હાલમાં રાજ્યભરમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં PSI-LRD બંનેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે, જ્યારે માત્ર LRDના ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે. જોકે હાલમાં જ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યની ઘટના બની હતી. જે બાદ સરકારી ભરતીની તૈયારી કરતા ઘણા ઉમેદવારોના મનમાં અન્ય પરીક્ષામાં ગેરરીતિ થવા અંગે શંકા ઉપજી રહી છે. જોકે LRDની ભરતીમાં ગેરરીતિને કોઈ સ્થાન નથી અને આ મામલે ઉમેદવારોને નિશ્ચિત રહીને માત્ર તૈયારી કરવા પર હસમુખ પટેલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.
ટેકનોલોજીની મદદથી ભરતીમાં પારદર્શિતા જળવાશે
હસમુખ પટેલ દ્વારા હાલમાં જ એક ટીવી કાર્યક્રમમાં ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે લેવાયેલા પગલા અંગે જાણકારી આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, ભરતીમાં પારદર્શિતા જળવાય એ માટે ઓનલાઈન એપ્લિકેશન મંગાવીએ છીએ, ફિઝિકલ પરીક્ષા RFID ટેગની મદદથી કરીએ છીએ. લેખિત પરીક્ષા OMRની પદ્ધતિથી કરીએ છીએ અને વર્ગ 3ની જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂની જોગવાઈ સરકારે રાખી નથી. એટલે હ્યુમન એરર કે માનવીય હસ્તક્ષેપનો એમાં કોઈ સ્કોપ નથી. બધી વસ્તુ ટેકનોલોજીની મદદથી થાય છે, એટલે એમાં કોઈ કોઈને મદદ કરી શકે, લાગવગ કરી શકે એવી શક્યતા નથી.
'પૈસા લઈને નોકરી આપવાની લાલચ આપતા લોકો લૂંટારું છે'
તેઓ વધુમાં ઉમેરે છે કે, ઘણીવાર ઉમેદવારો, મારાં સગાઓ પૂછતા હોય છે કે આમા સેટિંગ તો નહીં થઈ ગયું હોય ને અથવા તો આમા સેટિંગ થઈ જાય છે, સાહેબ ગમે તેવા રહ્યા પણ બધું તેમના હાથમાં નથી હોતું. તો ઉમેદવારોને હું એમ કહીશ કે ભરતીમાં કોઈ લાગવગ કે ગેરરીતિ ન થાય તે માટે આટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં જો કોઈ તમને આટલા પૈસા આપો અમે ભરતી કરાવી આપીશું, અમે આટલા લોકોની ભરતી કરાવી છે, એમ કહે તો એ બધા લૂંટારું છે અને તમે લાલચમાં આવશો નહીં. આવા લોકોને અમે જેલના સળિયા પાછળ ધકેલવા માંગીએ છીએ, પણ આવા લોકોની માહિતી તમારે અમને આપવી પડશે. કોઈ આવી વાત કરતું હોય તો તેમનું રેકોર્ડિંગ કરો, ઓડિયો, વીડિયો રેકોર્ડિંગ કરી શકો તો કરો, ના હોય તો પણ અમને માહિતી આપો. અમે કડક કાર્યવાહી કરીશું. ભરતી પારદર્શિત કરવી હશો તો તમારે પણ આવી શંકામાંથી દૂર થવું પડશે.
માર્ચ મહિનામાં પરીક્ષા લેવાનું અચૂક આયોજન
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 2.88 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં LRDના ઉમેદવારોની કસોટી ચાલી રહી છે, પુરુષોની શારીરિક કસોટી 25 જાન્યુઆરીએ પૂર્ણ થશે, જ્યારે મહિલા ઉમેદવારોની કસોટી 29 જાન્યુઆરીએ પૂર્ણ થવાની છે. પ્રીલિમ્સ પરીક્ષા ફેબ્રુઆરીના અંત અથવા માર્ચમાં યોજાઈ શકે છે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય, માર્ચમાં પરીક્ષા કરવાનું અચૂક આયોજન છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર બે કલાક પહેલા ફરતું થયું
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રાજ્યનાં 6 સેન્ટર પર યોજાઈ હતી. તમામ સેન્ટરો પર મળી કુલ 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. AAPના નેતાએ દાવો કર્યો હતો કે હેડ કલાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી, પરંતુ પેપરમાં પુછાયેલા સવાલના જવાબો સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે પેપર મેળવીને, એને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.