો ગર્વ છે અને આનંદ પણ છે. મેં પહેલેથી જ મારા દીકરાને હાર્ડવર્ક શીખવ્યું હતું જેથી મારો દીકરો આજે સફળ થયો છે. અનંતના પિતા કુમાર કાલકરે જણાવ્યું હતું કે સ્કૂલમાં હતો ત્યારથી જ અનંત ભણવામાં ધ્યાન આપતો હતો. તેની મહેનતમાં અમે સાથ આપતા હતા. તેને જે વિષયમાં આગળ વધવું હતું તેમાં અમે તેને સપોર્ટ કરતા હતા. તેના દરેક નિર્ણયમાં અમે તેની સાથે ઉભા રહ્યા છે. આજે મને ગર્વ છે કે મારો દીકરો ઇન્ટરનેશનલ કંપનીમાં એન્જિનિયર છે.

કૃણાલ શાહ
યુનાઈટેન્ડ નેશન્સ ઈકોનોમિક ફોરમમાં છવાઈ ગયો

અમદાવાદનો ત્રીજો યુવાન છે કૃણાલ શાહ જેણે ભારતનું નામ રોશન કર્યું છે. કૃણાલે ખૂબ જ નાની ઉંમરમાં યુનાઇટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. યુનાઇટેડ નેશન્સમાં ઇકોનોમિક ફોરમની 2021ના સપ્ટેમ્બરમાં જીનિવા ખાતેની મહાસભામાં જઈ કૃણાલે ભારતના યુવાઓનો મુદ્દો મૂક્યો હતો. દેશની સમસ્યા પર કઈ રીતે કામ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. ભારતના યુથને લઈને યુનાઇટેડ નેશન્સ તરફથી કેટલાક સૂચનો પણ કૃણાલ ને આપવામાં આવ્યા હતા. જેને લઈને હવે કૃણાલ કામ કરી રહ્યો છે.

મેમનગરના છોકરાએ જીનિવામાં સભા ગજવી
અમદાવાદના મેમનગરમાં 26 વર્ષે કૃણાલ શાહ નામનો યુવક પરિવાર સાથે રહે છે. કૃણાલે 1થી 12 ધોરણ સુધીનો અભ્યાસ એચ.બી. કાપડિયા સ્કૂલમાંથી કર્યો હતો. ત્યારબાદ એસએમપીકે કોલેજમાંથી એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. શરૂઆતથી જ કૃણાલ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પણ તેને રસ હોવાથી તેને એપ્લાય કર્યું હતું. યુવાઓ માટે સ્કિલ, મેન્ટલ હેલ્થ અને ક્લાઈમેટ ચેન્જ પર કામ કર્યું હતું. યુનાઇટેડ નેશનમાં ભારતની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કલાઈમેન્ટ ચેન્જ, યુવાનો માટે સ્કિલ, સમાજના પ્રશ્નો જેમાં જાતીય સમાનતા સહિતના મુદ્દા હતા. આ મુદ્દા પર યુવાઓનો મત જાણવા અને કઈ રીતે કામ કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં કલાઈમેન્ટ ચેન્જ, વેસ્ટ મેનેજમેન્ટ, મેન્ટલ હેલ્થ, ઉદ્યોગ સાહસિકતા, યુવાઓની સ્કિલ પર કૃણાલ અત્યારે કામ કરી રહ્યો છે.

પરિવારમાંથી જ સામાજિક કાર્યની પ્રેરણા મળી
કૃણાલ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે 11મા ધોરણમાં સ્કૂલમાં ઇલેક્શન લડ્યો હતો ત્યારથી મને આગેવાની કરવાનું ગમે છે. આજે આ મુકામ સુધી પહોંચ્યો છું તે માટે મારા કામ સાથે મારી સ્કૂલને પણ શ્રેય આપું છું. ઉપરાંત મારા પરિવારના સભ્યો પણ સામાજિક પ્રવૃત્તિ કરતા હતા જેમાંથી મને પ્રેરણા મળતી હતી. આગળ પણ હું વિવિધ વૈશ્વિક મંચ પર ભારતના યુવાઓના વિચારો વ્યક્ત કરી વિવિધ ઉપાયો શોધવા માગું છું.

અન્ય સમાચારો પણ છે...