ગુજરાત ભાજપનું મિશન અવધ:UPના અવધ ક્ષેત્રની 82 બેઠક પર ગુજરાત ભાજપના 165 નેતા-કાર્યકરોના ધામા, મોદી-શાહ-યોગીનું ગામેગામ બ્રાન્ડિંગ કરી રહી છે ટીમ ગુજરાત

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • દોઢ મહિનાથી અવધના ગામેગામ ખૂંદી રહ્યા છે ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યો-કોર્પોરેટર-સંગઠનના હોદ્દેદારોની ટીમ
  • શક્તિ કેન્દ્રથી માંડીને પેજ-પ્રમુખ સુધીની ફોર્મ્યુલાનો અમલ, ચૂંટણી પૂરી થવા સુધીની સંપૂર્ણ જવાબદારી સોંપાઈ

ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ વખતે ગુજરાત મોડલથી જ સંપૂર્ણ પ્રચાર-પ્રસાર કરી રહ્યો છે. એમાં પણ અવધ ક્ષેત્રની 82 બેઠક પર ફરી ભગવો લહેરાવવા ગુજરાત ભાજપના 165 નેતા છેલ્લા એક મહિનાથી મેદાનમાં ઊતર્યા છે. અહીંના 11 જિલ્લામાં ગુજરાત ભાજપના નેતાઓ પેજ-પ્રમુખની ફોર્મ્યુલા સાથે ઘેર-ઘેર પ્રચાર કરી રહ્યા છે. આ નેતાઓમાં ગુજરાત ભાજપના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા-શહેરના સંગઠનના આગેવાનોનો સમાવેશ થાય છે. આ તમામ તેમના શિડયૂલ મુજબ કામગીરી કરી રહ્યા છે અને હવે ચૂંટણી પૂરી થયે જ ગુજરાત પરત ફરશે, એમ અવધ ગયેલા ગુજરાત ભાજપના એક અગ્રણી નેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે.

ભાજપ માટે UP જીતવા અવધ કેમ મહત્ત્વનું
દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં યુપી ગયેલા ગુજરાત ભાજપના નેતાએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં અવધ ક્ષેત્રની 82માંથી 67 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જોકે એ પહેલાં 2012માં આ વિસ્તારમાં ભાજપ માત્ર 5 બેઠક જીતી શક્યું હતું. આ સ્થિતિમાં ભાજપ અવધને કોઈપણ સંજોગોમાં હાથમાંથી નીકળવા દેવા માગતું નથી. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા દિગ્ગજ નેતાઓ અહીં સભાઓ યોજી રહ્યા છે. અવધ ક્ષેત્રની મજબૂત પકડ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને આશીર્વાદરૂપ સાબિત થશે. અત્યારે આ ક્ષેત્રની 16 લોકસભા બેઠકમાંથી 13 પર ભાજપનો કબજો છે. આ બેઠકો પર પાસી, રાજભર, વાલ્મીકિ, ધોબી જ્ઞાતિનું વર્ચસ્વ છે.

ગુજરાતના મોડલ પર કઈ રીતે કામ થઈ રહ્યું છે?
ગુજરાતમાં 25 વર્ષથી ભાજપ અવિરત સત્તા પર છે અને એમાં પણ 2002ની ચૂંટણી પછી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. આમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની સંગઠનને મજબૂત કરવાની કુનેહની મુખ્ય ભૂમિકા હતી. મોદી-શાહની પેજ-પ્રમુખની ફોર્મ્યુલા જ આ સફળતાનું રહસ્ય છે. ઉત્તરપ્રદેશમાં ભાજપનું સંગઠન ગુજરાત જેવું સીઝન્ડ નથી. આ માટે ગુજરાતથી કાર્યકરો અને નેતાઓ ત્યાં જઈને સંગઠનના હોદ્દેદારોને પેજ-પ્રમુખ અને ગામેગામ જઈને વિકાસની વાતો પહોંચાડવાની ફોર્મ્યુલા શીખવી રહ્યા છે.

કયા-કયા મુખ્ય નેતાઓને જવાબદારી અપાઈ?
અમદાવાદના સાંસદ હસમુખ પટેલ હાલ અવધના બલરામપુર જિલ્લામાં જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા, જગદીશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ પટેલ પણ હાલ અવધમાં જ છે. વડોદરાના મેયર કેયૂર રોકડિયા હાલ લખનઉમાં છે. આ ઉપરાંત માજી ધારાસભ્યો સહિતના ટોચના કાર્યકરો હાલ અવધને ખૂંદી રહ્યા છે. જનક પટેલ હાલ અવધના પ્રદેશ પ્રવાસી પ્રમુખ છે. એ ઉપરાંત કાંતિ અમૃતિયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મહેશ કસવાલા, પ્રવીણ પટેલ, રમણ વોરા, ધનસુખ ભંડેરી સહિતના અગ્રણીઓ પણ અવધમાં જ છે.

