ભાસ્કર એક્સક્લૂસિવ:શિક્ષકો જે શિક્ષણકાર્યથી આગળ વધ્યા, કોઈ સ્કૂલ માટે 40 લાખનું દાન લાવ્યા, કોઈએ વોશરૂમમાં જાતે ટાઇલ્સ લગાવી

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
અમદાવાદ - Divya Bhaskar
અમદાવાદ
  • આજે શિક્ષક દિને મળો એવા શિક્ષકોને જેમણે વર્ગખંડની બહાર જઈ વિચાર્યું
  • પોતાની બે વિદ્યાર્થિની સાયન્સમાં સારો અભ્યાસ કરી શકે તે માટે શિક્ષિકાએ 3 લાખ સુધીની ફી ભરવાનું નક્કી કર્યું

આજે શિક્ષકો વર્ગખંડની ચાર દીવાલોમાંથી બહાર આવીને શિક્ષણ કાર્ય ઉપરાંત બાળકોનાં વાલીઓ તરીકે પણ વિચારી રહ્યા છે. બાળકોના માત્ર અભ્યાસ પૂરતા નહીં, પરંતુ સારા ભવિષ્ય માટે પણ કામ કરી રહ્યા છે. અમદાવાદના આવા જ ત્રણ શિક્ષકોએ શિક્ષણકાર્યથી આગળ જઈ ઉમદા કાર્ય કર્યાં છે.

પ્રિન્સિપાલ 10 વર્ષ દરમિયાન 42 લાખની વસ્તુઓનું દાન લાવ્યાં
થલતેજની ડિજિટલ સ્કૂલનાં પ્રિન્સિપાલ 10 વર્ષ દરમિયાન 42 લાખની વસ્તુઓનું દાન લાવ્યાં છે, એક શિક્ષિકાને ગર્લ્સ વોશરૂમમાં ટાઇલ્સ લગાવવા કોઇ કારીગર ન મળતા તેમણે જાતે જ વોશરૂમમાં ટાઇલ્સ લગાવી દીધી, તો એક શિક્ષિકાએ પોતાની બે વિદ્યાર્થિનીઓ સાયન્સમાં સારો અભ્યાસ કરી શકે તે માટે 3 લાખ સુધીની ફી ભરવાનું નક્કી કર્યું છે.

કારીગરો આવવા તૈયાર ન થતાં ગર્લ્સ વોશરૂમમાં જાતે કામ કર્યું
હું બાવળામાં ભણાવતી હતી, જ્યાં વિદ્યાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધુ હતું. આથી તેમને વ્યસનમુક્ત કરવાનું નક્કી કર્યું. આથી જો કોઈ વિદ્યાર્થી તમાકુ ખાઈ આવે તો હું તેને મામેજો (આયુર્વેદિક વનસ્પતિ) ખવડાવતી, જેથી તેનું સ્વાસ્થ્ય સુધરે. સ્કૂલમાં ગર્લ્સ વોશરૂમની સ્થિતિ ખરાબ હતી. કારીગરોને ઊંચી મજૂરી આપવા તૈયાર હતા છતાં કોઈ આવતું ન હતું. અંતે મેં સ્ટાફ સાથે મળી સિમેન્ટ, રેતી લાવી જાતે ટાઇલ્સ લગાવી દીધી. > રોહિણી ત્રિવેદી, જુહાપુરા હાઈ સ્કૂલ

હું બે વિદ્યાર્થિનીની ફી ભરી તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરીશ
મારી સ્કૂલમાં બે બહેનો હતી. તેના પિતા શાકભાજી વેચે છે. બંનેને ધો.10માં 97 પર્સન્ટાઇલ આવ્યા હતા, તેથી અમે તેને વિજ્ઞાન લેવા સમજાવી, પરંતુ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સાયન્સ લઈ શકે તેમ ન હતી. આથી મેં બંનેની સ્કૂલની ફી ભરવાનું નક્કી કર્યું. હાલ વસ્ત્રાલની સ્કૂલમાં તેમનું એડમિશન કરાવ્યું છે. સાયન્સની ફી 3 લાખ જેટલી થશે, જે હું ભરીશ. હું તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવામાં નિમિત્ત બનીશ. > જાનકી પટેલ, સિંગરવા સ્કૂલ

10 વર્ષથી દાન ભેગું કરીને સ્કૂલમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરી
હું 10 વર્ષથી થલતેજ સ્કૂલમાં પ્રિન્સિપાલ છું. મેં સ્કૂલમાં અત્યાધુનિક સીસીટીવી, વોશરૂમ, મેદાન વગેરે અદ્યતન સુવિધા ઊભી કરવા 10 વર્ષમાં 42 લાખનું દાન એકત્રિત કરી આ સુવિધા ઊભી કરી છે. ઉપરાંત કોરોના સમયમાં બાળકો પાસે મોબાઇલ ન હોય અને અભ્યાસ પર ખરાબ અસર ન થાય તે માટે ગાર્ડન શિક્ષણ શરૂ કર્યું હતું. અમે દર વર્ષે 10થી 12 બાળકોને વિક્રમ સારાભાઇ સેન્ટરમાં અભ્યાસ માટે મોકલીએ છીએ. - ચિરાગ જોષી, થલતેજ સ્માર્ટ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...