કોર્સ બદલાશે:ટેકનિકલ કોલેજોમાં ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના ટેકનિકલ કોર્સ રીસ્ટ્રકચર થશે, 12 સભ્યોની કમિટી રચાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેકનિકલ કોલેજોની શિક્ષણમંત્રી સાથે મળેલી બેઠકમાં કોર્સીસમાં ફેરફાર અને વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે ચર્ચાઓ થઈ
  • કોલેજોના અધ્યાપકો અને વિષય નિષ્ણાંતોની કોર કમિટી સહિત ત્રણ કમિટીની રચના કરવામા આવી

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજો તેમજ સરકારી પોલીટેકનિકો ખાતે ચાલતા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ અને હાલની જરૂરીયાત મુજબ ફેરફાર કરવા તેમજ કોર્સીસને રીસ્ટ્રકચર કરવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે.જેને લઈને સરકારની સૂચનાથી ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી-ડિપ્લોમા ઈઝનેરી સહિતના ટેકનિકલ કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે કમિટીઓની રચના કરવામા આવી છે.ટેકનિકલ કોલેજોની શિક્ષણમંત્રી સાથે મળેલી બેઠકમાં કોર્સીસમાં ફેરફાર અને વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ ખાલી રહેતી બેઠકો સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી.

કોર્સીસના રીસ્ટ્રકચરિંગ માટે 12 સભ્યોની કોર કમિટી રચાઈ
શિક્ષણ મંત્રી સાથે થયેલી ચર્ચામાં ટેકનિકલ કોલેજોના વિવિધ કોર્સીસમાં ફેરફાર કરવા અને કોર્સીસને રીસ્ટ્રક્ચર કરવા માટે પણ ચર્ચા થઈ હતી.જેને લઈને સરકારે આગામી શૈક્ષણિક વર્ષમાં નવા કોર્સીસ શરૃ કરવાથી માંડી કોર્સીસમાં ફેરફાર કરવા માટે એક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી છે.આ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો અને વિષય નિષ્ણાંતોની કોર કમિટી સહિત ત્રણ કમિટીની રચના કરવામા આવી છે.જેમાં સરકારી ટેકનિકલ કોલેજોના કોર્સીસના રીસ્ટ્રકચરિંગ માટે 12 સભ્યોની કોર કમિટી રચવામા આવી છે.

કોણ કોણ છે કોર કમિટીમાં?
આ કમિટીમાં ભાવનગર સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના આચાર્ય ચેરમેન છે અને બાકીના ત્રણ સબ્જેકટ એક્સપર્ટ છે ,જેઓ પણ ત્રણ સરકારી કોલેજોના આચાર્ય છે. આ ઉપરાંત જીટીયુ અને ડીટીઈના એક-એક અધિકારી સભ્ય છે તેમજ અન્ય બે બહારના સબ્જેક્ટ એકસપર્ટ તેમજ ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ સમિતિના ત્રણ અધિકારીઓ પ્રવેશના આંકડા સહિતનો ડેટા આપવા માટે કમિટીમાં મુકવામા આવ્યા છે. સરકારી ઈજનેરી કોલેજોના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે 9 સભ્યોની અને સરકારી પોલિટેકનિકોના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે 13 સભ્યોની કમિટી રચવામા આવી છે.

કોર્સ ગ્રુપ માટેનો રિપોર્ટ તૈયાર કરી કોર કમિટીને આપવાનો રહેશે
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના હાલના નિયમો મુજબ સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીના કયા કોર્સીસમાં-કઈ બ્રાંચના કોર્સમાં ફેરફાર કરવો અને કયા પ્રકારના નવા અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ હાલની ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીની જરૃરીયાત પ્રમાણે કેવા પ્રકારના કોર્સ તૈયાર કરવા તે તમામ બાબતો અંગે આ કમિટીઓ વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આગામી વર્ષ 2022-23 માટે AICTEની મંજૂરીમાં સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના કોર્સમાં ફેરફાર કરવાની કાર્યવાહી થઈ શકે તે માટે કોઓર્ડિનેટરોને તેમના કોર્સ ગ્રુપ માટેનો રિપોર્ટ તૈયાર કરી કોર કમિટીને આપવાનો રહેશે.કમિટીઓના રિપોર્ટ બાદ આગામી શૈક્ષણિક વર્ષ માટે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના કોર્સીસમાં મહત્વના ફેરફાર થશે.

અન્ય સમાચારો પણ છે...