રાજ્યભરના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઇને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના પગલે સરકાર તરફથી શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં સંતોષકારક નિવારણ ના આવે ત્યાં સુધી શૈક્ષિક મહા સંઘ દ્વારા આંદોલન ચાલુ રહેશે.
મંગળવારે શૈક્ષિક મહાસંઘની બેઠક મળશે
આ અંગે શૈક્ષિક મહાસંઘના મહામંત્રી આર.પી પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી કાયમી ફાજલની નીતિમાં સુધારો અને જૂના શિક્ષકની ભરતી અંગે માંગણી સ્વીકારવામાં આવી છે, પરંતુ નાણાકીય કક્ષાની માંગણીઓ અંગે નીતિન પટેલ સાથે ચર્ચા કરીને 20 ઓગસ્ટ સુધીમાં નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી અમે શૈક્ષિક સંઘે આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. જ્યારે માધ્યમિક સંઘે પીછેહઠ કરી છે અને આંદોલન હાલ પૂરતું પૂરું કર્યું છે. આવતીકાલે અમારી શૈક્ષિક સંઘની બેઠક મળશે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
શિક્ષકોએ 30 હજાર સેલ્ફી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરી
રાજ્યભરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા અનેક પડતર માંગણીઓને લઇને કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે. 1 ઓગસ્ટથી શિક્ષકો દ્વારા સેલ્ફી સાથે ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં 30,000 શિક્ષકોએ સેલ્ફી પણ મોકલાવી હતી. શિક્ષકો દ્વારા સતત આંદોલનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા વાતચીત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠક વચ્ચે શૈક્ષિક મહાસંઘ લડી લેવાના મૂડમાં
શિક્ષકોના 10 પ્રતિનિધિ અને શિક્ષક વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ, સંયુક્ત કમિશનર, સંયુક્ત શિક્ષણ નિયામક વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેટલીક માંગણીઓ પૂરી કરવાની બાહેધરી આપવામાં આવી છે. જ્યારે કેટલીક માંગણીઓ 20 ઓગસ્ટ સુધીમાં વિચારણા કરીને નક્કી કરવામાં આવશે. જેથી શૈક્ષિક મહાસંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.