વસ્ત્રાલની એક સોસાયટીના ચેરમેનને ગેરકાયદે બાંધકામ મુદ્દે મ્યુનિ.એ નોટિસ ફટકારી હતી. આ સોસાયટીમાં રહેતી એક મહિલા મ્યુનિ.માં નોકરી કરતી હોવાથી તેણે નોટિસ અપાવી હોવાની શંકાના આધારે ચેરમેને સોસાયટીના બે સભ્યો સાથે મળીને યુવતી સાથે બોલાચાલી કરી શારીરિક અડપલા કરી માર મારતાં રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વસ્ત્રાલની એક સોસાયટીમાં એક મહિલા પરિવાર સાથે રહે છે અને કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. સોસાયટીમાં અગાઉ ગેરકાયદે બાંધકામ થતાં સોસાયટીના કોઈ વ્યક્તિએ કોર્પોરેશનમાં અરજી કરી હતી. જેના પગલે કોર્પોરેશન તરફથી સોસાયટીના ચેરમેન ભરત પટેલને નોટિસ મળી હતી. આ ઘટના બાદ મ્યુનિ.માં ફરજ બજાવતી મહિલાએ નોટિસ અપાવી છે તેવી શંકા રાખી ચેરમેન અવારનવાર મહિલાને પરેશાન કરતા હતા અને મહિલા સામે ખરાબ નજરે જોતા હતા.દરમિયાન પાંચ દિવસ પહેલા મહિલાના બ્લોકની ગટર લાઇન ખરાબ થતા તેમણે સોસાયટીના ચેરમેનને જાણ કરતા તેમણે જાતે રિપેરિંગ કરાવી લેવાનું કહ્યું હતું.
સોમવારે રાત્રે મહિલા બ્લોક નીચે આવ્યા હતા ત્યારે સોસાયટીના ચેરમેન ભરતભાઈ તથા સભ્યો સંજયભાઈ અને સુરેશભાઈ તેમને મળ્યા હતા. આ વખતે તેમણે ગટરની વાતચીત કરતા સુરેશભાઈએ મહિલાનો હાથ પકડીને કહ્યંુ હતું કે તું કેમ કોર્પોરેશનથી સોસાયટીને નોટિસ અપાવે છે. ત્યારબાદ તેમના તરફ ખેંચવા જતા મહિલાએ પોતાનો હાથ છોડાવ્યો હતો. તે વખતે ભરતભાઈ તથા સંજયભાઈએ મહિલાને ગાળો બોલવા લાગ્યા હતા. એટલીવારમાં સુરેશભાઈની પત્ની ત્યાં આવ્યા હતા અને મહિલાને પકડીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા જેથી મહિલાએ બૂમાબૂમ કરતા તેમના પતિ તથા પાડોશી આવતાં તેમને પણ માર માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.