મ્યુની. સ્કૂલના બાળકો વાંચન, લેખન અને ગણનમાં સક્ષમ બને તે માટે ખાસ અભિયાન શરૂ કરાયું હતું. બાળકોની સ્કૂલમાં હાજરી વધારવા માટે શિક્ષકોએ 30 દિવસમાં 70 હજાર વાલીનો સંપર્ક કર્યો હતો. જેના પરિણામે બાળકોની હાજરી 65ટકાથી વધીને 90 સુધી પહોંચી છે. આ ઉપરાંત દરેક સ્કૂલો નબળા વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા માટે સ્કૂલ સમય ઉપરાંત એક કલાક વધારે અભ્યાસ કરાવે છે. જેથી પરિણામમાં સુધારો લાવી શકાય.
અમદાવાદ શહેરમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત પરિણામ સુધારણા માટે કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓની હાજરી સૌથી મોટો પડકાર હતો. આ માટે શિક્ષકોને સૂચના અપાઇ હતી કે જે વિદ્યાર્થી ગેરહાજર રહે તેના વાલીનો સંપર્ક કરવામાં આવે. વાલીને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવે. બાળક રેગ્યલર સ્કૂલે આવે તો તેના ફાયદા પણ સમજાવવાનું જણાવ્યું હતું. શિક્ષકોએ 30 દિવસમાં 70 હજાર વાલીઓનો સંપર્ક કરીને બાળકોને દરરોજ સ્કૂલે મોકલવા માટે સમજાવ્યા હતા. શિક્ષકોએ વાલીને મળવા જવા માટે પણ સ્કૂલ સિવાયનો સમય પસંદ કરવાનો હતો.
કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ
અમારો ઉદ્દેશ્ય છે કે પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીમાં કોઇ બાળક વાંચન, લેખન અને ગણનમાં નબળુ ન રહે તે માટે શિક્ષકો સતત પ્રયત્ન કરી રહ્યાં છે. શિક્ષકોના સતત પ્રયત્નોથી 65 ટકા હાજરીને 90 ટકા સુધી પહોંચાડી છે, અમે તેને 100 ટકા સુધી પહોંચાડવા માગીએ છીએ. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સૌથી વધારે અમારી સ્કૂલોને સર્ટિફિકેટ મળે તે અમારો ધ્યેય છે. - ડો. એલ.ડી દેસાઇ, શાસનાધિકારી
3 હજાર ગ્રૂપ બનાવી વાલીઓને જોડાયા
હાજરી વધારવા માટે દરેક સ્કૂલોના શિક્ષકોએ વાલીઓના સોશિયલ મીડિયામાં 3 હજાર જેટલા ગ્રૂપ બનાવ્યા. જેમાં વાલીઓને બાળકોએ કરેલી સારી પ્રવૃત્તિઓ, ઇનોવેશન વગેરેને મૂકવામાં આવતા. જેથી વાલીઓ તેને જોઇને બાળકોને સ્કૂલે મોકલતા. આ સાથે જ વાલીઓને પણ ગ્રૂપમાં ચર્ચા કરવા માટે બોલાવાતા. વાલીઓ ચર્ચામાં શામેલ થતા બાળકોની ક્રિએટિવિટી વિશે વાલીઓ જાગૃત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.