તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક વેક્સિન:અમદાવાદ જિલ્લામાં રોજ 6000ને દૈનિક ધોરણે રસી આપવાનો લક્ષ્યાંક

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 તાલુકામાં 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વિવિધ સેશન સાઈટ પર નિ:શુલ્ક વેક્સિન
  • રસીકરણ થકી યુવાવર્ગ કોરોનાને નાથવામાં ઉત્સાહથી સહભાગી બની રહી છે : અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે આજથી તા.4 જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓમાં 30 પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને અમદાવાદ ગ્રામ્યની વિવિધ કેંદ્રની સેશન સાઈટ પરથી 18થી 44ની વય જૂથના લોકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોજીંદા 6000 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેશભાઈ પરમારે જણાવ્યું કે ‘’અમદાવાદ ગ્રામ્યમાં 30 સેન્ટર પર દરરોજ 6 હજાર લોકો જેઓ 18થી 44 ની વયજૂથના યુવાનો જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પર જશે ત્યાં તેમને વેક્સિન વિનામૂલ્યે અપાશે. દરેક કેંદ્ર પર 200 લોકોનું રસીકરણ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના 20 સેન્ટરો પર અગાઊથી જ 45થી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ પણ ચાલું જ છે.

એટલે અમદાવાદ જિલ્લામાં કુલ 50 સેન્ટરો પર રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અને રોજના 10 હજાર લોકોનું રસીકરણ થાય તેવો અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રનો લક્ષ્યાંક રહેલો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ સેન્ટરો પર રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. જિલ્લાના તમામ યુવાનો વધુને વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને રસી લઈને કોરોનાની ગંભીર મહામારીને નાથવામાં ઉત્સાહથી સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...