અભેદ્ય સુરક્ષા:અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસથી લઈને ચેતક કમાન્ડો સુધીની ટીમો તહેનાત, 15 ડ્રોન કેમેરાથી બાજ નજર રખાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા રૂટમાં આવતા 8 પોલીસ સ્ટેશનોમાં મીની કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ
  • દરિયાપુરમાં 9 સ્થળોએ 18 સીસીટીવી કેમેરા લગાવાશે

અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત 144મી ભવ્ય રથયાત્રા માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિર તેમજ રૂટમાં આવતા સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીએ જગન્નાથ નિજ મંદિરની મુલાકાત લઈ મંદિરના મહંતશ્રી દિલિપદાસજી મહારાજ સહિત ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક કરી રથયાત્રા સંદર્ભે વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. કોરોના વચ્ચે આ વર્ષે ત્રણ લેયરમાં રથયાત્રા નીકળશે.

રથયાત્રામાં શાંતિ અને સલામતીના જરૂરી પગલાં લેવાયા
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ચોક્કસ માર્ગદર્શિકા મુજબ રથયાત્રા યોજવાનું નક્કી કર્યું છે. આ રથયાત્રા ગુજરાત જ નહીં દેશ આખા માટે આસ્થાનો વિષય છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

દરિયાપુરમાં રથયાત્રાની સમીક્ષાનું નિરીક્ષણ કરતા પ્રદીપસિંહ જાડેજા
દરિયાપુરમાં રથયાત્રાની સમીક્ષાનું નિરીક્ષણ કરતા પ્રદીપસિંહ જાડેજા

12 વાગ્યા સુધીમાં રથ નિજ મંદિર પરત ફરશે
જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મુર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવારે 7 વાગ્યે જગન્નાથજી મંદીરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, પિત્તળીયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈ નિજ મંદીરમાં લગભગ બપોરે 12 કલાક સુધીમાં નિજ મંદિરે પરત ફરશે.

રથયાત્રા રૂટ પર થ્રી લેયર સુરક્ષા
મંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં આ વર્શે પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુ, ખાડીયા તથા દરિયાપુર એમ 8 પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહી પરંતુ ACP તથા તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને વોકીટોકી સેટ ફાળવવામાં આવશે. રથયાત્રાનું લાઈવ મોનીટરીંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઈવ મોનિટરીંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાશે.

જ્યારે રૂટ પર આવતા 7 પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી વ્હિકલ દ્વારા પેટ્રોલીંગ કરાશે. મુવીંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા ગોઠવાનાર છે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતાંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૂત્તિ અટકાવવા માટે બોંબ ડીટેક્શન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડની 10 ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે.

રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

15 ડ્રોનથી રથયાત્રા પર નજર રખાશે
રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધીઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈ પણ જગ્યાએ પ્રસાદ વિતરણ કે સ્વાગત વિધી માટે હોલ્ટ કરવામાં આવશે નહીં.

9 સ્થળોએ 18 કેમેરા દ્વારા મોનિટરિંગ
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડી.સી.પી, 14 એ.સી.પી., 44 પી.આઈ., 98 પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં રહેશે.આ વિસ્તારમાં 9 સ્થળોએ લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનીટરીંગ કરવામાં પણ આવશે. સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.