અમદાવાદમાં રથયાત્રા કાઢવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની પૂરી તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે સરસપુરના રણછોડજીના મંદિરના મહંત લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે રથયાત્રા કોઈપણ સંજોગમાં કાઢવી જોઈએ, નહિ નીકળે તો હું સખત પગલાં ભરવા તૈયાર છું.
રથયાત્રા કાઢવાની સંતોની માગણી
ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા કાઢવામાં આવી નહોતી, જેથી સંત લક્ષ્મણદાસે આત્મહત્યાની ચીમકી આપી હતી, પરંતુ પોલીસ અને અન્ય સંતોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા અગાઉ લક્ષ્મણદાસે રથયાત્રા કાઢવાની માગણી કરી છે. આ વર્ષે પણ રથયાત્રા નહિ નીકળે તો તેઓ પોતાની રીતે પગલાં ભરશે, એવું જણાવ્યું હતું.
'સરકારે કર્ફ્યૂ રાખી રથયાત્રાનો નિર્ણય લેવો જોઈએ'
સંત લક્ષ્મણદાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રા અંગે અસમંજસ ના હોવું જોઈએ. કેસ ઘટ્યા છે અને તમામ છૂટછાટ આપવામાં આવી છે તો કોઈપણ સંજોગમાં રથયાત્રા કાઢવી જોઈએ. સરકારે કર્ફ્યૂ રાખવો કે પછી લોકોની ભીડ એકઠી ના થવા દેવી, પરંતુ રથયાત્રા કાઢવા અંગે નિર્ણય લેવો જોઈએ. રથયાત્રા નીકળશે તો સૌનું ભલું થશે. રથયાત્રા નહિ નીકળી તો સખત પગલાં લઈશ.
15 વર્ષથી રથયાત્રામાં મામેરાપ્રથા શરૂ થઈ
મંદિર અંગે પણ લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે પહેલાં ભગવાનને વાસણશેરી ખાતેના રણછોડજી મંદિર ખાતે લાવવામાં આવતા હતા, પરંતુ 15 વર્ષથી મામેરાપ્રથા શરુ થઇ ત્યારથી ભગવાનને સરસપુર ચાર રસ્તા ખાતેના નવા રણછોડજી મંદિર ખાતે લાવવામાં આવે છે. એ મંદિર રસ્તા પર હોવાથી વધુ લોકો દર્શન માટે આવે છે. આ મંદિર અંદર છે. અમારા જૂના મંદિરમાં રથયાત્રાએ અનેક સંતો આવે છે, જેમને જમાડવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે.
ગત વર્ષે રથયાત્રાને મંજૂરી નહોતી મળી
નોંધનીય છે કે ગત વર્ષે હાઇકોર્ટે રથયાત્રાને મંજૂરી ન આપ્યા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે આ વર્ષે હું તમને ભગવાનનાં દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું હતું કે જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો એ સૌ ભક્તો અને અમને ભારે પડ્યો છે.
રથયાત્રા ન નીકળતાં મહંત લક્ષ્મણદાસજીએ ઠાલવ્યો હતો આક્રોશ
બીજી તરફ, સરસપુર રણછોડરાયજી મંદિરના મહંત લક્ષ્મણદાસજીએ પણ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે ‘રાજ્યના મુખ્યમંત્રી, મંદિરના ટ્રસ્ટી અને મહંતનું અકાળે મૃત્યુ થવાને કારણે શોક અનુભવીએ છીએ!’. તેઓ આડકતરી રીતે કહેવા માગતા હતા કે મંદિરના ટ્રસ્ટી અને મહંત દ્વારા રથયાત્રા ન કાઢવામાં આવી એનું તમને ખૂબ જ દુઃખ થયું'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.