દંડનો ટાર્ગેટ:અમદાવાદ શહેરના 67 પોલીસ સ્ટેશનને માસ્ક વગરના રોજના 80ને પકડવા ટાર્ગેટ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

અમદાવાદના તમામ 67 પોલીસ સ્ટેશનને માસ્ક વગર જાહેરમાં ફરતા રોજના 80 લોકોને પકડી 80 હજારનો દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ અપાયો છે. આ ઝુંબેશ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. 67 પોલીસ સ્ટેશન રોજના 80 લોકોને પકડે તો 5360 કેસ અને પોલીસને રોજની 53.60 લાખ દંડની આવક થાય.

અમદાવાદના 7 ઝોનના ડીસીપી તેમજ ટ્રાફિક સહિત 8 ડીસીપીએ ગુરુવારે સાંજે તેમના તાબા હેઠળના 67 પોલીસ સ્ટેશનના પીઆઈઓ સાથે મીટિંગ યોજી હતી. પીઆઈને માસ્ક વગર ફરતા મિનિમમ 80 લોકોને પકડીને તેમની પાસેથી રૂ.80 હજાર દંડ વસૂલ કરવા કડક સૂચના અપાઇ હતી. પીઆઈઓએ પોલીસ સ્ટેશન જઈને નાકાબંધી પોઈન્ટ, સીપીઆર વાન તેમજ પેટ્રોલિંગ કરતી તમામ પોલીસને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને રૂ.1-1 હજારનો દંડ વસૂલવા સૂચના આપી દીધી હતી. જો કે આ આદેશ પોલીસ કમિશનર તરફથી અપાયો હોવાનું ડીસીપીએ તમામ પીઆઈઓને જણાવ્યું હતું.

અત્યારસુધી રોજના 1200થી 1300 ઝડપાતા હતા હવે ચાર ગણા પકડાશે
લોકડાઉન થયું ત્યારથી શહેર પોલીસ રોજના 1200થી 1300 લોકોને માસ્ક પહેર્યા વગર પકડતી હતી અને તેમની પાસેથી રૂ.1000 લેખે 12થી13 લાખ દંડ વસૂલતી હતી. પરંતુ ગુરુવારથી અમદાવાદ પોલીસને રોજના 5 હજારથી વધુ કેસ શરૂ કર્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં રોજના 20 લોકોને પોલીસ માસ્ક વગર પકડતી હતી. જેના આધારે 67 પોલીસ સ્ટેશનમાં 1200 થી 1300 કેસ થતા હતા. જ્યારે હવે રોજના કેસની સંખ્યા 20થી વધારીને 80 કરી દેવાઇ છે. જેના કારણે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણની ઘટના વધશે.તેવું પોલીસ અધિકારીઓનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...