હાલમાં ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે સાથે સાયબર ફ્રોડના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ઘણીવાર વ્યક્તિની બેંક ડિટેલ મેળવીને તો ઘણીવાર બેંક અધિકારી બનીને ભેજાબાજો લોકોને છેતરતા હોય છે. ત્યારે શહેરમાં એક શિક્ષક સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમણે 1-2 નહીં પરંતુ પૂરા 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જે બાદ શિક્ષકે હવે સાયબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
નિવૃત્ત શિક્ષકે 10 વર્ષ પહેલા વીમો લીધો હતો
ઘટનાની વિગતો મુજબ, નરોડામાં રહેતા 71 વર્ષના નિવૃત્ત શિક્ષક પશાભાઈ પટેલે વર્ષ 2011માં એજન્ટ પાસેથી 10 વર્ષની વીમા પોલિસી લીધી હતી. આ માટે તેમણે શરૂઆતના પહેલા વર્ષે માત્ર રૂ.50 હજારનું પ્રીમિયમ ભર્યું હતું. પરંતુ આ બાદ કોઈ રકમ ભરી નહોતી. જોકે પોલિસી લીધાના વર્ષો બાદ તેમને 9 માર્ચ 2021ના રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતે ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ફન્શ્યોરન્સના અધિકારી તરીકે હોવાનું જણાવી પશાભાઈને તેમની પોલિસી પાકતી હોવાથી પ્રીમિયમના બાકી પૈસા ભરવા પર રૂપિયા મળશે તેમ જણાવ્યું હતું.
વીમાના પાકતા પૈસા અપાવવાના બહાને 35 લાખ પડાવ્યા
આટલું જ નહીં સામેની વ્યક્તિએ તેમનો પોલિસી નંબર અને તે ક્યારે પાકે છે તેની ચોક્કસ માહિતી આપતા શિક્ષકને તેના પર વિશ્વાસ થઈ ગયો હતો. આથી તેમણે શરૂઆતમાં 15 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ બાદ સામેની વ્યક્તિએ દરેક વખતે પૈસાની વધુને વધુ માગણી કરીને જુદા જુદા 7 જેટલા બેંક એકાઉન્ટમાં રૂ. 35.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા.
સાયબર ક્રાઈમમાં શિક્ષકે કરી છેતરપિંડીની અરજી
પશાભાઈ જ્યારે પણ વીમાના પાકતા પૈસા પાછા માગતા ત્યારે તેમને બીજા વ્યક્તિ સાથે વાત કરીને પૈસા મળી જશે એવી જ ખાતરી આપવામાં આવતી અને દરેક વખતે વધુ પૈસા ભરવા માટે કહેવામાં આવતું. આમ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનો અહેસાસ થતા તેમણે આ મામલે સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.