તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક આંદોલન:'શિક્ષણમંત્રી રાજીનામું આપે, 3 દિવસમાં અમારા પ્રશ્નો નહીં ઉકેલાય તો ઉગ્ર રજૂઆત કરીશું', રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની ચીમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • સરકારે શિક્ષકોને બોલાવવા માટે 4200 ગ્રેડ પે મુદ્દે બેઠક બોલાવી છે.
  • વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા નથી આપવી.

ગુજરાતમાં શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે આજે શરૂ થયેલી સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટીકા કરનારા એક શિક્ષકને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે. જો આ શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરાશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ શરુ થઈ ગયો છે. શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલી છે. અમદાવાદમાં 1 ટકા પણ શિક્ષકે સર્વેક્ષણ પરીક્ષામાં ભાગ લીધો નથી. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ હતી.પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરો ચાર વાગ્યા સુધી હાજર રહ્યા હતા. 4 વાગ્યા બાદ પરીક્ષા પૂર્ણ થયા પછી ફરીથી OMR શીટને સીલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખની ચીમકી

રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજીનામું આપે. આજે સર્વેક્ષણમાં 90થી 95 ટકા શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. શિક્ષણમંત્રીએ અધિકારીઓના ગેરમાર્ગે દોરાઈને અમારી વાત સાંભળી નહીં. દેશના કોઈ રાજ્યમાં આવી પરીક્ષા લેવાતી નથી. પરિપત્ર ગૂંચવડા ભર્યો હતો. CCCની પરીક્ષા પણ મરજિયાત કરીને ઘૂસાડી દેવાઈ છે. GCRT આ પરીક્ષા લઈ શકી હોત.

શિક્ષકોને મડદા ગણવાનું, તીડ ઉડાવાનું કામ સોંપાય છે
તેમણે વધુમાં કહ્યું કે, અમે રસ્તો બતાવ્યો કે તમામ TAT પરીક્ષા પાસ કરીને આવ્યા છે, આચાર્યની અધ્યક્ષતામાં પરીક્ષા વિનામૂલ્યે લેવાઈ હોત. પરંતુ અમને પરીક્ષા નહીં આપો તો પ્રશ્નો નહિ સાંભળીએ તેમ જણાવવામાં આવ્યું. 2 લાખ શિક્ષકોના સ્વાભિમાનનો આજે વિજય થયો છે. સરકાર કેન્દ્ર સરકારને રજુઆત કરીને જૂની પેન્શન માટે વાત કરે. જૂની પેનશન યોજના સારી હતી. અધિકારીઓ અમારી કોઈ વાત સાંભળતા જ નથી. અમારી રજુઆતને કોર્ટ મેટરનું નામ કહી દે છે. શાળામાં દરેક કામ માત્ર શિક્ષકોને જ કરાવામાં આવે છે. શિક્ષક પાસે ગેરશૈક્ષણિક કામ કરાવામાં આવે છે. કોરોનામાં મડદા ગણવાના કામ સોંપવામાં આવે છે. તીડ ઉડવાનું કામ શિક્ષકોને આપવામાં આવે છે. આવતી કાલથી અમે કોર કમિટીની બેઠક બોલાવીને નવું આંદોલન કરવાનું વિચારીશું.

રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલની તસવીર
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલની તસવીર

3 દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી
ઘનશ્યામ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 2 લાખ શિક્ષકો સમાજનું રચનાત્મક કામ કરી રહ્યા છે. આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવીશું. હું આરએસએસમાંથી આવું છું. અમે શિક્ષણ મંત્રી આજે રાજીનામું આપે તેવી માંગ કરીએ છીએ. કાલથી અમારા પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો અમે આગામી સમયમાં આંદોલન કરીશું. આપણી સરકાર ગુરુદેવોની વાત સાંભળે. 56000 શિક્ષકોએ જ પરીક્ષા આપી છે. 3 દિવસમાં અમારા શિક્ષકોના પ્રશ્ન ઉકેલાશે નહિ તો ઉગ્ર રજૂઆત કરીશું.

અમદાવાદમાં સજ્જતા સર્વેક્ષણ કેન્દ્રો ખાલીખમ
આજે શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષા યોજાનાર છે. ત્યારે અમદાવાદના કેન્દ્રો પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની તાલિમ માટે જ શિક્ષકો આવ્યા નથી. અમદાવાદમા જોધપુર અને વસ્ત્રાપુર કેન્દ્ર ખાલીખમ, બહુચરાજી, વડોદરા સહિત અનેક કેન્દ્રોમા શિક્ષકોએ બહિષ્કાર કર્યો. બપોરે બે વાગે પરિક્ષા શરૂ થાય એ પહેલા શિક્ષકોને ભેગા કરવા આણંદ સહિત RSSની ભગિની સંસ્થાના હોદ્દેદારોને શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે.બીજી તરફ શહેરોના શિક્ષકોને આજની પરીક્ષામા બેસાડવા રૂ.4200નો ગ્રેડ પે આપવા શિક્ષણ વિભાગે બેઠક બોલાવી છે.

અમદાવાદમાં ચાંદખેડા પગાર કેન્દ્ર શાળા પર સર્વેક્ષણ માટે કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. 2 વાગ્યાની પરીક્ષા છે પરંતુ હજુ સુધી કોઈ શિક્ષક પરીક્ષા આપવા માટે આવ્યા નથી. સ્કૂલમાં 37 શિક્ષકોના સીટ નંબર અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પરીક્ષાના સમય નજીક હોવા છતાં કોઈ શિક્ષક આવ્યા નથી.પરીક્ષા વિભાગના કર્મચારીઓ સિલ બંધ પેપર લઇને સ્કૂલ પર પહોંચ્યા હતા. પરંતુ શિક્ષક ના હોવાથી ઉપરથી સૂચના આવે તેની રાહ જોઈ રહ્યા હતાં.

