સ્ટેન્ડિંગ કમિટીની સૂચના:અમદાવાદમાં બીયુ પરમિશન વગરના મકાનોનો પણ ટેક્સ બિલ જશે, સર્વે કરી આકરાણી કરાશે

અમદાવાદ18 દિવસ પહેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • કોર્પોરેશનના પ્લોટમાં બિલ્ડિંગનો કાટમાળ નાખતા ખાનગી વાહનોને દંડ કરાશે

અમદાવાદ શહેરમાં હવેથી જે પણ બીયુ પરમિશન વગરની બિલ્ડિંગ અથવા મકાન હશે તેની પણ ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેક્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને શહેરમાં આવેલી બીયુ પરમિશન વગરની જેટલી પણ બિલ્ડિંગ કે મકાન હોય તેનો સર્વે કરી અને તેની આકારણી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ આકારણી કરવાથી તેઓને ટેક્સ બિલ જશે અને તેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક થશે.

આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આકારણી કરવા માટેની સૂચના અપાઈ
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરના જે પણ નવા વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હદ પડ્યા છે. તેમાં બીયુ પરમિશન વગરના જે પણ મકાનો છે, તેનો સર્વે કરી અને આકારણી કરવા માટેની આજે કમિટીમાં સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના તમામ ઝોનમાં પણ જેટલા આવા બીયુ પરમિશન વગરના મકાનો છે તેમાં પણ આકારણી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત જે પણ નવો વિસ્તાર થયો છે અને જ્યાં પણ નવી બિલ્ડિંગો બની છે તે વિસ્તારમાં આકારણી બાકી હોય તો ત્યાં ઝડપથી આકારણી પૂર્ણ કરવા માટે પણ જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.

બિલ્ડિંગ મટિરિયલનો કાટમાળ નાખવાની ફરિયાદો
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પાંચ હજારથી વધુ કોર્પોરેશનના પ્લોટ આવેલા છે, તેમાં કેટલાંક પ્લોટમાં ખાનગી કોન્ટ્રાક્ટરના ડમ્પરો અને ટ્રેક્ટરો દ્વારા બિલ્ડિંગ મટિરીયલનો કાટમાળ નાખવામાં આવતો હોવાની ફરિયાદો આવી હતી. જેથી તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જે પણ આ રીતે કાર પ્લોટ માં નાખે છે તેમના વાહનોને પકડવામાં આવ્યો અને તેઓને આર.ટી.ઓ.માં દંડની અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે તેથી ભવિષ્યમાં અન્ય કોઈ પણ આ રીતે કાટમાળ કોર્પોરેશનના પ્લોટમાં નાખે નહીં.

રૂ. 180 લાખથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી
મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ સ્ટેન્ડિંગ કમિટી હોલ, દાણાપીઠ ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર વિભાગના તેમજ રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપી છે.

સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી મારફતે આવેલા વિવિધ કામો જેવા કે, દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડમાં બગીચા ખાતાની કામગીરી માટે લોડીંગ ટેમ્પો સપ્લાય કરવા તેમજ મ્યુ. પ્લોટ, નર્સરી, પ્લાન્ટેશન વિગેરેની જાળવણી માટે 8 કલાકની શીફ્ટમાં ગાર્ડનીંગ કરવાના કામને તથા પૂર્વ ઝોનમાં ગાયત્રી વાટિકા ગાર્ડન રીડેવલપ કરવાનું કામ એમ કુલ મળી રૂ. 136 લાખના કામોને મંજૂરી આપી. વધુમાં, જુદા જુદા ઝોનમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે ગાર્ડન ડેવલપમેન્ટ / મેઇન્ટેનન્સ માટે “UNM Foundation" ને ફાળવવામાં આવેલા ગાર્ડનોની સમયમર્યાદા વધુ પાંચ વર્ષ લંબાવવા માટે તેમજ ઉત્તર ઝોનમાં મેમ્કો પાસે આવેલા આધુનિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતેની વિવિધ રમતો / એકટીવીટી / ભાડાના દરોમાં ફેરફાર તેમજ સુચિત નિયમોનો અમલ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

મ્યુનિ. પ્લોટમાં કચરો નાખનારાને દંડ થશે
મ્યુનિ.કોર્પોરેશનના પાંચ હજારથી વધુ પ્લોટ છે. પ્લોટમાં ખાનગી કોન્ટ્રાક્ટરો સહિત સ્થાનિકો પણ બાંધકામ ઉપરાંત અન્ય કચરો ઠાલવે છે. જેની ફરિયાદો મળતાં કચરો ઠાલવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...