એક જિલ્લામાં બે પ્રભારી, દરેક બેઠક પર બે-બે કાર્યકર
ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી ગુજરાત ભાજપ સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટર, જિલ્લા તાલુકાના સંગઠનના આગેવાનો સાથે પ્રદેશના નેતાઓને 10થી 15 દિવસ ત્યાં જ રોકાઈને પ્રચાર-પ્રસારની કામગીરી સોંપવામાં આવી છે. આ માટે અવધ ક્ષેત્રમાં એક પ્રવાસી અધ્યક્ષ ઉપરાંત 11 જિલ્લામાં ભાજપના કુલ 22 જિલ્લા પ્રભારીને પ્રચારની ધૂરા અપાઈ છે. આ જિલ્લાની પ્રત્યેક વિધાનસભા બેઠક પર ગુજરાત ભાજપના 2-2 કાર્યકરને શક્તિ કેન્દ્રની જવાબદારી અપાઈ છે. આ કાર્યકરોનું મુખ્ય કામ ગામેગામ પ્રચાર કરવા ઉપરાંત પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને અસરકારક રીતે લાગુ કરવાનું છે.

ગ્રાસ રૂટની વ્યક્તિને ભાજપનો ખેસ પહેરાવાનો વ્યૂહ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહે ગુજરાત ભાજપના સંગઠનમાં અલગ અલગ પ્રયોગો કર્યા હતા, જેમાં પેજ-પ્રમુખ, પેજ સમિતિ જેવા એકદમ ગ્રાસ રૂટની વ્યક્તિને ભાજપનો ખેસ પહેરાવવાની વ્યૂહરચના અપનાવી હતી, જે એકદમ સફળ થઈ હતી, જેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ શરૂ કર્યો હતો, પણ એની ટ્રેનિંગ આપવામાં ગુજરાત ભાજપ કેટલાક ચુનંદા આગેવાનોને કામગીરી સોંપવામાં આવી હતી. આ ફોર્મ્યુલાને ફરી યુપીમાં દોહરાવાઈ રહી છે.

લખીમપુર કાંડ પછી યોગીની અવધ પર ચાંપતી નજર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુરકાંડ પછી અવધના સાંસદો અને ધારાસભ્યો સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં યોગીએ કહ્યું હતું કે સાંસદ-ધારાસભ્યો તમે છો, તમારાં પરિવારજનો નહીં, તેથી પરિવારના લોકો કોઈ રાજનીતિ ના કરે એ સારું રહેશે. સરકારના 100 દિવસની કામગીરી ઘરે ઘરે પહોંચાડવી છે અને બૂથ વિજય અભિયાન વિશે પાર્ટીના કાર્યક્રમોને ગંભીરતાથી લેવા જોઈએ. લખીમપુર ખીરી જિલ્લામાં વિધાનસભાની 8 બેઠક છે. 2012માં ભાજપ પાસે તેમાંથી માત્ર 1 બેઠક હતી, જ્યારે 2017માં તમામ બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો.

અવધના સ્થાનિક મુદ્દાઓ ઉકેલવા પર મહત્તમ ફોકસ
ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણીમાં વિપક્ષના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો તો એમાં બેરોજગારી, મોંઘવારી, મહિલાઓની સુરક્ષા, ભ્રષ્ચાચાર, રસ્તાઓની ખરાબ સ્થિતિ, આરોગ્યની સારી સુવિધાનો અભાવ મુખ્ય રહેશે. આની સામે ભાજપ વિકાસના મોડલને પ્રજા સમક્ષ પ્રસ્તુત કરવાની વ્યૂહરચના સાથે ચૂંટણીજંગમાં ઊતર્યો છે. ભાજપના ગુજરાતના નેતાઓ વિકાસનાં કામોની વાતોને પ્રજા સુધી પહોંચાડવામાં માહેર છે અને એ જ કૂનેહ તેઓ યુપીના નેતાઓ અને કાર્યકરોને શીખવી રહ્યા છે.

પેજ-પ્રમુખની કામગીરી પર પણ ગુજરાતી નેતાની વોચ
ગુજરાત ભાજપના નેતાઓ કે જે અવધ ક્ષેત્રની 82 બેઠક પર ભાજપના વિજય માટેના ટાર્ગેટ સાથે પ્રચાર કરી રહ્યા છે, જેમાં પ્રદેશના આગેવાનો અને નેતાઓ સાથે બેઠકો કરે છે. એ પછી વિધાનસભા (મંડલ) પ્રમાણેના આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યા છે. એ પછી પેજ-પ્રમુખોની નિમણૂક અંગેનું એનાલિસિસ કરવામાં આવે છે. એની સાથે સાથે જેટલી વિધાનસભા બેઠક પર પેજ-પ્રમુખની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં ગુજરાત ભાજપના આગેવાનો જઈને ગુજરાત પેટર્નથી પેજ-પ્રમુખોની જવાબદારી સોંપી રહ્યા છે અને તેમની કામગીરી પર વોચ રાખી રહ્યા છે.

ગામેગામ સરકારી યોજનાનો જોરશોરથી પ્રચાર
એટલું જ નહીં, ગુજરાત ભાજપ આગેવાનો ઉત્તરપ્રદેશ ભાજપના નેતાઓને સાથે રાખી ગામડાંમાં ફરી રહ્યા છે. એમાં કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી આવા લાભાર્થીઓને રૂબરૂ મળી રહ્યા છે અને ભાજપ સરકાર અને તેની કામગીરી સમજાવી રહ્યા છે. ખાસ કરીને અવધના જે વિસ્તારમાં અગાઉની ચૂંટણીમાં ઓછા મત મળ્યા હતા એની યાદી અનુસાર એ વિસ્તારમાં ગુજરાત ભાજપના નેતાઓ ઘેર ઘેર ફરીને એક સર્વે પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...