વડોદરામાં 12 સ્કૂલોના 53 શિક્ષકો એક કેન્દ્રમાં પરિક્ષા આપશે
વડોદરામાં 12 સ્કૂલોના 53 શિક્ષકો એક કેન્દ્રમાં પરિક્ષા આપશે

વડોદરામાં 900 શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો
વડોદરા જિલ્લામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો દ્વારા પોતાની સજ્જતાની કસોટી આપવાનો વિરોધ કર્યો છે. જ્યારે જિલ્લા પંચાચત સંચાલિત શાળાના શિક્ષકોના ચાલતા બે સંઘો પૈકી એક સંઘ દ્વારા કસોટી આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે.વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના 900 શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતાની પરિક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે શિક્ષકો રાવપુરા સ્થિત સમિતીની સ્કૂલ ખાતે એકઠા થયા હતા.

શિક્ષક સજ્જતાની પરિક્ષાનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા અંગે પરિક્ષા લઇને શિક્ષકોનું અપમાન કરી રહી છે. શિક્ષકોને પોતાની સજ્જતાની પરિક્ષા આપવાની જરૂર નથી.તો બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતીના 954 શિક્ષકો દ્વારા પરિક્ષા આપવા માટે તૈયારી બતાવી છે. તંત્ર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષા માટે શહેરમાં 18 કેન્દ્રોમાં લેવામાં આવશે. 12 સ્કૂલોના 53 શિક્ષકો એક કેન્દ્રમાં પરિક્ષા આપશે.

સુરતમાં 4 હજાર શિક્ષકોનો સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર
સુરત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા મામલે આજે સુરત પાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શાળાઓ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં અન્ય શહેરોમાં શિક્ષક સંઘ પરીક્ષા આપે છે,પરંતુ સુરત શહેરમાં બહિષ્કાર કરી તમામ શિક્ષકો લડતમાં જોડાયા છે. લગભગ 4000 શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર કરશે એવું જણાવ્યું છે. સુરતમાં 44 સેન્ટરો પરીક્ષા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. જોકે હાલ તમામ સેન્ટરો ખાલીખમ રહેશે તેવી શિક્ષક સંઘે ચીમકી આપી છે.

આ અંગે પટેલ શિલ્પા બેન શંકર ભાઈ (શિક્ષક) એ જણાવ્યું હતું કે 22 વર્ષથી પાલિકા સંચાલિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાઉ છું, જો ગ્રેડ-પે બાબતે ન્યાય નહિ મળે તો તમામ પરીક્ષાઓનો બહિષ્કાર કરીશું, બીજા જિલ્લાઓ પ્રમાણે ગ્રેડ-પે મળવો જોઈએ, પાલિકાના 4000 શિક્ષકો આ બહિષ્કાર માં જોડાયા છે. અમે તમામ પરીક્ષાઓ આપી ફરજ બજાવી રહ્યા છે એટલે એમને ન્યાય મળવો જોઈએ.

સુરતમાં ચાર હજાર શિક્ષકોએ પરીક્ષાનો વિરોધ કર્યો
સુરતમાં ચાર હજાર શિક્ષકોએ પરીક્ષાનો વિરોધ કર્યો

રાજકોટ શહેર અને જિલ્લાના 300 શિક્ષકોએ વિરોધ કર્યો
વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનાર શિક્ષકોને પોતાની સજ્જતાની કસોટી આપવાના રાજ્યના શિક્ષણ વિભાગના ફતવા સામે વિવાદ સર્જાયો છે. સમગ્ર રાજ્યના શિક્ષકો સાથે રાજકોટ શહેર અને જિલ્લાના શિક્ષકો દ્વારા પોતાની સજ્જતાની કસોટી આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે,રાજ્યના શિક્ષકોની સાથે રાજકોટના શિક્ષકો પણ વિરોધમાં જોડાયા છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અંદાજિત 300 જેટલા શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતાની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં ટીકા કરનાર આણંદના શિક્ષકને નોટીસ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે આણંદના શિક્ષકે સોશિયલ મીડિયામાં ટીકા કરતાં આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીકા કરનાર શિક્ષકને કારણદર્શક નોટીસ મોકલી છે. જો ટીકા કરનાર શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. નોટીસ બાબતે ખુલાસો કરવા માટે શિક્ષકને શિક્ષણાધિકારી કચેરીમાં જવા પણ કહેવામાં આવ્યું છે.

ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ
ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ

શિક્ષકોને અત્યારસુધી દબાવવામાં આવ્યા છે
આ અંગે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે અમે શિક્ષણમંત્રીને પરીક્ષા અંગે રજૂઆત કરવા ગયા હતા, પણ તેમણે કહ્યું હતું કે હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. આ રાજ્યના બે લાખ શિક્ષકોનું અપમાન છે. સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કર્યાના ખોટા આંકડાઓ રજૂ કરી રહી છે. 2 લાખ શિક્ષકો આ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. પરીક્ષા મરજિયાત છે, પણ સરકારે વાતાવરણ ફરજિયાત જેવું કર્યું છે. શિક્ષકોએ કોરોનામાં મડદાં ગણ્યાં છે અને ખેતરોમાં તીડ પણ ઉડાડયા છે. કોઈપણ મુદ્દે શિક્ષકોને અત્યારસુધી દબાવવામાં આવ્યા છે, પરંતુ હવે શિક્ષકોને દબાવી શકાશે નહીં, કારણ કે હવે શિક્ષકો વિરોધ કરશે.

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ ચાલુ રહેશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે પ્રેસ-કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે, એનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે.