ગુજરાતમાં ACBનો સપાટો:સૂત્રાપાડા અને શહેરામાં TDO, દ્વારકામાં પ્રાંત અધિકારી તો અમદાવાદમાં ઢોર પાર્ટીનો PI લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

2 દિવસ પહેલા
  • લાંચિયા અધિકારીઓ પર નવી સરકારનો સપાટો, બે દિવસમાં ક્લાસ વન અધિકારીઓ સહિતના ઝડપાયા
  • કોન્ટ્રાક્ટરના બે ચેક પાસ કરાવવા શહેરા TDO વતી પોણા પાંચ લાખની લાંચ લેનાર સહિતના ઝડપાયા
  • દ્વારકા પ્રાંત અધિકારી પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવાના બદલામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા છેલ્લા બે દિવસમાં ક્લાસ વન સહિતના અધિકારીઓ પર સપાટો બોલાવ્યો છે. તેમાં પણ દશેરા પહેલા નોરતામાં જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવીને એક પ્રાંત અધિકારી (SDM) અને બે તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને લાંચ લેવાના ગુનામાં પકડ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ પણ એસીબીની ઝપટે ચડ્યા છે.

શહેરા તાલુકા વિકાસ અધિકારી અને 3 કોન્ટ્રાક્ટ પરના કર્મી 4.45 લાખના લાંચ પ્રકરણમાં પકડાયા
પંચમહાલ જિલ્લાના શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2,75,00,000 તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી. આરોપી હેમત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો.
સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને ACBએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માગતા ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાએ એક આસામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩ લાખની લાંચની માંગણી કરી હતી. જોકે જે તે આસામી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીની ફરિયાદ કરી હતી. જેના આધારે આજે (14 ઓક્ટોબરે)ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.
સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

ગીર સોમનાથના સુત્રાપાડાના TDO 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ગીર સોમનાથ જિલ્‍લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં જ આજે (14 ઓક્ટોબરે) બપોરે TDO અમૃત પરમાર રૂ.5 હજાર લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતાં સરકારી કચેરીઓ સહિત પંથકમાં ચકચાર જાગી છે. ટીડીઓએ તાલુકાની એક મંડળીનું લાખોનું બિલ પાસ કરવા માટે લાંચ માંગેલી હતી. જે પેટેની અમુક રકમ લેતા એસીબીએ છટકું ગોઠવી રંગેહાથે ઝડપી લીઘા હતા. જિલ્‍લામાં એકાએક થયેલી એસીબીની કાર્યવાહીના પગલે ભ્રષ્‍ટ અઘિકારી અને કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ મામલે એસીબીએ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં રખડતી ગાય ન પકડવા લાંચ લેતા ઢોર પાર્ટીનો PI કુરેશી ઝડપાયો
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતી આવી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરો પકડવામાં આવતાં ન હતાં. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપ્તા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, જેની ફરિયાદ ગુજરાત એસીબીને મળતાં 13 ઓક્ટોબરે અમદાવાદ એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગાયો ન પકડવાના હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની લાંચ માગી હતી, જેથી એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવી અને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...